જૂનાગઢ ધાર્મિક તીર્થધામ સાથે ઐતિહાસિક શહેર પણ છે. જૂનાગઢમાં ગીરનાર પર્વત ઉપરાંત ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે. ગુજરાતના નવાબોના શહેર જૂનાગઢ સિંહ અને કેસર કેરી માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે.
ગીરનાર પર્વત ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે. ગીરનાર પર્વત પર ચઢવા માટે 10000 પગથિયા છે. ગુરુ શિખર ગીરનારનું સૌથી ઉંચુ શિખર છે. ગીરનાર પર્વત પર હજારોની સંખ્યામાં મંદિર અને દેરાસર આવેલા છે.
ગીરનાર પર્વતની સામે ઉપરકોટ કિલ્લો છે. આ પ્રાચીન કિલ્લાનું નિર્માણ મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વારા ઇ.સ. 319માં કરવામાં આવ્યું હોવાનું મનાય છે. સમયાંતરે રાજ શાસન બદલાયું અને કિલ્લામાં નવા નિર્માણ સાથે ફેરફાર થયા હતા.
જૂનાગઢના ગીર નેશનલ પાર્કમાં એશિયાટિક સિંહ જોવા લાખો પ્રવાસીઓ આવે છે. ફોરેસ્ટ વિભાગની પરમિટ લઇ ગીર જંગલમાં સિંહ દર્શન કરી શકાય છે. સિંહ ઉપરાંત ચિતલ, સાંભર, નીલગાય, કારિયાર, ચિંકારા, મગર જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે.
અડી કડી વાવ જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની અંદર 15મી સદીમાં બાંધવામાં આવી હતી. વાવમાં અંદર ઉતરવા માટે 120 પગથિયાં છે. આ વાવ સાથે અડી અને કડી નામની બે છોકરીઓની વાર્તા પ્રસિદ્ધ છે.
જૂનાગઢ ઉપરકોટ કિલ્લાની અંદર જ બૌદ્ધ ગુફા આવેલી છે. ખડકોને કોતરીને બનાવેલી આ ગુફા બૌદ્ધ સાધુઓનું નિવાસ સ્થાન હતું.
જૂનાગઢમાં ગીરનાર પર્તવની તળેટીમાં દામોદૂર કુંડ છે. આ કુંડ નજીક ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત મંદિર છે. અહીં મહાપ્રભુજીની બેઠક પણ છે. દામોદર કુંડમાં અસ્થિ વિસર્જન પણ કરવામાં આવે છે.
જૂનાગઢનો મકબરો સુંદર સ્થાપિત્ય શૈલીના કારણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ મકબરો જૂનાગઢના નવાબ મહાબત ખાન દ્વિતીયનું સ્મારક છે. મકબરાની બહારના મિનારાઓમાં ટાવરની ટોચ પર જવા માટે સર્પાકાર પગથિયાં છે.
અશોક શિલાલેખ જૂનાગઢમાં ઘણા ઐતિહાસિક સ્થળો છે, જેમા સમ્રાટ અશોકનો સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ શિલાલેખ સમ્રાટ અશોક દ્વારા ઇ.સ. 250માં પાલી અને બ્રહ્મી લીપીમાં કોતરવામાં આવ્યો હતો.
જૂનાગઢનો મોતી બાગ 2485 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો સુંદર બગીચો છે. તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને બોટનિકલ ગાર્ડનનું કેમ્પસ પણ છે.
જૂનાગઢ હેરિટેજ વોક કરી પ્રવાસીઓ જૂનાગઢના ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળોને નજીકથી જોવા અને જાણી શકે છે. જેમાં ઉપરકોટ પ્રવેશ માર્ગ, લશ્કરી વાવ, રામ મંદિર,પીરઝાદા હાઉસ, લીમડા ચોક, જગમલ ચોક અને જૈન મંદિર, દીવાન ચોક, માંડવી ચોકમાંથી પ્રસાર થઇ હેટિરેજ વોક કરવામાં આવે છે.
યોગાશ્રમ પ્રકૃતિ ઉપચાર કેન્દ્ર જૂનાગઢ શહેરથી 20 કિલોમીટર દૂર આવેલું છે. ગિરનાર પર્વતની તળેટીમાં વાકોલ નદીના કિનારે, લીલાછમ મેદાનોથી ઘેરાયેલું, શાંતિપૂર્ણ આહલાદક અને શુદ્ધ પ્રકૃતિનું વાતાવરણ આ કેન્દ્રની વિશેષતા છે.