ચોમાસામાં ઉત્તર ગુજરાતનું આ સ્થળ બની જાય છે મીની સાપુતારા

Jun 06, 2025, 01:55 PM

ગુજરાત પ્રવાસ

ચોમાસામાં ફરવા માટે ગુજરાતમાં ઘણા સ્થળો છે, જ્યાં ઝરમર વરસાદ, નદી, ઝરણાં, વાદળ, ધુમ્મસ, પર્વતનો કુદરતી નજારો માણી શકાય છે.

પોળોના જંગલ

પોળોના જંગલ ગુજરાતનું પ્રખ્યાત નેચર ટુરિસ્ટ પ્લેસ છે. પોળોનું જંગલ સાંબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરીમાળામાં હરણાવ નદીના કિનારે આવેલું છે. ચોમાસાના વરસાદમાં આ સ્થળે મીની સાપુતારા જેવો અનુભવ થાય છે.

અભાપુરનુ શક્તિમંદીર

આ શિવશક્તિ મંદિર તેની પ્રતિમાઓ અને સુંદર કોતરણી ધરાવતું અવશેષરૂપ મંદિર છે. દરવાજાની દિવાલ પર એક શિલાલેખ કોતરેલો છે આ મંદિર સૂર્યમંદિર હોવાનું મનાય છે, જો કે અન્ય સૂર્ય મંદિરોથી વિરુદ્ધ આ મંદિર પશ્ચિમાભિમુખ છે. મંદિરમાં સૂર્ય ભગવાન, સૂર્યાણી દેવી, ઇંદ્ર- ઇંદ્રાણી, શિવ-પાર્વતી, બ્રહ્મા-બ્રહ્માણી ના શિલ્પો જોવા મળે છે. મધ્યમાં દર્પણકન્યા અને અપ્સરાનાં શિલ્પો આકર્ષણ જમાવે છે.

કલાત્મક છત્રીઓ

પોળોના જંગલમાં પથ્થરમાંથી કંડારાયેલી કલાત્મક છત્રીઓ જોવાલાયક છે. તેનો ગુંબજ ગોળાકાર ઘુમ્મટ ધરાવે છે. મોટાભાગની છત્રીઓ જોડી સ્વરૂપે જોવા મળે છે. આ છત્રીઓનું બાંધકામ 15મી સદીના સમયનું હોવાનુ મનાય છે.

રક્ત ચામુંડા

શરણેશ્વર મંદિર પરિસરની ડાબી બાજુએ રક્ત ચામુંડાની ચાર હાથવાળી મૂર્તિ છે. મૂર્તિના ઉપરના હાથમાં વજ્ર અને નીચલા ડાબા હાથમાં ખડગ ધારણ કરેલ છે. ઉપરના ડાબા હાથમાં રક્તપાત્ર પકડેલું છે. જેથી આ મૂર્તિ રક્ત ચામુંડા તરીકે ઓળખાય છે.

હરણાવ નદી ડેમ

પોળોના જંગલની અંદર હરણાવ નદી પર એક ડેમ બનેલો છે. અહીંથી હરણાવ નદી, લીલાછમ અરવલ્લીના પર્વતોનો કુદરતી નજારો માણવા મળે છે.

પ્રકૃતિ પ્રેમી માટે સ્વર્ગ સમાન

પોળોના જંગલ પ્રકૃતિ પ્રેમી માટે સ્વર્ગ સમાન છે. અહીં વિવિધ પ્રકારના ઝાડ વૃક્ષો અને છોડ, નદી, વિવિધ પક્ષીઓ, નીલગામ, વાનર સહિત અમુક પ્રાણીઓ જોવા મળે છે.

પોળો રિસોર્ટ હોટેલ

પોળોના જંગલમાં રાત્રી રોકાણ માટે રિસોર્ટ હોટલ પણ બનાવવામાં આવી છે. પ્રવાસીઓ અહીં રાત રોકાણ શકે છે. વન ડે પિકનિક કે વન નાઇટ સ્ટે માટે આ સ્થળ ઉત્તમ છે.

ટ્રેકિંગ, કેમ્પિંગની મજા

પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ પહાડ પર ટ્રેકિંગ અને કેમ્પિંગની મજા માણે છે.

પોળોનું જંગલ કેવી રીતે પહોંચવું?

પોળોનું જંગલ અમદાવાદથી 150 કિમી અને હિંમતનગરથી 70 કિમી દૂર અને ઇડરથી 35 કિમી દૂર આવેલું છે. ખાનગી વાહન લઇ પોળોના જંગલ સરળતાથી પહોંચી શકાય છે.