Jan 24, 2025
શ્રીકૃષ્ણ ભગવાનના દેશભરમાં ઘણા પ્રસિદ્ધ મંદિરો છે. જેમા ગોકુળ મથુરા, વૃંદાવન બરસાના, દ્વારકા, ડાકોર વગેરે સ્થળો પર પ્રસિદ્ધ મંદિરો આવેલા છે.
શ્રીકૃષ્ણ ભગવાનના મંદિરમાં સવારની મંગળા આરતીનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે, મંગળા આરતીના દર્શન કરનારનું હંમેશા મંગળ થાય છે.
જો કે ભારતમાં એક એવું પણ કૃષ્ણ મંદિર છે જ્યાં દરરોજ મંગળા આરતી થતી નથી. સામાન્ય રીતે દરેક હિન્દુ મંદિરમાં ઘંટ હોય છે. જો કે આ પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરમાં એક પણ ઘંટ નથી. ચાલો કૃષ્ણ મંદિર ક્યાં આવેલું છે અને તેનું મહાત્મય જાણીયે
વૃંદાવનનું બાંકે બિહારી મંદિર પ્રસિદ્ધ કૃષ્ણ મંદિર છે, જેનું નિર્માણ 1864માં સ્વામી હરિદાસજી એ કરાવ્યું હતું. બાંકે બિહારીની મૂર્તિમાં કૃષ્ણ અને રાધાજી બંને બિરાજમાન છે એટલે તેને જુગલ કિશોર કહેવાય છે.
બાકે બિહારી મંદિરમાં કૃષ્ણની સેવા પૂજા નાના બાળકના રૂપમાં થાય છે. બાળકને સવારે વહેલા જાગવું ગમતું નથી. આ ભાવ સાથે કૃષ્ણ ભગવાનની ઉંઘમાં ખલેલ ન પહોંચે તેની માટે મંદિરમાં દરરોજ મંગળા આરતી થતી નથી. અલબત્ત જન્માષ્ટમી પર એક જ વાર બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી થાય છે.
બાંકે બિહારી મંદિરમાં કૃષ્ણ ભગવાન વર્ષમાં 1 જ વાર શરદ પૂનમ પર બંસી ધારણ કરે છે. એવી માન્યતા છે કે, શ્રીકૃષ્ણના અંગ અતિ કોમળ અને નાજુક છે. તેથી જો તેઓ હંમેશા બંસી ધારણ કરશે તો તેમના હાથ દુખાવો થશે. આથી બાંકે બિહારી મંદિરમાં શરદ પૂનમ પર મહારાસનું આયોજન પણ થાય છે.
બાંકે બિહારીજીના ચરણ હંમેશા વસ્ત્ર અને ફુલો વડે ઢંકાયેલા રહે છે. ભક્તોને વર્ષમાં માત્ર એક જ વખત અખા ત્રીજ પર બાંકે બિહારીજીના ચરણના દર્શન થાય છે.
બાંકે બિહારી મંદિરમાં એક પણ ઘંટ નથી. ભગવાનને ઘંટના ધ્વનીથી કોઇ ખલેલ ન પહોંચે તેની માટે મંદિર પરિસરમાં એક પણ ઘંટ નથી.
બાંકે બિહારી મંદિરમાં શ્રીકૃષ્ણ ભગવાનની સીઝન અને તહેવાર અનુસાર ખાસ સેવા પૂજા કરવામાં આવે છે. શિયાળામાં ગરમ વસ્ત્રો ધારણ કરવાયા છે. તો ઉનાળામાં ફુલ બંગલા વડે ઠંડા અપાય છે. ચોમાસામાં સાવન ભાદો હિંડોળામાં ઝુલાવાય છે.
બાંકે બિહારી મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણને દરરોજ સુંદર શણગાર કરવામાં આવે છે. બાંકે બિહારીજીની મૂર્તિમાં કૃષ્ણ અને રાધા બંને હોવાથી તેમને કૃષ્ણ રાધાનો શ્રૃંગાર કરાય છે. મૂર્તિને મસ્તક પર મોરપીંછ મુગટ, કમરબંધ, કાનમાં કુંડળ, નાકમાં નથ, ડાબી બાજુ લાંબા કેશ અને પગમાં ઝાંઝર પણ પહેરાવવામાં આવે છે.