રાજસ્થાનનું ઉદયપુર લેક સિટી તરીકે પ્રખ્યાત છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ ઉદયપુર ફરવા આવે છે. જો કે બહુ ઓછા લોકોને ઉદયપુરથી માત્ર 20 કિમી દૂર આવેલા મિનિ કુર્ગ જેવા સ્થળ વિશે જાણકારી છે. અહીં ચોમાસાની સીઝનમાં દક્ષિણ ભારતના કુર્ગ જેવો નજારો જોવા મળે છે.
ઉદયપુરના ગિરવા તાલુકામાં કેલી ગામ આવેલું છે, જે લેક સિટીથી 20 કિમી જેટલું દૂર છે. અરવલ્લીની પર્વતમાળામાં વસેલું કેલી ગામનો આસપાસનો કુદરતી નજારો ચોમાસામાં ખીલી ઉઠે છે.
કેલી ગામનું શાંત અને કુદરતી વાતાવરણ મુલાકાતીઓને તાજગીનો અનુભવ કરાવે છે. જો તમે પ્રકૃતિ પ્રેમી સાથે ઇતિહાસ પ્રેમી છો તો ઉદયપુર નજીક આવેલા કેલી ગામની મુલાકાત લેવી જ જોઇએ.
આજની મોર્ડન લાઇફથી દૂર કેલી ગામમાં હજી પણ લોકો કુદરતી વાતાવારણમાં પરંપરાગત સાદગીપૂર્ણ જીવન જીવે છે.
કેલી ગામ જવાનો રસ્તો અરવલ્લીની પર્વતમાળામાંથી પસાર થાય છે. આ દરમિયાન એક બાજુ ઉંચા પહાડ અને બીજી બાજુ ઉંડી ખીણ જોવા મળે છે, જે મુલાકાતીઓને રોમાંચક અનુભવ કરાવે છે.
અહીં સાહસીક મુલાકાતઓ ટ્રેકિંગ અને કેમ્પિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીની મજા પણ માણે છે.
ચોમાસાના વરસાદ બાદ કેલી ગામ જવાના રસ્તા અને પહાડો પર હરિયાળી છવાઇ જાય છે. વાદળ સાથે વાતો કરતા ઉંચા પહાડ, લીલાછમ જંગલ, પર્વતોના ઢોળાવ પર હરિયાળી, ઝરમર વરસાદ અને માટીની મીઠી સુગંધ જોઇ પ્રવાસીઓને કુર્ગ યાદ આવે છે.
ઉદયપુર નજીક આવેલા કેલી ગામ ફરવા જવાનો ઉત્તમ સમય જુલાઇ થી સપ્ટેમ્બર છે. આ સમયગાળા દરમિયાન ચોમાસાના વરસાદ બાદ હરિયાળી જોવાલાયક હોય છે.
ઉદયપુરનું કેલી ગામ પંરપરાગત ખેતી માટે પ્રખ્યાત છે. અહીં સ્થાનિક લોકો જાતે જ બિયારણ સાચવી જૈવિક ખેતી કરે છે. જૈવિક ખેતીથી પર્યાવરણને કોઇ નુકસાન નથી થતું અને શુદ્ધ અનાજ મળી રહે છે.