Jan 21, 2025
મહા કુંભ 2025 પ્રયાગરાજમાં મોટી સંખ્યામાં લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવી રહ્યા છે. મહા કુંભમાં આવતા નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર હોય છે. નાગા સાધુઓ વિશે જાણવા લોકો ઉત્સુક હોય છે.
મહા કુંભ મેળામાં જ નાગા સાધુઓને દીક્ષા આપવાની પરંપરા છે. પ્રયાગરાજ મેળામાં લગભગ 5 હજાર પુરુષ નાગા સાધુ અને 100 મહિલાઓને સંન્યાસની દીક્ષા આપવામાં આવી છે.
નાગા સાધુની પ્રક્રિયા અને દીક્ષા બહુ જ કઠિન હોય છે. 5 થી 7 વર્ષના સાધુ જીવન બાદ વ્યક્તિને નાગા સાધુની દીક્ષા આપવામાં આવે છે. આ દરમિયાન વ્યક્તિએ ધાર્મિક ગ્રંથો અન પુરણાનું વાંચન, પૂજા પાઠ, કડક બ્રહ્મચર્યનું પાલન અને ગુરુની સેવા કરવી પડે છે.
જે વ્યક્તિ નાગા સાધુ બનવા માંગે છે તેના પરિવાર પાસેથી અખાડા મંજૂરી મેળવે છે અને ત્યારબાદ અખાડામાં સામેલ કરવામાં આવે છે.
નાગા સાધુ 5 થી 7 વર્ષ સુધી કઠિન સાધના અને તપસ્યા કરે છે. આ દરમિયાન તેણે દુનિયાથી તમામ સંબંધ અને મોહ માયા છોડી દેવી પડે છે.
નાગા સાધુ 24 કલાકમાં માત્ર એક જ વાર ભોજન કરે છે. તે પોતાનો બધો સમય સાધના, ધ્યાન અને પૂજા પાઠ કરવામાં વિતાવે છે. તેઓ લીલા શાકભાજી, દૂધ-દહીં, ઘઉં ચણાના લોટની રોટલી, ભાત, શક્કરિયા વગેરે ખાય છે.
નાગા સાધુ આજીવન બ્રહ્મચર્યનું પાલન કરે છે. નાગા સાધુના જીવનમાં શુદ્ધતા અને પવિત્રતાનું બહું મહત્વ હોય છે.
નાગા સાધુની દીક્ષા લેનાર વ્યક્તિએ પોતાનું પિંડદાન કરવું પડે છે. નાગા સાધુ પોતાના હાથે પોતાનું પિંડદાન કરે છે ત્યારબાદ સાંસારિક દુનિયા સાથે તેનો કોઇ સંબંધ રહેતો નથી.
નાગા સાધુના મૃત્તદેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો નથી. અખાડાના નિયમ મુજબ નાગા સાધુના મૃતદેહનો જળ સમાધિ કે સ્થળ સમાધિ આપી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
નાગા સાધુ ભગવાન શંકરની પૂજા કરે છે. ઉપરાંત તેઓ દુર્ગા માતા, સૂર્ય, ગણેશજી, ભગવાન રામ અને દત્તાત્રેય વગેરે દેવતાઓની પણ પૂજા કરે છે.
મહા કુંભ મેળામાં મોટી સંખ્યામાં નાગા સાધુ અને સાધ્વીઓને દીક્ષા આપવામાં આવે છે. શ્રી પંચદશનામ જુના અખાડાના નાગા સાધુઓને મધ્ય રાત્રીએ મોટી સંખ્યામાં સંન્યાસ દીક્ષા આપવામાં આવી હતી.