ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ સમયમાં પાણી કે પ્રવાહી વધારે પીવાની સલાહ આપવામાં આવે છે.
ગરમીમાં તમે વરિયાળીનું શરબત પી શકો છો. વરિયાળીની તાસિર ઠંડી હોવાના કારણે ગરમીમાં તેનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે.
તમે વરિયાળીનું ટેસ્ટી શરબત ઘરે સરળતાથી બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
વરિયાળી, સંચળ, કાળા મરી પાઉડર, ખાંડ, શેકેલું જીરું, લીંબુ, મીઠું, પાણી.
સૌથી પહેલા વરિયાળી લેવી અને તેનો મિક્સરમાં એકદમ ભુક્કો કરી પાઉડર બનાવી નાખવો.
આ પછી એક તપેલીમાં પાણી લો. તેને ગેસ પર ગરમ કરવા મુકો. આ પછી તેમાં ખાંડ નાખો અને તેને સારી ઓગાળી ચાસણી બનાવી લો.
ખાંડ ઓગળી જાય ત્યારબાદ તેમાં લીંબુ, સંચળ પાઉડર તેમજ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી તેમાં વરિયાળીનો પાઉડર ઉમેરો.
હવે તેમાં શેકેલા જીરુનો પાઉડર અને મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ શરબતને ઠંડું થવા દો અને પછી ગરણીથી ગાળી લો.
શરબત ઠંડું થાય ત્યારબાદ તેને બરફના ટુકડા ઉમેરી સર્વ કરો.