નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બની રહ્યા છે. આ સાથે જવાહર નહેરુ બાદ સતત ત્રીજી વખત પીએમ બનનાર મોદી ત્રીજા નેતા છે. ભારતની સ્વતંત્રતા બાદથી અત્યાર સુધી કોણ કોણ વડાપ્રધાન બન્યા ચાલો જાણીયો
જવાહરલાલ નહેરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. તેઓ વર્ષ 1947 થી 1964 સુધી સતત 17 વર્ષ સુધી દેશના વડાપ્રધાન પદે રહ્યા હતા. તેમની જન્મજયંતિ સમગ્ર ભારતમાં બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ગુલઝારીલાલ નંદા ભારતના બીજા વડાપ્રધાન હતા. અને તેમણે બે ટૂંકાગાળા માટે રાષ્ટ્રની સેવા કરી હતી. તેઓ પ્રથમવાર 27 મે 1964 થી 9 જૂન 1064 સુધી અને બીજી વાર 11 જાન્યુઆરી 1966 થી 24 જાન્યુઆરી 2066 સુધી પીએમ પદે રહ્યા હતા. ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસનું આયોજન કરવામાં તેમની મહત્વની ભૂમિકા હતી. તેમને 1997માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
લાલ બહાદુર શાસ્ત્રી ભારતના ત્રીજા વડાપ્રધાન હતા. તેમણે 9 જૂન 1964 થી 11 જાન્યુઆરી 1966 સુધી પીએમ તરીકે રાષ્ટ્રની સેવા કરી હતી. તેમણે શ્વેત અને હરિયાળી ક્રાંતિને પ્રોત્સાહન આપ્યું અને જય જવાન જય કિસાન નારો આપ્યો હતો. તેમના કાર્યકાળમાં 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયુ હતુ.
ઈન્દિરા ગાંધી ભારતના ચોથા અને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. તેમનો જન્મ 19 નવેમ્બર 1917માં પ્રયાગરાજમાં થયો હતો. તેઓ પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી હતા. તેઓ પ્રથમવાર જાન્યુઆરી 1966 થી માર્ચ 1977 સુધી અને બીજી વાર જાન્યુઆરી 1980 થી ઓક્ટોબર 1984 સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા. તેમના કાર્યકાળમાં ભારતે પાકિસ્તાન સામે 1971નું યુદ્ધ જીત્યું હતુ અને જેના પરિણામે બાંગ્લાદેશનું નિર્માણ થયું.
મોરારજી દેસાઈ માર્ચ 1977 થી જુલાઇ 1979 સુધી 2 વર્ષ માટે વડાપ્રધાન પદે રહ્યા હતા. ભારતના બંધારણનો 44મો સુધારો તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ઘડવામાં આવ્યો હતો. મોરારજી દેસાઈનું મુંબઈમાં 99 વર્ષની વયે અવસાન થયું, આમ તેઓ વિશ્વના સૌથી વૃદ્ધ ભૂતપૂર્વ સરકારના વડા બન્યા.
ચૌધરી ચરણ સિંહે 170 દિવસ સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ જુલાઇ 1979 થી જાન્યુઆરી 1980 સુધી પીએમ પદે રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ખેડૂતોની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો. તેમની જન્મજયંતિ 23 ડિસેમ્બરને કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
રાજીવ ગાંધી 40 વર્ષની વયે ભારતના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા. તેઓ ઇન્દિરા ગાંધીના નાના પુત્ર હતા. તેઓ ઓક્ટોબર 1984 થી ડિસેમ્બર 1989 સુધી પીએમ તરીકે રહ્યા હતા. તેમણે દેશમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી અને સંલગ્ન ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું અને દેશમાં ઉચ્ચ શિક્ષણના સુધારાના નવા યુગની શરૂઆત કરી હતી. 21 મે, 1991ના રોજ તમિલનાડુમાં એક આત્મઘાતી બોમ્બ હુમલામાં રાજીવ ગાંધીનું નિધન થયુ હતુ.
વિશ્વનાથ પ્રતાપ સિંહે ડિસેમ્બર 1989 થી નવેમ્બર 1990 સુધી વડાપ્રધાન રહ્યા હતા. તેમના કાર્યકાળમાં મંડલ કમિશનનો અહેવાલ લાગુ કરવામાં આવ્યો હતો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ 1989 પસાર કરવામાં આવ્યો હતો.
ચંદ્ર શેખર કેન્દ્રમાં ગઠબંધન સરકારનું નેતૃત્વ કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. તેઓ નવેમ્બર 1990 થી જૂન 1991 સુધી પીએમ પદે રહ્યા હતા. ભારતને નાણાકીય પેમેન્ટમાં ડિફોલ્ટ થવાથી રોકવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
પમુલાપર્થી વેંકટ નરસિમ્હા રાવ જૂન 1991 થી મે 1996 સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા. તેમના કાર્યકાળમાં ભારતમાં ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના રૂપમાં આર્થિક સુધારા થયા હતા.
હરદનહલ્લી ડોડ્ડેગૌડા દેવેગૌડા એક વર્ષથી થોડા ઓછા સમય માટે જૂન 1996 થી એપ્રિલ 1997 સુધી વડાપ્રધાન બન્યા હતા. તેમણે દેશના ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને દિલ્હી મેટ્રો પ્રોજેક્ટને કિકસ્ટાર્ટ કરવાનો શ્રેય પણ આપવામાં આવે છે. કૃષિમાં તેમના યોગદાન માટે તેમને માટીનો પુત્ર કહેવામાં આવે છે.
ઇન્દર કુમાર ગુજરાલ એક વર્ષથી થોડા ઓછા સમય માટે એપ્રિલ 1997 થી માર્ચ 1998 સુધી વડાપ્રધાન બન્યા. તેમણે ભારતના વડાપ્રધાન બનતા પહેલા વિવિધ મંત્રાલયોમાં કામ કર્યું હતું. તેઓ ગુજરાલ સિદ્ધાંત માટે જાણીતા છે, જેને ભારતની વિદેશ નીતિમાં સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.
અટલ બિહારી વાજપેયી 2 વખત વડાપ્રધાન બન્યા હતા. 26 મે 1996 થી 1 જૂન 1996 સુધી 13 દિવસ અને માર્ચ 1998 થી મે 2004 સુધી પીએમ પદે રહ્યા હતા. પાકિસ્તાન સામે ભારતના કારગિલ યુદ્ધ ઓપરેશન વિજય માટે પણ તેમને યાદ કરવામાં આવે છે. તેમણે ભારતને પરમાણુ શસ્ત્રથી સજ્જ બનાવ્યુ હતુ.
ડૉ. મનમોહન સિંહે વર્ષ 2004 થી 2014 સુધીના બે ટર્મમાં વડાપ્રધાન બન્યા હતા. મનરેગા અને RTI એક્ટ તેમના કાર્યકાળમાં પસાર થયા હતા. દેશમાં આર્થિક સુધારાઓને અસરકારક રીતે હાથ ધરવા માટે ડૉ. મનમોહન સિંહને વ્યાપક શ્રેય આપવામાં આવે છે. તેઓ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા સાથે પરમાણુ નાગરિક કરાર પર હસ્તાક્ષર કરવા માટે પણ જાણીતા છે.
નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બની રહ્યા છે. જવાહરલાલ નહેરુ બાદ મોદી ત્રીજી વખત પીએમ બનનાર વ્યક્તિ છે. તેઓ ભારતના 15માં વડાપ્રધાન છે. તેઓ 2014 થી 2019 અને 2019 થી 2024 સુધી વડાપ્રધાન પદે રહ્યા છે. તાજેતરની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ નરેન્દ્ર મોદી ત્રીજી વખતે ભારતના પીએમ બની રહ્યા છે.
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાની પહેલા 14 વર્ષ સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. તેમણે નોટબંધી, પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક, 370 કલમ નાબુદ, રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા જેવા બોલ્ડ નિર્ણય લીધા હતા. તેઓ 2018માં સિઓલ પીસ પ્રાઈઝ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય તરીકે પણ પ્રખ્યાત છે.