Jun 02, 2025
ચોમાસાના વરસાદમાં લોંગ ડ્રાઇવ કે હિલ સ્ટેશન પર ફરવા જવાની ઘણા લોકોને ઇચ્છા હોય છે. ગુજરાતમાં અને આસપાસ ચોમાસામાં ફરવા માટે ઘણા સારા સ્થળો છે, જ્યાં તમે કુદરતી નજારો માણી શકાય છે.
માંડુ ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશમાં આવેલું પ્રખ્યાત ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર પ્રવાસ સ્થળ છે. ચોમાસાના વરસાદમાં માડું સોળે કાળે ખીલી ઉઠે છે.
માંડુને માંડવગઢ પણ કહેવાય છે, જે વિંધ્યાચલ પર્વતમાળામાં વસેલું ઐતિહાસિક સ્થળ છે. 11મી સદીમાં માંડુ તારાગંગા કે તરંગા રાજનો એક ભાગ હતો. પરમાર રાજના કાળમા માંડુ પ્રસિદ્ધ થયું અને 13મી સદીમાં મુસ્લિમ આધિપત્ય હેઠળ આવી ગયું.
માંડુ સાથે મુસ્લિમ શાસક બાજ બહાદુર ખાન અને રાણી રૂપમતીની પ્રેમ કહાણી પ્રસિદ્ધ છે. બાદશાહે હિંદુ રાણી રૂપમતી માટે માંડુના સૌથી ઊંચા પહાડ પર મહેલનું નિર્માણ કરાવ્યું હતું.
માંડુમાં ઘણા ઐતિહાસિક જોવાલાયક સ્થળો છે, જેમા રાણી રૂપમતી મહેલ, હિંડોળા મહેલ, જહાજ મહેલ, જામા મસ્જિદ, હાથી મહલ, રેવા કુંડ, હોંશગ શાહનો મકબજો મુખ્ય છે.
માંડુ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે. માંડુ અમદાવાદથી 366 અને બરોડાથી 315 કિમી દૂર છે. ઈન્દોરથી 86 કિમી અને ધાર શહેરથી 35 કિમી દૂર છે. પ્રાઇવેટ બસ અને પર્સનલ કાર લઇ સરળતાથી માંડુ પહોંચી શકાય છે.
માંડુ એટલે કે માંડવ ગઢ બારેય મહિના ફરવા લાયક સ્થળ છે. જો કે ચોમાસાના વરસાદ બાદ માંડુના પર્વત લીલી ચાદર ઓઢી હોય તેવો આભાસ થાય છે. ઝરમર વરસાદ, ખળ ખળ વહેતા ઝરણા, વાદળ અને ધુમ્મસ પ્રવાસીઓને માંડુ ખેંચી લાવે છે.