Nov 15, 2025
શિયાળો શરુ થાય ત્યારે મોટાભાગના ઘરો રિંગણનો ઓળો કે ભરથું તો બનતો જ હોય છે. વાડીએ ઓળા રોટલાની પાર્ટીઓ પણ થતી હોય છે.
જો તમે રિંગણનો ઓળો ખાઈને કંટાળી ગયા છો તો તમે એકદમ અલગ બંગાળી સ્પેશિયલ ફૂલાવરનો ઓળો બનાવી શકો છો.
ફૂલાવરનો ઓળો એકદમ ઓછી સામગ્રીમાં બની જશે અને સ્વાદમાં પણ જોરદાર લાગશે. તો ફટાફટ એકદમ સાદી રેસીપી નોંધી લો
ફૂલાવર, લાલ સુકા મરચાં, સરસવનું તેલ, ટામેટા, લીલા ધાણો, મીઠું, હળદર, લસણની કળિયો, ડુંગળી
એક તપેલીમાં પાણી લઈને ગરમ કરો, તેમાં એક ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાંખી ધોયેલું આખું ફૂલાવર મુકીને બાફી લો. પછી એક તાસમાં કાઢીને ઠંડુ થવા દો.
હવે એક પેનમાં સરસવનું તેલ લો અને તેમાં લસણની કળિયો બ્રાઉન થાય ત્યાં સુધી શેકો, બહાર કાઢીને આ તેલમાં લાલ સુકા મરચાં પણ શેકી લો. બહાર કાઢી લો.
હવે આ તેલમાં બે ભાગમાં ટામેટા મુકીને ઢાંકીને પોચા થાય ત્યાં સુધી રાંધો. હવે ટામેટાને પણ તાસમાં કાઢી લો. હવે આ તેલમાં કાપેલી ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
હવે તાસમાં બાફેલું ફુલાવર, ટામેટાં, લસણની કળિયો, લાલ સુકા મરચાં, ડુંગળી ભેગા કરીને હાથ વડે સારી રીતે મસળી લો.
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, કાપેલા લીલા ધાણા થોડું સરસવનું તેલ ઉમેરીને સારી રીતે મીક્સ કરી લો. આમ તૈયાર થઈ જશે તમારો ફુલાવરનો ઓળો.