કેરળના મુન્નરને દક્ષિણ ભારતનું કાશ્મિર કહેવામાં આવે છે. કેરળમાં સુંદર દરિયો, ઉંચા પર્વત, નદી - ધોધ અને ભરપૂર કુદરતી સોંદર્ય ધરાવે છે, જેને જોવા દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવે છે. મુન્નરને ભગવાનનું ધામ પણ કહેવાય છે. અહીં આવનાર લોકોને અદભૂત આનંદ અને શાંતિની અનુભૂતિ થાય છે.
મુન્નર મુથિરાપુઝા, નલ્લથન્ની અને કુંડલા - ત્રણ પર્વતોની હારમાળાનું સંગમ સ્થળ છે. આ હિલ સ્ટેશન દક્ષિણ ભારતમાં ભૂતકાળમાં બ્રિટિશ સરકારનું એક સમયનું સમર રીસોર્ટ હતું. અહીં 12 વર્ષે એક વખત ખીલતા નીલકુરિંજી ફુલ જોવા એર અદભૂત લાહવો છે, આ ફુલ વર્ષ 2030માં ખીલશે.
આનમુડી શિખર દક્ષિણ ભારતનું સૌથી ઉંચું શિખર છે, જેની ઉંચાઇ 2700 મીટર કરતા વધુ છે. અહીં ટ્રેકિંગ કરવા માટે સ્થાનિક વહીવટી વિભાગ પાસેથી મંજૂરી લેવી પડે છે.
ઇરવિકુલમ નેશનલ પાર્ક ભાગ્યે જ જોવા મળતા પતંગિયા, પ્રાણીઓ અને પક્ષીઓની ઘણી પ્રજાતિઓનું ઘર પણ છે. આ સ્થળ ટ્રેકિંગ કરવા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે.
માટ્ટુપેટ્ટી સમુદ્રની સપાટીથી 1700 મીટર ઉંચું આવેલું છે, તે પથ્થરના ડેમના સંગ્રહ અને સુંદર તળાવ માટે જાણીતું છે. અહીં પ્રવાસઓ તળાવમાં બોટિંગની મજા માણે છે.
પલ્લિવાસલ કેરળમાં સૌ પ્રથમ હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું સ્થળ છે. પલ્લિવાસલમાં અત્યંત સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળે છે. પ્રવાસીઓમાં આ સ્થળ પિકનિક ડેસ્ટિનેશન તરીકે જાણીતું છે.
મુન્નાર નજીક ચિન્નકનાલમાં પ્રખ્યાત વોટરફોલ છે, જેને પાવર હાઉસ વોટરફોલ કહેવામાં આવે છે. અહીં પાણી સમુદ્રની સપાટીથી 2000 મીટરની ઉંચાઇથી જળધોધ રૂપે નીચે પથ્થર પર પડે છે. વિશાળ તળાવમાં બોટિંગથી પ્રવાસનો આનંદ બેવડાઇ જશે.
ટોપ સ્ટેશનમાં કુદરતી સૌદર્ય માણવા લાયક છે. આ સ્થળ નીલાકુરિંજીના ફૂલો ખીલવાને કારણે પર્વત પર નીલી ચાદર પાથરી હોય તેવા દ્રશ્ય માણવા માટેનું એક ઉત્તમ સ્થળ છે.
અહીં ચાના વાવેતરની શરૂઆત અને વિકાસનો સમૃદ્ધ વારસો ધરાવે છે. ટી મ્યુઝિયમમાં ચાના વાવેતરની શરૂઆત, વિકાસ - જાળવણીની રસપ્રદ માહિતી જોવા મળશે.
કેરળના મુન્નાર પહોચવા માટે સૌથી નજીકના રેલ્વે સ્ટેશન અલુવા 108 કિમી અને અને અંગામાલી 109 કિમી આવેલા છે. સૌથી નજીકનું એરપોર્ટ કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અલુવા-મુન્નાર રોડ મારફતે તે 108 કિમી અંતર કાપી મુન્નાર પહોંચી શકો છો.