Jan 08, 2025
ઉત્તરાયણ ખીચડો ખાવાની પરંપરા છે. ચોખા, વિવિધ કઠોળ દાળ અને શાકભાજી માંથી બનતો ખીચડો પોષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. તેમા લસણ, ડુંગળી સહિત અન્ય આખા મસાલા પણ હોય છે જે શિયાળામાં શરીરને ગરમ રાખે છે. અહીં ઉત્તરાયણ પર રજવાડી ખીચડો બનાવવાની રેસીપી આપવામાં આવી છે.
ચોખા, તુવેર દાળ, અડદ દાળ, ચણાની દાળ, મગ દાળ, સીંગદાણા, તમારા મનગમતા શાકભાજી જેમ કે, બટેકા, ફ્લાવર, વટાણા, રીંગણ, ટામેટા, લીલી તુવેરના દાણા, ગાજર, બીટ, શક્કિરયા, લીલું લણસ, ડુંગળી, લીલા મરચા, કોથમીર, આદું, તમાલપત્ર, તેલ, સ્વાદ અનુસાર મીઠું, હિંગ, હળદર, લવિંગ, કાળા મરી અને લીબુંનો રસ
રજવાડી ખીચડો બનાવવા માટે સૌથી પહેલા ચોખા અને બધી દાળ 1 થી 2 કલાક પાણીમાં પલાળી રાખો. તમારા મનગમતા શાકભાજી પાણીમાં ધોઇ ઝીણા સમારી લો.
હવે એક કુકર કે મોટું તપેલું લો. તેમા પાણી નાંખી ચોખા, દાળ અને ઝીણા સમારેલા શાકભાજી પકવવા દો.
ખીચડામાં નાંખેલા બધા શાકભાજી બરાબર બફાય જાય તેની માટે થોડુંક વધારે પાણી ઉમેરવું.
જો કુકરમાં ખીચડો બનાવી રહ્યા છો તો 5 થી 7 સીટી વાગે ત્યાં સુધી પકવવો. જો ટપેલામાં ખીચડો બનાવી રહ્યા છો તો ધીમા તાપે 15 થી 20 મિનિટ સમય લાગશે. ખીચડો બફાઇ ગયા બાદ ગેસ બંધ કરી લો. ખીચડો થોડોક ઢીલો રાખવો.
હવે ખીચડામાં ઉપરથી તડકો લગાવવા માટે એક કડાઇમાં તેલ ગરમ કરો. તેમા હિંગ, તમાલ પત્ર, લવિંગ, કાળા મરી અને લસણનો વઘાર કરો. હવે આદું, ડુંગળી, લીલા મરચા અને કોથમીરની પેસ્ટ નાંખી બરાબર સાંતળી લો.
ખીચડામાં આ મસાલાનો તડકો લગાવો. તમે ઇચ્છો તો તમારા કાજુ બદામ જેવા ડ્રાયફુટ્સ પર ઉપરથી ઉમેરી શકો છો.
ઉત્તરાયણ સ્પેશિયલ રજવાડી ખીચડામાં છેલ્લે લીબુંનો રસ અને લીલા કોથમીર ઉમેરો. બાઉલમાં ગરમાગરમ ખીચડો સર્વ કરો.
ઉત્તરાયણ પર બનાવવામાં આવતો આ ખીચડો પોષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.