Jun 12, 2024
ભાખરવડી સ્વાદિષ્ટ ફરસાણ છે. વિવિધ મસાલા થી ભરપૂર બજાર જેવી ભાખરવડી ઘરે પણ બનાવી શકાય છે. ચા સાથે ખાવામાટે ભાખરવડી એકદમ બેસ્ટ સ્નેક છે.
મેંદો, ચણાનો લોટ, આમલીની મીઠી ચટણી, ચાટ મસાલો, લાલ મરચું પાવડર અને ધાણાજીરું, જીરું, વરિયાળી, અજમો અને સફેદ તલ, ખાંડ બુરુ અને નારિયેળની છીણ અને તળવા માટે તેલ
ભાખરવડી બનાવવા માટે એક કપ મેંદાનો લોટ લો. તેમા 3 - 4 ચમચી ગરમ તેલ અને ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું નાંખો. તમામ વસ્તુ બરાબર મિક્સ કરી લોટ બાંધી લો. આ લોટને 10 થી 15 મિનિટ રહેવા દો.
ભાખરવડીનો અસલી સ્વાદ તેના મસાલામાં હોય છે. બે ચમચી આખા ધાણા, એક ચમચી જીરું, એટલી જ માત્રામાં વરિયાળી, અડધી ચમચી અજમો અને બે ચમચી નાળિયેરનો પાવડરને એક સાથે મિક્સરમાં બારીક પીસી લો.
હવે આ મસાલાને એક બાઉલમાં કાઢી લો. તેમા એક ચમચી લાલ મરચું પાવડર, એક ચમચી ખાંડ બુરુ અને એક ચમચી ચાટ મસાલો મેળવી બધું બરાબર મિક્સ કરી બાજુ પર રાખો.
હવે ભાખરવડીના લોટ માંથી નાના નાના લુઆ બનાવો અને તેને રોટલીની જેમ ગોળ કે ચોરસ વણી લો. હવે આ રોટલીની કિનારી છોડીને ચમચી વડે આમલીની ચટણી લગાવી દો. તેના પર તલ છાંટી દો. હવે જે મસાલો તૈયાર કર્યો છે તે ચમચી વડે સારી રીતે પાથરી દો
એક વાતનું ધ્યાન રાખો કે, મસાલાનું પડ વધારે જાડું ન હોય. એક રોટલીમાં 1 કે 2 ચમચી મસાલો પુરતો હોય છે. હવે મસાલા વાળી રોટલી પર વેલણ ફેરવી લો, જેથી રોટલી પર મસાલો બરાબર ચોંટી જાય.
હવે રોટલીને એક બાજુથી ગોળ રોલ જેમ વાળો. રોટલીના બંને છોડાને લોટ વડે બરાબર બંધ કરી દો, જેથી મસાલો બહાર ન નીકળે. હવે હથેળી વડે આ રોલને ધીમે ધીમે લાંબો કરો.
હવે આ રોલ માંથી એક થી દોઢ ઇંચના કે તમારા મરજી મુજબ ચાકુ વડે નાના નાના ટુકડા કરો. આ ટુકડાને હાથ વડે થોડાક દબાવી લો, જેથી મસાલાનો બહાર ન નીકળે.
આ રોલના એકથી દોઢ ઇંચના ટુકડા કરી કાપેલા ભાગની બાજુથી હલકા હાથે દબાવી લો. એક કઢાઇમાં તેલ ગરમ કરો. જ્યોતને મધ્યમ પર રાખો અને તેમાં ભાખરવાડીના ટુકડાઓ મૂકો અને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ભાખરવાડી તૈયાર છે. તેને કન્ટેનરમાં સીલબંધ સ્ટોર કરો અને અઠવાડિયા સુધી તેનો આનંદ માણો.