હિન્દુ ધર્મમાં તહેવારોની સિઝન શરુ થઇ રહી છે. આ સમયમાં લોકો ઉપવાસ કરતા હોય અને ફરાળ કરે છે.
તમે ઉપવાસમાં મોરૈયા બટાકાની ફરાળી ખીચડી બનાવીને ખાઇ શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
મોરૈયો, ઝીણું સમારેલું બટાકુ, ઝીણું સમારેલું ટામેટું, મીઠા લીમડાના પાન, લીલા મરચા, ઘી, જીરુ, હિંગ, લાલ મરચું પાઉડર, શેકેલા શીંગદાણા, હળદર પાઉડર, ધાણાજીરું, મીઠું, દહીં, લીંબુનો રસ, પાણી, કોથમીર.
સૌપ્રથમ મોરૈયા ને ધોઈ લો અને 2 કલાક માટે પલાળીલો રાખો. બટાકા અને, લીલા મરચા અને ટામેટાને ઝીણા ટુકડામાં સમારી લેવા.
નોનસ્ટીક પેનમાં ઘી મૂકી તેમાં જીરું, લાલ મરચું, હિંગ અને હળદર નાખી પહેલા સીંગદાણાને એક બે મિનિટ માટે સાંતળી લેવા.
ત્યારબાદ તેમાં સમારેલા બટાકા, લીલા મરચાના ટુકડા અને મીઠા લીમડાના પાન નાખી બટેટાને બે થી ત્રણ મિનિટ માટે ઘી માં સાંતળવા દેવા.
આ પછી તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ અને ઝીણા સમારેલા ટામેટાં પણ નાખી દેવા. ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવા.
ત્યારબાદ તેમાં પાણી નાખી ઉકળવા દેવું. પાણી ઉકળી જાય એટલે પલાળેલો મોરૈયો નાખી ફરાળી ખીચડી ને ધીમા તાપે ચડવા દેવી. છેલ્લે તેમાં દહીં, લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દેવો.
આ પછી ગરમા ગરમ મોરૈયા બટેટાની ફરાળી ખીચડીને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવી. ઉપર કોથમીર ગાર્નિશ કરી સર્વ કરવી.