હોળી ધુળેટી રંગ અને ખુશીનો તહેવાર છે. હોળી પર લોકો એકબીજાને રંગ કલર લગાવે છે. જો કે આજના બજારમાં કલર અને ગુલાલ કેમિકલયુક્ત છે, જે શરીરને નુકસાન પહોંચાડે છે.
ઘણી વખત હોળી રમતી વખતે કલર આંખોમાં જાય છે ત્યારે ખૂબ બળતરા થવા લાગે છે. અહીં હોળીના રંગ આંખમાં જાય તો શું કરવું અને ન કરવું તેના વિશે જાણકારી આપી છે.
હોળી રમતા આંખમાં રંગ કે ગંદકી આવી જાય તો સૌથી પહેલા આંખોને સ્વચ્છ અને ઠંડા પાણી વડે સાફ કરો. કલર આંખમાં જતા બળતરા થાય છે, આથી ઠંડા પાણી વડે આંખ સાફ કરવાથી બળતરા શાંત થાય છે.
હોળીનો રંગ આંખમાં જાય તો ચોળવી નહીં. આમ કરવાથી આંખ લાલ થઇ જશે અને બળતરા થશે.
હોળીનો રંગ આંખોમાં જાય તો ગુલાબ જળ આંખમાં નાંખો, તેનાથી બળતરા શાંત થશે. ગુલાબ જળમાં કોટન ભીનું કરી આંખ પર લગાવો.
હોળીના રંગથી આંખની આસપાસની જગ્યામાં બળતરા અને ખંજવાળ આવે છે. આવી સ્થિતિમાં આંખની આસપાસ કોલ્ડ ક્રીમ કે એલોવેરા જેલ લગાવો, તેનાથી આંખોમાં બળતરા પણ ઓછી થશે.
કાકડી આંખોમાં બળતરાની સમસ્યાને પણ ઓછી કરી શકે છે. કાકડીમાં ઠંડક આપે છે. કાકડી ગોળ કાપીને ફ્રિજમાં ઠંડી થવા મૂકી દો અને પછી તેને આંખો પર મૂકવાથી ઠંડક લાગશે.
જો હોળીના રંગ આંખમાં જતા વધારે બળતરા, લાલાશ અને દુખાવો થાય કે ધૂંધળો દેખાય છે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.