PM મોદીનો માતૃપ્રેમ, એમના જ શબ્દોમાં...

Dec 28, 2022

Haresh Suthar

મા કે માતા ...  શબ્દકોશમાં ફક્ત એક શબ્દ નથી. આ શબ્દમાં તમામ પ્રકારની લાગણીઓ સમાઈ જાય છે. પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ વગેરે. દુનિયાભરમાં કોઈ પણ દેશ કે વિસ્તારમાં બાળકો તેમની માતા પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે. માતા તેના બાળકને જન્મ આપવાની સાથે તેમની પ્રથમ ગુરુ પણ છે. માતા બાળકના માનસનું, તેના વ્યક્તિત્વનું ઘડતર કરે છે. માતા બાળકને આત્મ વિશ્વાસ આપે છે. આ પ્રક્રિયામાં માતા પોતાની અંગત જરૂરિયાતો અને આકાંક્ષાઓનો નિઃસ્વાર્થપણે ત્યાગ કરે છે.

મને કોઈ શંકા નથી કે, મારા જીવનમાં જે કંઈ પણ સારું થયું છે, મારો જે વિકાસ થયો છે અને મારા ચરિત્રનું ઘડતર થયું છે, તે મારા માતાપિતાને આભારી છે. અત્યારે જ્યારે હું દિલ્હીમાં છું, ત્યારે મારાં મનમાં ભૂતકાળની યાદો તાજી થઈ રહી છે. મારી માતા અસાધારણ હોવાની સાથે સરળ છે. અન્ય તમામ માતાઓ જેવી! જ્યારે હું મારી માતા વિશે લખી રહ્યો છું, ત્યારે મને ખાતરી છે કે, મારી માતા સાથે જોડાયેલી વાતો સાથે તમારામાંથી ઘણાંને તેમની માતા સાથે જોડાયેલી લાગશે. આ લેખની સાથે તમને કદાચ તમારી માતાની છબી પણ દેખાય એવું બની શકે.

કોઈ માતાનું તપ એક સારાં મનુષ્યનું સર્જન કરે છે. તેમની લાગણી બાળકમાં માનવીય મૂલ્યો અને સંવેદના જેવા ગુણો કેળવી શકે છે. એક માતા અલગ વ્યક્તિ કે જુદું વ્યક્તિત્વ નથી, માતૃત્વ એક ગુણ છે, એક ખાસિયત છે. ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે ઈશ્વરનું સર્જન તેમના ભક્તોની પ્રકૃતિ અનુસાર થાય છે. એ જ રીતે આપણે આપણી માતાઓ અને તેમનું માતૃત્વ આપણી પોતાની પ્રકૃતિ અને માનસિકતા અનુસાર અનુભવીએ છીએ.

મારા માતાએ તેમનું સંપૂર્ણ બાળપણ તેમની માતા વિના પસાર કર્યું હતું. આપણા બધાને જે લાડકોડ મળ્યાં છે, તેનો અનુભવ મારી માતા મેળવી શકી નહોતી. અમારું કુટુંબ વડનગરમાં એક નાનાં ઘરમાં રહેતું હતું, જેમાં એક બારી પણ નહોતી. શૌચાલય કે બાથરૂમ જેવી સુખસુવિધાની વાત જ કેવી રીતે થાય! અમે અમારા ઘરને એક-રૂમનું ટેનામેન્ટ કહેતાં હતાં, જેમાં માટીની દિવાલો હતી અને છત પર નળિયા હતાં. એવું હતું અમારું ઘર. તેમાં અમે બધા – મારા માતાપિતા, મારા ભાઈબહેનો અને હું રહેતાં હતાં.

અમારા ઘરનો ખર્ચ પૂર્ણ કરવા મારી માતા થોડા ઘરોમાં વાસણો માંજવાનું કામ કરતાં હતાં. તેઓ અમારાં કુટુંબની અતિ ઓછી આવકમાં પૂરક બનવા ચરખો ચલાવવા પણ સમય કાઢતાં હતાં. તેઓ કાલાં ફોલવાથી લઈને રૂ કાંતવા સુધીનું કામ કરતાં હતાં. આ અતિ શ્રમદાયક કામમાં પણ તેમની મુખ્ય ચિંતા એ રહેતી કે કપાસના અણીદાર કાંટા અમારા શરીરમાં ઘૂસી ન જાય. ચોમાસામાં વરસાદ દરમિયાન અમારી છતમાંથી પાણી ટપકતું હતું અને ઘરમાં પાણી ભરાઈ જતું. માતા વરસાદના પાણીને ભેગું કરવા છતની નીચે ડોલ અને વાસણો મૂકતી હતી. આ પ્રતિકૂળ સ્થિતિસંજોગોમાં પણ માતાનું મનોબળ મક્કમ જળવાઈ રહેતું

આજે પણ સ્વચ્છતાને લઈને તેમની ચીવટ ઊડીને આંખે વળગે એવી છે. જ્યારે હું તેમને મળવા ગાંધીનગર જાઉં છું, ત્યારે તેમના પોતાના હાથે મીઠાઈ ખવડાવે છે. હું ભોજન પૂરું કરે એટલે નાની બાળકની જેમ માતા નેપ્કિન લઈને મારો ચહેરો સાફ કરે છે. તેઓ તેમની સાડીમાં એક નેપ્કિન કે નાનો રૂમાલ હંમેશા રાખે છે. જ્યારે કોઈ સાધુ અમારા પડોશમાં આવતાં હતાં, માતા તેમને અમારાં સાદા ઘરમાં અન્નગ્રહણ કરવાં આમંત્રણ આપતાં હતાં. પોતાના સ્વાભાવિક સ્વભાવ મુજબ તેઓ સાધુઓને પોતાને બદલે પોતાના બાળકોને આશીર્વાદ આપવા વિનંતી કરતાં હતાં.

માતાએ મને શીખવ્યું છે કે, ઔપચારિક શિક્ષણ મેળવ્યાં વિના પણ જીવનોપયોગી શિક્ષણ મેળવવું શક્ય છે. તેમની વૈચારિક પ્રક્રિયા અને દીર્ઘદ્રષ્ટિ મને હંમેશા ચકિત કરે છે. તેઓ એક નાગરિક તરીકે તેમની ફરજો પ્રત્યે હંમેશા જાગૃત છે. ચૂંટણીની શરૂઆત થઈ એ સમયથી તેમણે પંચાયતથી સંસદ સુધી એમ દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે. થોડા દિવસો અગાઉ તેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ મત આપવા ગયા હતા.

તેઓ ઘણી વાર મને કહે છે કે, મને કશું ન થઈ શકે, કારણ કે મારા પર જનતા જનાર્દન અને સર્વશક્તિમાન ઈશ્વરના આશીર્વાદ છે. તેઓ મને યાદ અપાવે છે કે, જો હું લોકોની સતત સેવા કરવા ઇચ્છું છું, તો સ્વસ્થ જીવનશૈલી અને વ્યક્તિગત સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે. મારી માતા સંવેદનશીલ અને પ્રેમાળ હોવાની સાથે પ્રતિભાશાળી પણ છે. તેઓ નાનાં બાળકોના ઉપચાર માટે અનેક ઘરગથ્થું ઉપચારો જાણે છે. અમારાં વડનગરના ઘરમાં દરરોજ સવારે માતાપિતાઓ તેમના બાળકોને લઈને આવતાં હતાં અને તેમની તપાસ કરાવીને સારવાર મેળવતાં હતાં.

મને અન્ય એક પ્રસંગ યાદ આવે છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે હું જાહેરમાં મારાં તમામ ગુરુજનોનું સન્માન કરવા ઇચ્છતો હતો. હું વિચારતો હતો કે, જીવનમાં મારી સૌથી મોટી ગુરુ મારી માતા છે અને મારે તેમનું પણ સન્માન કરવું જોઈએ. આપણા ગ્રંથોમાં પણ ઉલ્લેખ થયો છે કે, માતાથી મોટો કોઈ ગુરુ નથી – ‘નાસ્તિ માત્ર સમો ગુરુઃ.’ મેં મારી માતાને કાર્યક્રમમાં હાજર રહેવા વિનંતી કરી હતી, પણ તેમણે ઇનકાર કર્યો હતો. તેમને મને કહ્યું હતું કે, “જો ભાઈ, હું સાધારણ વ્યક્તિ છું. મેં તને જન્મ આપ્યો છે, પણ સર્વશક્તિમાન ઈશ્વરે તારું ઘડતર કર્યું છે, તને શીખવ્યું છે અને તારું લાલનપાલન કર્યું છે.” મારા તમામ શિક્ષકોનું એ દિવસે સન્માન થયું હતું, એક મારી માતા સિવાય

આજે પણ મારી માતાના નામે કોઈ સંપત્તિ નથી. મેં ક્યારેય તેમને સોનાનાં ઘરેણા પહેરતાં જોયા નથી અને તેમને તેમાં રસ પણ નથી. અગાઉની જેમ તેઓ તેમના એક નાના રૂમમાં સરળ જીવન જીવે છે. મારી માતાને દૈવી શક્તિમાં અપાર વિશ્વાસ છે, પણ સાથે સાથે તેઓ અંધશ્રદ્ધાથી દૂર છે અને અમારી અંદર પણ એ જ ગુણો કેળવ્યાં છે. તેઓ પરંપરાગત રીતે કબીરપંથી છે અને તેમની રોજિંદી પૂજાપ્રાર્થનામાં એ પરંપરાઓને અનુસરે છે. તેઓ તેમની મણકાની માળા સાથે જપ કરવામાં ઘણો સમય પસાર કરે છે.

બાલ્યાવસ્થાથી મેં જોયું છે કે, માતા અન્ય લોકોની પસંદગીઓનો આદર કરવાની સાથે તેમના પર પોતાની પસંદગીઓ પણ લાદવાનું પસંદ કરતાં નથી. ખાસ કરીને મારા કિસ્સામાં તેમણે મારા નિર્ણયો સ્વીકાર્યા હતા, ક્યારેય કોઈ પણ પ્રકારનો અવરોધ પેદા કર્યો નહગોતો અને મને પ્રોત્સાહન આપ્યું હતું. બાળપણથી અત્યાર સુધી તેમણે અનુભવ્યું હશે કે, મારી માનસિકતા અલગ છે. હું મારા ભાઈઓ અને બહેનોની સરખામણીમાં થોડો અલગ છું.

છેવટે મેં ઘર છોડવાની મારી ઇચ્છા જાહેર કરી અને તેમનાં આશીર્વાદ માંગ્યા હતા. મારા પિતાને બહુ દુઃખ થયું હતું અને તેમને નારાજ થઈને જણાવ્યું હતું કે, “તને ગમે એ કર.”. મેં તેમને જણાવ્યું હતું કે, હું તેમના આશીર્વાદ લીધા વિના ગૃહત્યાગ નહીં કરું. જોકે મારી માતા મારી ઇચ્છાઓને સમજ્યાં હતાં અને તેમણે આશીર્વાદ આપ્યાં હતાં. તેમણે મને કહ્યું હતું કે, “તારું મને જે કહે એમ કર.”

ગૃહત્યાગ કરતાં અગાઉ માતાએ મને એક પવિત્ર નવી શરૂઆત કરવા માટે ગોળ અને દહીં ખવડાવ્યું હતું. તેઓ જાણતાં હતાં કે, મારું જીવન પછી એક અલગ માર્ગે જ આગળ વધશે. માતાઓ તેમની લાગણીઓને નિયંત્રણમાં રાખવા અતિ કુશળ હોઈ શકે છે, પણ જ્યારે તેમનું બાળક ઘર છોડીને જાય છે, ત્યારે તેમના માટે સ્થિતિ મુશ્કેલ બની જાય છે. માતાની આંખમાં આંસૂ હતા, પણ મારા ભવિષ્ય માટે બહુ આશીર્વાદ આપ્યાં હતાં

તેમણે મને ખાતરી આપી છે કે, મારે તેમની ચિંતા કરવી ન જોઈએ અને મોટી જવાબદારી પર હંમેશા નજર રાખવી જોઈએ. જ્યારે ફોન પર તેમની સાથે વાત કરું છું, ત્યારે તેઓ કહે છે કે, “કોઈની સાથે ક્યારેય ખોટું કે ખરાબ ન કરો તથા ગરીબો માટે હંમેશા કામ કરતાં રહો.” જો હું મારા માતાપિતાના જીવન પર એક નજર નાંખું છું, ત્યારે મને તેમની પ્રામાણિકતા અને સ્વમાન તેમના સૌથી મોટાં ગુણો જણાય છે. ગરીબી સાથે સંઘર્ષ અને તેની સાથે વિવિધ પડકારો જોડાયેલા હોવા છતાં મારા માતાપિતાએ પ્રામાણિકતાનો માર્ગ ક્યારેય છોડ્યો નહોતો કે તેમના આત્મસન્માન સાથે સમાધાન કર્યું નહોતું. કોઈ પણ પડકાર ઝીલવા માટે તેમનો એક જ મંત્ર હતો – મહેનત કરો, સતત મહેનત કરો!

પોતાના જીવનમાં મારા પિતા કોઈ પર ક્યારેય બોજરૂપ બન્યાં નહોતાં. માતાએ પણ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે – શક્ય એટલું પોતાનું કામ જાતે કરવું. અત્યારે જ્યારે હું માતાને મળવા જાઉં છું, ત્યારે તેઓ હંમેશા મને કહે છે “મારે કોઈની સેવા જોઈતી નથી, હું કામ કરતી કરતી ભગવાનને ઘરે જવા ઇચ્છું છું.” મારા માતાના જીવનમાં હું ધૈર્ય, ત્યાગ અને ભારતની માતૃશક્તિના પ્રદાનને જોઉં છું. જ્યારે હું મારી માતા અને તેમના જેવી કરોડો મહિલાઓ પર નજર કરું છું, ત્યારે મને જણાય છે કે, ભારતીય નારીઓ માટે કશું અશક્ય નથી. અભાવની દરેક પીડાથી પર એક માતાનો સોનેરી સંઘર્ષ છે,