શિયાળો શરૂ થવાની તૈયારીમાં છે અને થોડી થોડી ઠંડી પડવાની શરુ થઈ ગઈ છે ત્યારે તીખું તમતમતું ખાવાનું મન ચોક્કસ થાય.
શિયાળામાં લીલું અને સુકું લસણ વધારે ખવાય છે. ત્યારે લસણની ચટણી પણ ખાસ ખવાય છે. રાજસ્થાની લસણની ચટણી ભોજનના સ્વાદને બમણો કરી દે છે.
અહીં આપણે અલગ સ્ટાઈલમાં રાજસ્થાની લસણની ચટણી બનાવાની રીત જાણીશું. તો ફટાફટ નોંધી લો રેસીપી
ફોલેલું સુકું લસણ, ધાણા જીરું પાઉડર, મીઠું, કાશ્મીરી લાલ મરચું પાઉડર, પાણી, તેલ, લીંબુનો રસ, હીંગ, આખું જીરું
સૌથી પહેલા એક ફેંદુ લસણ લઈને તેની કળીઓ ફોલી લો. અને ખલમાં નાંખીને સારી રીતે ખાંડી લો.
ત્યારબાદ ખાંડેલા લસણમાં ચમચી કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરું પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી ઉમેરી સારી રીતે મીક્સ કરો.
હવે એક પેનમાં ત્રણ-ચાર ચમચી તેલ લઈને ગરમ કરો, તેમાં ચપટી હિંગ અને અડધી ચમચી જીરું નાંખો અને ત્યારબાદ લસણનું મીશ્રણ નાંખો.
આ મિશ્રણને ધીમા તાપે રાંધો અને ત્યારબાદ અડધી ચમચી લિંબુનો રસ ઉમેરો અને કાપેલા લીલા ધાણાં ઉમેરી મીક્સ કરો.
મીશ્રણમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારે ગેસ બંધ કરો. આમ તૈયાર થઈ જશે તમારી રાજસ્થાની લસણની ચટણી.