May 26, 2025
પંજાબી પનીર બટર મસાલા સૌથી લોકપ્રિય પનીરની વાનગીઓમાંથી એક છે.
હોટલ જેવુ એકદમ ટેસ્ટી પનીર બટર મસાલા તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
પનીર , ડુંગળી, આદું, લસણની કળી, ટામેટાં, કાજુ, તમાલ પત્ર, લીલા મરચાં, દૂધ (ફૂલ ફેટ), કસૂરી મેથી, ગરમ મસાલા પાઉડર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, તાજું ક્રીમ, બટર, તેલ, મીઠું.
ડુંગળી, આદું અને લસણને મિકસરમાં પીસીને ડુંગળીની પેસ્ટ બનાવી લો. કાજુની પેસ્ટ બનાવવા માટે તેને બે ચમચી પાણીની સાથે મિકસરમાં પીસી લો. ટામેટાંની પ્યુરી બનાવી લો.
એક કડાઇમાં મધ્યમ આંચ પર તેલ અને માખણ સાથે ગરમ કરો. તેમાં તમાલ પત્ર અને ડુંગળીની પેસ્ટ નાખીને તેને હલ્કી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
તેમાં કાપેલા લીલા મરચાં અને લાલ મરચું પાઉડર નાખીને સાંતળો. તેમાં કાજુની પેસ્ટ નાખો. તેને ચમચાથી સતત હલાવીને બે મિનિટ માટે સાંતળો.
તેમાં ટામેટાંની પ્યુરી નાખીને તેલ છૂટવા લાગે ત્યાં સુધી સાંતળો. આ પછી ધાણાજીરું અને ગરમ મસાલા પાઉડર નાખીને મિશ્રણને બરાબર મિક્સ કરો.
તેમાં દૂધ, પાણી અને મીઠું નાખો. ચમચાથી બરાબર હલાવીને તેને તેલ સપાટી પર આવે ત્યાં સુધી પકાવો. તેમાં પનીરના ટુકડા અને કસૂરી મેથી નાખીને ઘટ્ટ ગ્રેવી થાય ત્યાં સુધી પકાવો. તેમાં તાજું ક્રીમ નાખો અને બરાબર મિક્સ કરો અને ગેસ બંધ કરો.
એક સર્વિંગ બાઉલમાં પંજાબી પનીર બટર મસાલાનું શાક કાઢીને ક્રીમ અથવા બટરથી સજાવો. તમે તેને તંદૂરી રોટી, નાન, પનીર કુલ્ચા રોટલી અથવા ભાતની સાથે પીરસી શકો છો.