Oct 30, 2025
શિયાળાની ધીમે-ધીમે શરૂઆત થઇ ગઇ છે. તુવેર ટોઠા શિયાળાની એક લોકપ્રિય વાનગી છે. તે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વધારે પ્રખ્યાત છે.
તુવેર ટોઠાને રોટલા કે પાઉ સાથે ખાવાની એક અલગ મજા છે. તેના પ્રોગ્રામ પણ ઘણા થાય છે. તેની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.
તુવેર દાણા ,ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, લીલું લસણ, સૂકું લસણ, લીલા મરચા ઝીણા સુધારેલા, કોથમીર ઝીણી સમારેલી, આદુ લસણની પેસ્ટ, રાઈ, જીરું, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, હિંગ, તેલ, પાણી, મીઠું.
સૌ પ્રથમ તુવેર દાણાને સાફ કરી પાણીથી 2-3 વખત ધોઈ લો ત્યાર બાદ 2 ગ્લાસ પાણી નાખી 6-7 કલાક પલાળી રાખો. 7-8 કલાક પછી પાણી નિતારી એક પાણીથી ધોઈ નાખો.
હવે તુવેર દાણાને કુકરમાં નાખોને સાથે સ્વાદ મુજબ મીઠું અને ચમચી હળદર નાખી બે કપ પાણી નાખી ધીમા તાપે બે સીટી સુધી બાફી નાખો. ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું નાખી તતડાવી લો. ત્યારબાદ તેમાં હિંગ અને સમારેલી ડુંગળી નાખી મિક્સ કરો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લીલું લસણ, લસણ નાખો. સાથે આદુની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લો હવે એમાં લીલા મરચા, ટામેટા નાખી મિક્સ કરી લો. ત્યારબાદ જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકીને 3-4 મિનિટ થવા દો. ટામેટા કુક થાય એટલે એમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લો
ત્યારબાદ એમાં બાફેલા ટોઠા નાખી બરોબર મિક્સ કરી લો અને 2 મિનિટ ઢાંકીને ધીમી આંચ પર થવા દો. 2 મિનિટ પછી એમાં ગરમ મસાલો અને એક કપ પાણી નાખીને મિક્સ કરી ફરી ઢાંકીને 2 મિનિટ ચડવા દો.
ત્યારબાદ એમાં લીલા ધાણા અને લીંબુનો રસ નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરી લો. આ રીતે તુવેર ટોઠા તૈયાર થઇ જશે. તમે બ્રેડ કે બાજરાના રોટલા સાથે ગરમ ગરમ ખાઇ શકો છો.