જલેબી રેસીપી, મીઠાઇની દુકાન જેવી ટેસ્ટી આ રીતે બનાવો

Mar 11, 2025, 10:06 PM

હોળીનો તહેવાર આવી રહ્યો છે. આ દરમિયાન ઘણા ઘરોમાં મીઠાઇ ખાવામાં આવે છે.

આ તહેવારના દિવસે તમે ઘરે જલેબી બનાવીને મહેમાનોને ખવડાવી શકો છો. અહીં મીઠાઇની દુકાન જેવી ટેસ્ટી જલેબી બનાવવાની રીત જણાવી રહ્યા છીએ.

જલેબી બનાવવાની સામગ્રી

મેંદો, કોર્ન ફ્લોર, બેકિંગ પાઉડર, હળદર, દહીં, પાણી, ખાંડ, લીંબુ નો રસ, એલાઇચીનો પાઉડર, કેસરના તાંતણા

જલેબી રેસીપી

એક બાઉલમાં મેંદો ચાળી લો. તેમાં કોર્ન ફ્લોર, બેકિંગ પાઉડર, એક ચપટી હળદર અને દહીં અને જરૂર પ્રમાણે પાણી નાખી ઘટ્ટ ખીરું બનાવો. ધ્યાન રહે કે ખીરામાં કોઈ ગાંઠ ન રહે.

ખીરાને ઢાંકીને 24 કલાક માટે આથો થવા માટે રાખો. ત્યારબાદ તમને ખીરાની સપાટી પર નાના પરપોટા દેખાશે અને હલ્કી ખાટી ગંધ આવશે. જો ખીરું બહુ વધારે ઘટ્ટ હશે તો જલેબી નરમ રહેશે.

જલેબી બનાવવા જે વાસણ લેવાના હોય તે કે એક ઝિપલોક બેગમાં ખીરું નાખો.

ચાસણી બનાવવાની રીત

એક તપેલી ખાંડ, કેસરના તાંતણા, એલાઇચીનો પાઉડર અને પાણી નાખી મધ્યમ આંચ પર ગેસ પર મૂકો. તેને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી 1 તારની ચાસણી ના થઈ જાય.

1 તારની ચાસણી થઈ જાય ત્યારે લીંબુનો રસ નાખો. તેને બરાબર મિક્સ કરો અને ગેસને બંધ કરી દો. આ રીતે ચાસણી તૈયાર છે.

જલેબીને તળવા માટે એક કડાઈમાં મધ્યમ આંચ પર ઘી કે તેલ ગરમ કરો. તેમાં તમે ખીરું નાખો અને જલેબીની સાઇઝ બનાવતા જાવ. જલેબીને ચીપિયાથી પલટો જેથી તે એકસરખી ગોલ્ડન થાય. તે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

તેને તેલમાંથી કાઢો અને તરત જ ગરમ ચાસણીમાં નાખો. તેને લગભગ બે મિનિટ માટે ચાસણીમાં રાખો. તેને એક મિનિટ પછી પલટો. ચાસણીમાંથી જલેબી કાઢો અને એક પ્લેટમાં રાખો. જલેબી પીરસવા માટે તૈયાર છે.