ગુજરાતનું પાટનગર ગાંધીનગર હરિયાળું શહેર છે. ઘાટાદાર લીલાછમ વૃક્ષો, સ્વચ્છ અને સાફ રસ્તા ગાંધીનગરની શાન વધારે છે. ઉનાળામાં પણ ગાંધીનગરમાં તાપમાન અન્ય શહેરોની તુલનામાં નીચું હોય છે.
ગાંધીનગરમાં નાના બાળકોથી લઇ મોટા વ્યક્તિ માટ ફરવા લાયક ઘણા સ્થળો છે. આ સ્થળો વન ડે પિકનિક માટે આદર્શ સ્થળ છે.
અક્ષરધામ મંદિર ગાંધીનગરનું સૌથી પ્રખ્યાત જોવાલાયક સ્થળ છે. સ્વામીનારાયણ ભગવાને સમર્પિત અક્ષરધામ મંદિરનું નિર્માણ વર્ષ 1992માં થયું હતું. આ મંદિરમાં ધાર્મિક પ્રદર્શની, સુંદર બગીચા, કિડ્સ એક્ટિવિટીની મજા માણી શકાય છે.
ગાંધીનગરનું ઈન્દ્રોડા પાર્ક ડાયનાસોરના અશ્મિભૂત અવશેષો અને પેટ્રીફાઈડ ઈંડાં માટે પ્રખ્યાત છે. ઈન્દ્રોડા પાર્કમાં પ્રાણી સંગ્રહાલય, સમુદ્રી જીવોના હાડપિંજરો, બોટનિકલ ગાર્ડન, એમ્ફીથિયેટર, અર્થઘટન કેન્દ્ર અને કેમ્પિંગની મજા માણવા મળે છે.
ત્રિમંદર ગાંધીનગરમાં અડાલજ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ત્રિમંદિરમાં શ્રી સિમંધર સ્વામીની 13 ફુટ ઊંચી મૂર્તિ છે જે 18 ટોનનું વજન ધરાવે છે. રાતે ત્રિમંદિરનો નજારો જોવાલાયક હોય છે. આ મંદિરમાં ઘણા ભગવાનની મૂર્તિઓના દર્શન થાય છે.
ગાંધીનગરનું સરિતા ઉદ્યાન સાબરમતી નદી કિનારે આવેલું એક લોકપ્રિય પિકનિક સ્થળ છે. વન ડે પિકનિક માટે એક આદર્શ સ્થળ છે. મુલાકાતીઓના મનોરંજન માટે અહીં ઘણી મનોરંજક સુવિધાઓ ઉપલબ્ધ છે.
દાંડી કૂટિર ભારતનું સૌથી મોટું અને મહાત્મા ગાંધીજી ના જીવન અને ઉપદેશો પર બનેલું એકમાત્ર સંગ્રહાલય છે. અહીં ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજીથી સુસજ્જ એક સંગ્રહાલય છે, જેમા ઓડિયો, વીડિયો અને 3 ડી વિઝ્યુઅલ, 360 ડિગ્રી શો અને ડિસ્પ્લે દ્વારા ગાંધીનું જીવનચરિત્ર અને ઉપદેશ રજૂ કરવામાં આવે છે.
ગાંધીનગરમાં આવેલી અડાલજ વાવ વર્લ્ડ હેરિટેજ ઇમારતોમાં સામેલ છે. અડાલજ ગામમાં વીરસંઘ વાધેલાના પત્ની રૂડીબાઇ એ વર્ષ 1499માં 5 લાખ રૂપિયાના ખર્ચે પતિની યાદમાં અડાલજ વાવનું નિર્માણ કરાવ્યું હતું. અડાલજની વાવ સુંદર કોતરણી અને સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે.
ગાંધીનગરમાં ઘ 4 બગીચો સુંદર બગીચો છે. અહીં બાળકોના મનોરંજન માટે ઘણા સાધનો મૂકવામાં આવ્યા છે.