સેવ ઉસળ આવી રીતે ઘરે ટ્રાય કરો, સ્વાદ દાઢે વળગશે

Dec 27, 2025, 09:03 PM

સેવ ઉસળ એક મસાલેદાર અને ટેસ્ટી ગુજરાતી વાનગી છે. તે ઘણી સ્વાદીષ્ટ લાગે છે.

તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો. અહીં સેવ ઉસળની રેસીપી જણાવી રહ્યા છીએ.

સેવ ઉસળ રેસીપી સામગ્રી

સફેદ વટાણા, તેલ, ડુંગળીની પેસ્ટ, સેવ, પાઉં, આદુ લસણની પેસ્ટ, સેવ ઉસળનો ગરમ મસાલો, હળદર પાઉડર, લીલી ડુંગળી સુધારેલી, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ટામેટાની પેસ્ટ, મીઠું, લીંબુનો રસ

સેવ ઉસળ બનાવવાની રીત

એક તપેલીમાં સફેદ વટાણા લો. તેમાં પાણી નાખી સાતથી આઠ કલાક પલાળવા માટે મૂકી દો. વટાણા પલળી જાય એટલે એક કુકરમાં વટાણા લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી પાંચથી છ સીટી વાગે ત્યાં સુધી બાફો.

ઉસળ બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળીની પેસ્ટ નાખો. તે થોડી ચડે એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી હલાવો.

હવે તેમાં સેવ ઉસળ નો ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરુ પાઉડર અને મીઠું નાખી વ્યવસ્થિત શેકો.

ત્યારબાદ તેમાં સમારેલી લીલી ડુંગળી નાખી હલાવો. પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખી વ્યવસ્થિત તેલ છૂટું પડે ત્યાં સુધી શેકો

ટામેટાની પેસ્ટ શેકાઈ જાય પછી તેમાં બાફેલા વટાણા નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરો. ઉસળ તૈયાર થઇ જશે.

તરી બનાવવાની રીત

તરી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી ધીમા તાપે શેકો. પછી તેમાં ડુંગળીની પેસ્ટ નાખી શેકો.

આ પછી લાલ મરચું પાઉડર અને હળદર પાઉડર, સેવ ઉસળ, ગરમ મસાલો, મીઠું અને પાણી નાખી મિક્સ કરો.

પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખી તેને ઢાંકી ને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. આ રીતે તરી તૈયાર થઇ જશે.

હવે એક પ્લેટમાં ઉસળ લો તેમાં તરી, સેવ, લીલી ડુંગળી અને લીબું નાખી અને પાઉં સાથે સર્વ કરો.