સાબુદાણા કાર્બોહાઇડ્રેટ્સનો સારો સ્ત્રોત છે, જે શરીરમાં તાત્કાલિક ઊર્જા પૂરી પાડે છે. ઉપવાસ દરમિયાન જ્યારે શરીરમાં ઊર્જાની જરૂર હોય છે, ત્યારે સાબુદાણાની ખીર એક ઉત્તમ વિકલ્પ બની રહે છે.
સાબુદાણા ખીર પચવામાં પણ હલકી હોય છે, જેથી પેટ પર કોઈ ભારેપણું લાગતું નથી. આ ઉપરાંત, તેમાં દૂધ ઉમેરવામાં આવતું હોવાથી કેલ્શિયમ અને પ્રોટીન પણ મળે છે, જે હાડકાં અને સ્નાયુઓ માટે ફાયદાકારક છે.
1/2 કપ સાબુદાણા, 4 કપ દૂધ, 1/2 કપ ખાંડ, 1/4 ચમચી ઈલાયચી પાવડર, 10-12 બદામ અને પિસ્તાની કતરણ
સૌ પ્રથમ સાબુદાણાને પાણીમાં 5 કલાક પલાળી રાખો. એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળવા માંડે ત્યાં સુધી ગરમ કરો.
દૂધ ઉકળે એટલે પલાળેલા સાબુદાણામાંથી વધારાનું પાણી કાઢી લો તેને દૂધમાં ઉમેરો, આંચ ધીમી કરી મિશ્રણને સતત હલાવતા રહો જેથી તે તળિયે ચોંટી ન જાય.
જ્યાં સુધી સાબુદાણા પારદર્શક ન થાય અને ખીર ઘટ્ટ ન થાય ત્યાં સુધી કુક કરો જેમાં 20 મિનિટ લાગી શકે છે સાબુદાણા ચડી જાય એટલે તેમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરો.
ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવો. થઇ જાય એટલે ખીરને એક બાઉલમાં કાઢી, બદામ અને પિસ્તાની કતરણથી સજાવીને ગરમ અથવા ઠંડી સર્વ કરો.