Aug 18, 2025
ગણેશ ચતુર્થીના તહેવારના આડે થોડા દિવસો બાકી છે. આ પ્રસંગે બાપ્પાને મોદક ચઢાવવામાં આવે છે. ગણપતિ બાપ્પાને મોદક ખૂબ ગમે છે, તેથી ઘણા ભક્તો બાપ્પાને મોદક ચઢાવે છે.
કેટલાક લોકો પોતાના હાથે બાપ્પા માટે મોદક બનાવે છે અને ચઢાવે છે. જો તમે પણ એવા લોકોમાંના છો જે પોતાના હાથે બાપ્પા માટે મોદક બનાવીને ચઢાવવાનું વિચારી રહ્યા છો
તો તમે પણ ઘરે જ ગણપતિ દાદાને ભાવતા મોદક ઘરે બનાવી શકો છો. અહીં એકદમ સરળ રેસીપી આપેલી છે. ફટાફટ નોંધીલો રેસીપી.
ચોખાનો લોટ, પાણી, ગોળ, નારિયેળ, ઘી, એલચી પાઉડર
સૌ પ્રથમ, મોદકનું સ્ટફિંગ તૈયાર કરો. આ માટે એક પેનમાં 1 ચમચી ઘી નાખો. ગરમ થયા પછી, તેમાં છીણેલું નારિયેળ ઉમેરો અને થોડું શેકો.
આ પછી, ગોળ ઉમેરો અને ગોળ ઓગળે ત્યાં સુધી ધીમે ધીમે હલાવો. છેલ્લે, એલચી પાવડર ઉમેરો અને ગેસ બંધ કરો. મોદકનું મીઠી અને સુગંધિત પૂરણ તૈયાર છે.
મોદકનો લોટ બાંધવા માટે એક પેનમાં પાણી ઉકાળો અને તેમાં એક ચમચી ઘી ઉમેરો. આ પછી, તેમાં ચોખાનો લોટ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
હવે ગેસ બંધ કરો અને તે થોડું ઠંડુ થાય ત્યાં સુધી રાહ જુઓ. તે હૂંફાળું થયા પછી, તેમાંથી નરમ લોટ બાંધો. ધ્યાનમાં રાખો કે લોટ ખૂબ કઠણ ન હોવો જોઈએ.
હવે મોદકનો આકાર આપવાનો સમય છે. આ માટે પહેલા લોટના નાના ગોળા બનાવો, હવે તેને હાથ પર ફેલાવો અને વચ્ચે તૈયાર સ્ટફિંગ ભરો.
આ પછી, કિનારીઓ ઉંચી કરો અને મોદકનો આકાર આપો. મોદકનો આકાર આપવા માટે તમે મોદકના બીબાનો પણ ઉપયોગ કરી શકો છો.
આ પછી મોદકને સ્ટીમરમાં 10 થી 12 મિનિટ માટે બાફી લો. થોડીવારમાં ગરમા ગરમ મોદક બાપ્પાને ચઢાવવા માટે તૈયાર થઈ જશે.