કઢી ગુજરાતીનું પ્રિય વ્યંજન છે. કઢી મોટાભાગના ઘરોમાં સાંજે બનતી હશે.
આજે અમે તમને દહીં અને છાશ વગર કઢી બનાવવાની સરળ રેસીપી જણાવી રહ્યા છીએ.
3 કપ ચણાનો લોટ, 2 કપ પાણી, 1/2 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણાજીરું પાવડર, મીઠું, 3 નાની ચમચી તેલ, મેથીના દાણા, 1/2 નાની ચમચી રાઈ, જીરું, સૂકા લાલ મરચાં, હીંગ, 1 ચમચી કેરીનું અથાણું, મીઠો લીમડો, આદુ-લસણની પેસ્ટ
કઢી બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો અને તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું પાવડર અને મીઠું નાખો. હવે તેને બરાબર ચાળી લો.
તેને એવી રીતે ચાળી લો કે તેમાં કોઈ પણ પ્રકારના ગઠ્ઠા ન હોય. હવે તેમાં બે કપ પાણી ઉમેરીને પાતળું કરી લો.
હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં મેથીના દાણા, રાઇ, જીરૂ અને હીંગ નાખો. થોડા સમય પછી જ્યારે તે તતડવા માંડે, ત્યારે તેમાં સૂકા લાલ મરચાં, મીઠો લીમડો અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો.
હવે તેમાં કેરીનું અથાણું અને તેનો મસાલો ઉમેરો. આ બધું કઢાઇમાં નાખ્યા પછી ચણાના લોટનું ખીરું ઉમેરો. હવે તેને ધીમા તાપે રાંધો.
તમે તમારા સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી શકો છો. તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો, જેથી કઢી બળે નહીં.
થોડા સમય બાદ કઢી ઘટ્ટ થઇ જશે અને તેમાં સારી સુગંધ આવવા લાગશે, ત્યારબાદ તમે ગેસ બંધ કરી દો. આ રીતે છાશ વગર તમે કઢી તૈયાર કરી શકો છો.