Feb 25, 2025
સેવ ખમણી એક સ્વાદીષ્ટ નાસ્તો છે. ઘણા ઘરોમાં તે સવાર કે સાંજે નાસ્તા તરીકે ખવાય છે.
લારીની સેવ ખમણીનો સ્વાદ સારો આવે છે. અમે અહીં એવી રીત બતાવી રહ્યા છીએ જે તમે ઘરે પણ ટેસ્ટી બનાવી શકશો.
પલાળેલી ચણાની દાળ, મીઠું, હળદર, હીંગ, ઇનો, તેલ, પાણી, સાકર, રાઇ, આદુ, લીલા મરચા, મીઠા લીમડાના પાન, લીંબુનો રસ, ધાણા, દાડમના દાણા, ઝીણી સેવ, કાજુ.
પલાળેલી ચણા ની દાળને મિક્સરના જારમાં નાખી તેમાં પાણી ઉમેરી અધકચરું વાટી લો. આ પછી 1 કલાક ઢાંકીને રાખો. ત્યારબાદ વાટેલી દાળમાં મીઠું, હળદર, ઇનો અને હિંગ ઉમેરી બરાબર મિક્સ કરો.
એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. એમાં વાટેલી ચણાની દાળ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ધીમા તાપે થોડીવાર રાખો.
વચ્ચે ત્રણ થી ચાર વાર એક-એક ચમચી પાણી નાખો. દસ મિનિટ પછી ચેક કરો કે મિશ્રણની ગોળી વળે છે. આ પછી ગેસ બંધ કરો. પાંચ મિનિટ પછી મિશ્રણ થોડું ઠંડું થાય એટલે સાકર ઉમેરી મિક્સ કરો.
હવે વઘાર માંટે તેલ ગરમ કરો. ગરમ તેલ માં કાજુ તળી એક પ્લેટમાં કાઢી લો. હવે તેલમાં રાઈ નાખો અને તે તતડે એટલે હિંગ, લીમડો અને આદુ મરચા ઉમેરી લઇ લો. વઘારને ખમણ ના ભૂકામાં ઉમેરો. લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો.
ચટણી માટે એક મિક્સરના જારમાં આદુ, મરચા, કોથમીર, મીઠું, સાકર, લીંબુ નો રસ અને 2 મોટી ચમચી ખમણ નો ભૂકો નાખી, પાણી ઉમેરી ચટણી વાટી લો.
હવે એક સર્વિંગ પ્લેટ માં ખમણનો વઘારેલો ભૂકો લો. તેના ઉપર સેવ, દાડમ, કાજુ અને કોથમીર નાખી ચટણી સાથે સર્વ કરો.