વર્લ્ડ હેરિટેજ ડે દર વર્ષ 18 એપ્રિલે ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ ઐતિહાસિક ઇમારત અને સાંસ્કૃતિ વારસાને સુરક્ષિત રાખવાનો છે.
યુનિસ્કો દ્વારા સમગ્ર દુનિયામાં ઘણા શહેરોને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. યુનિસ્કોએ ભારતના 43 સ્થળોને વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો આપ્યો છે. પણ શું તમને ભારતના પ્રથમ હેરિટેજ શહેરનું નામ ખબર છે? ચાલો જાણીયે
યુનિસ્કોએ વર્ષ 2017માં ગુજરાતમાં આવેલા અમદાવાદ શહેરને ભારતનું પ્રથમ હેરિટેજ સિટી જાહેર કર્યું હતું. સાબરમતી કિનારે વસેલું અમદાવાદ શહેર 1000 વર્ષથી જુનો ઇતિહાસ ધરાવે છે. અમદાવાદનું પ્રાચીન નામ કર્ણાવતી, આશાવલ્લી, આશાવલ, અહમદાબાદ છે.
અમદાવાદની સ્થાપના વર્ષ 1411માં 26 ફેબ્રુઆરીના રોજ અહમદશાહ બાદશાહ એ કરી હતી. અહમદશાહના નામ થી શહેરનું નામ અહમદાબાદ અને કાળક્રમે અમદાવાદ પડ્યું છે. અમમદશાહે શહેરની ફરતે મજબૂત કિલ્લો બનાવ્યો હતો.
અમમદશાહ બાદશાહે અમદાવાદ શહેરની ફરતે મજબૂત કિલ્લો બનાવ્યો હતો. કહેવાય છે કે, અમદાવાદ શહેરની ફરતે 21 મુખ્ય દરવાજા અને અન્ય નાના દરવાજા હતા. જેમાથી હાલ 5 થી 6 કિલ્લા અડીખમ છે.
અમદાવાદમાં ઘણા ઐતિહાસિક સ્થળો છે જેમા ભદ્ર કિલ્લો મુખ્ય છે, જેનું નિર્માણ અહમદશાહ બાદશાહ એ કરાવ્યું હતું. ત્યારબાદ તેના પુત્ર મહમૂદ બેગડાએ કિલ્લાનો વિકાસ કર્યો હતો. ભદ્ર કિલ્લા પર મુસ્લિમ, મરાઠા અને છેલ્લે અંગ્રેજોએ રાજ કર્યું હતું. હાલ કિલ્લાની બહાર ભદ્રકાળી માતાનું મંદિર છે, જેમને અમદાવાદના દેવનગર કહેવાય છે.
અહમદશાહ બાદશાહે વર્ષ 1424માં અમદાવાદમાં જામા મસ્જિદ બનાવડાવી હતી. આ મસ્જિદનું નિર્માણ થયું એ સમયે આ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ હતી. મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ, તેમના પુત્ર, અને તેમના પૌત્રની કબર આવેલી છે જે અહમદશાહ રોજા તરીકે ઓળખાય છે.
અમદાવાદની જામા મસ્જિદની એકદમ સામે રાણીનો હજીરો આવેલો છે. જ્યાં બાદશાહ અહમદશાહની બેગમ કબર છે. સુંદર કોતરણી અને ઝરુણા વાળી ઐતિહાસિક ઇમારતને રાણીનો હજીરો કહેવાય છે.
અમદાવાદમાં લાલ દરવાજા પ્રસિદ્ધ છે. અહીં બાદશાહ અહમદશાહ દ્વારા નિર્મિત 3 મોટા દરવાજા છે, ભદ્ર કિલ્લાની એકદમ સામે આવેલા છે. ત્રણ દરવાજાની દિવાલ પર એક ઐતિહાસિક શિલાલેખ પણ છે.
ઝૂલતા મિનારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન નજીક સીદી બશીર મસ્જિદની અંદર આવેલા છે. અહીં એક મિનારાને હલાવવાથી બીજો મિનારો આપમેળે હલે છે. આથી તેને ઝૂલતા મુનારા કહેવાય છે. 3 માળના ઝૂલતા મિનારા પર બારીક કોતરણી કરવામાં આવી છે.
હઠીંસિંહના જૈન દેરાસર એટલે કે હઠીંસિંહની વાડી અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી છે. વર્ષ 1848માં નગરશેઠ હઠીસિંહના પત્ની હરકુંવરબાઈ દ્વારા પતિની યાદમાં આ જૈન દેરાસરનું નિર્માણ કરાવ્યું છે. અહીં નાના નાના દેરાસરની વચ્ચે એક મોટું જૈન મંદિર અને નજીકમં છ માળનું માનસ્તંભ છે.
અમદાવાદના સરખેજ રોજા સુલતાન મહેમૂદ બેગડાના સલાહકાર અહમદ ખટ્ટુ ગંજબક્ષની દરગાહ છે. તળાવ કિનારે સુંદર કોતરણી અને ઝરુણાથી સજ્જ સરખેજ રોજા ગુજરાતનો સૌથો મોટો રોજો છે.
સીદી સૈયદની જાળી અમદાવાદની શાન છે. રેતિયા પથ્થર પર પાન અને વેલની અદભૂત કોતરણી જોઇ જોનાર આશ્ચર્યચકિત થાય છે. વર્ષ 1572-73માં નિર્મિત સીદી સૈયદની જાળીની નજાકત હજી પણ યથાવત છે.
અડાલજની વાવ અમદાવાદ ગાંધીનગર નજીક આવેલી છે. અડાલજ ગામના વીરસંગ વાઘેલાના પત્ની રૂડીબાઇ એ 15મી સદીમાં આ વાવ બંધાવી હતી. 5 માળ ઉંડી આ વાવ અદભૂત સ્થાપ્ય અને કોતરણી માટે પ્રખ્યાત છે.
અમદાવાદની પોળમાં આ હેરિટેજ શહેરની સાચી ઝલક જોવા મળશે. પથ્થર અને લાકડામાંથી નિર્મિત પોળના મકાન હજી પણ અડીખમ છે. અમદાવાદમાં ઘણી બધી પોળ આવેલી છે, જેમા મુહૂર્ત પોળ, માંડવીની પોળ વગેરે પ્રખ્યાત છે.