રામ નવમી એટલે ભગવાન રામનો જન્મદિવસ. ચૈત્ર સુદ નોમ તિથિ પર અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો. અયોધ્યા સહિત દેશભરમાં ઘણા રામ મંદિર છે.
ગુજરાતમાં ઘણા રામ મંદિર આવેલા છે. શું તમને ખબર છે ગુજરાતનું સૌથી મોટું રામ મંદિર ક્યાં આવેલું છે. અહીં શ્રીરામ લખેલો પથ્થર પાણીમાં તરે છે.
અમદાવાદના વસ્ત્રાલમાં ગુજરાતનું સૌથી મોટું રામ મંદિર આવેલું છે. આ રામ મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 2008માં શરૂ થયું હતું. અયોધ્યાધામ રામજી મંદિરનો પાટોત્સવ 12 ફેબ્રુઆરીએ ઉજવાય છે.
આ રામ મંદિરમાં બિરાજમાન મૂર્તિઓ મકરાણા પથ્થર માંથી તૈયાર કરાઇ છે. પ્રાણ પ્રતિષ્ઠામાં ભગવાન રામનો 108 નદીના જળ વડે જળાભિષેક કરવામાં આવ્યો હતો.
આ રામ મંદિરંમાં અયોધ્યા, સોમનાથ અને ઉંઝાથી લાવવામાં આવેલી પવિત્ર અખંડ જ્યોત ઝળહળે છે. ખાસ વાત એ છે કે, મંદિરના પાયા ખોદવાનું કામ મજૂરોએ નહીં, પરંતુ સ્થાનિક લોકોએ કર્યુ છે.
આ રામ મંદિર 2865 વાર જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલું છે અને તે 120 ફુટ લાંબુ અને 75 ફુટ પહોળું છે. આ મંદિરમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, જાનકી માતા અને હનુમાનજી, રાધા કૃષ્ણ, ઉમિયા માતા સહિત ઘણા ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.
આ રામ મંદિરમાં શ્રી રામ લખેલો પથ્થર પાણીમાં તરી રહ્યો છે. આ પથ્થર રામેશ્વરથી લાવવામાં આવ્યો છે.
આ મંદિરમાં રામ નવમી, હનુમાન જયંતી, કૃષ્ણ જન્માષ્ટમી સહિત ઘણા તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.