પાટણમાં આવેલી વિશ્વપ્રસિદ્ધ રાણકી વાવ અથવા રાણી કી વાવ આર્ટ અને આર્કિટેક્ચરનું ઉત્તમ ઉદાહરણ છે. આ એક ઐતિહાસિક વાવ છે. દેશ-વિદેશના હજારો પર્યટકો વાવની મુલાકાત લે છે. આ વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી.
પાટણમાં રાણકી વાવ સિવાય સહસ્ત્રલિંગ તળાવ પણ ઘણું ઐતહાસિક અને ફેમસ છે. સહસ્ત્રલિંગ તળાવ એટલે સો શિવલિંગનું તળાવ. રાજા દુર્લભરાયે બંધાવેલું આ તળાવ મૂળે દુર્લભ સરોવર તરીકે જાણીતું હતું. સહસ્ત્રલિંગ તળાવ ટેક્નોલોજી, સૌંદર્ય અને આધ્યાત્મિકતાના સંદર્ભમાં ચડિયાતું છે.
પાટણ જિલ્લાના શંખેશ્વરમાં પ્રખ્યાત જૈન મંદિર આવેલું છે. જૈન ધર્મના અનુયાયીઓ માટે ભગવાન પાર્શ્વનાથનું મંદિર અગત્યનું યાત્રાધામ છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીં દર્શન માટે આવે છે.
ભારતીય ઘુડખર સેંચુરી ને ઘુડખર વન્ય પ્રાણી સેંચુરી પણ કેહવામાં આવે છે, જે કચ્છના નાના રણમાં આવેલ છે. આ રણ ૪૯૫૪ ચોરસ કિલોમીટરમાં ફેલાયલુ છે, જે ભારતની સૌથી મોટી વન્ય પ્રાણી સેંચુરી છે. આ સેંચુરી પાટણ જીલ્લાના સમી તાલુકના કોડધા ગામની બાજુમાં આવેલી છે. અમદાવાદથી આશરે 150 કિમી દૂર છે.
બિંદુ સરોવર સિદ્ધપુરમાં આવેલું છે. બિંદુ સરોવર ભારતના પાંચ મુખ્ય પ્રાચીન પવિત્ર તળાવોમાંથી એક છે. હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે માતૃપક્ષની અંત્યેષ્ઠિ કરવા માટે સિદ્ધપુર શ્રેષ્ઠ છે. શ્રાવણમાં અહીં પૂજા અર્ચના કરવાનું ખૂબ મહત્ત્વ છે.
પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા વરાણામાં ખોડિયાર માતાજીનું મંદિર પ્રખ્યાત છે. માતાજીનું પવિત્ર મંદિર 100 જુના ઝળહળતા ઇતિહાસને પ્રદર્શિત કરે છે. મહા મહિનામાં વરાણામાં 15 દિવસ મેળો ભરાય છે. મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી પડે છે.
રાજા સિદ્ધરાજે 12મી સદીમાં ભગવાન શિવનું ભવ્ય મંદિર બનાવ્યું જે રુદ્ર મહાલય નામથી પ્રસિદ્ધ છે. મંદિરની આસપાસ રુદ્રની 11 સમાધિઓ છે.આ મંદિર તેના સ્થાપત્ય માટે જાણીતું છે જેમાં ત્રણ મંજિલા શિખર, 1600 સ્તંભ, 12 પ્રવેશદ્વાર, મધ્ય મંડપ, પૂર્વ, ઉત્તર અને દક્ષિણમાં બનેલા દ્વારમંડપ અને પશ્ચિમમાં ખાનગી ઓરડો સામેલ છે. પૂર્વ પ્રવેશ દ્વાર પર સુંદર તોરણ બનેલું છે અને સરસ્વતી નદી તરફ જતા પગથિયાં જોવા લાયક છે.
પંચાસર પાર્શ્વનાથ મંદિર ગુજરાતના પાટણમાં આવેલું એક દેરાસર છે. આ મંદિર પાટણના સૌથી મોટા મંદિરમાંથી એક છે. આ મંદિર સફેદ આરસપહાણની સૂક્ષ્મ કોતરણી ધરાવનારા સમૃદ્ધ પત્થરકામથી બનાવવામાં આવ્યું છે.