Jan 02, 2025
પોક વડા સુરતની પ્રખ્યાત શિયાળામાં બનતી વાનગી છે.
પોક વડા બનાવવામાં લીલા જુવારનો પોક, લીલું લસણ ડુંગળી મરચા અને કોથમીરનું ભરપૂર ઉપયોગ કરવામા આવે છે. આથી શિયાળામાં પોક વડા ખાવા ટેસ્ટ સાથે હેલ્થ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. અહીં પોક વડા બનાવવાની રેસીપી આપવામાં આવી છે.
જુવારનો લીલો પોક, ચણાનો લોટ, ચોખાનો લોટ, લીલી ડુંગળી, લીલું લસણ, લીલું કોથમીર, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા મરચા, લીલા મરચા આદુની પેસ્ટ, લીંબુનો રસ, મરી પાઉડર, હળદર, આખા ધાણા, ચપટી ખાંડ, ગરમ મસાલો, વરિયાળી, ખાવાનો સોડા, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે તેલ
સૌ પ્રથમ જુવારના લીલા પોકના 2 ભાગ કરી લો. 1 ભાગ મિક્સરમાં ક્રશ કરી લો. હવે એક મોટા બાઉસમાં ક્રશ કરેલા પોક, આખા પોક, ચણા અને ચોખાનો લોટ, ડુંગળી, લસણ આદુની પેસ્ટ સહિત બધો મસાલો, લીબુંનો રસ નાંખી બરાબર મિક્સ કરી લો.
હવે બાઉલમાં જરૂરી મુજબ પાણી નાંખી ઘટ્ટ ખીરું તૈયાર કરો. આ ખીરું 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ખીરામાં એક ચમચી તેલ અને ખાવાનો સોડા નાંખી બરાબર ફેટી લો.
ગેસ પર એક કડાઇમાં તેલ ગરમ કરો. હવે હાથ કે ચમચી વડે ઘટ્ટ ખીરાના નાના વડા તેલમાં નાંખો.
વડા બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. પોક વડા અંદરથી કાચા ન રહે તેની માટે મીડિયમ આંચ પર તળવા.
પોક વડા નાયલોન સેવ, ગ્રીન અને મીઠી ચટણી સાથે સર્વ કરો. શિયાળામાં પોક વડા બહુ સ્વાદિષ્ટ લાગે છે.