શાકભાજીની સાથે પકાવેલી વેજ બિરયાની શાકાહારી લોકોને ઘણી પસંદ હોય છે.
વેજ બિરયાની તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
બાસમતી ચોખા, દહીં, ડુંગળી, કેસરવાળું દૂધ, કાજુ તળેલા, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો,કાશ્મીરી લાલ મરચું પાઉડર, હળદર, ફણસી,ગાજર, બટાકા, વટાણા, કોબીજ, ઇલાયચી, આદુ મરચા લસણની પેસ્ટ, તજ, લવિંગ, ઘી, તેલ, મીઠું.
સૌ પ્રથમ ચોખા ધોઈને 30 મિનિટ પલાળી રાખો. એક પેનમાં પાણી મુકી ડુંગળી સિવાયના બધા વેજીટેબલ પાંચ મિનિટ સેમી કુક કરી લો.
હવે એક વાસણમાં પાણીમાં મીઠું, તજ, લવિંગ, ઇલાયચી અને એક ચમચી તેલ નાખી ચોખા ઉમેરી થોડીવાર સેમી કુક કરી પાણી કાઢી છુટ્ટા ભાત તૈયાર કરો. પછી તેને ઠંડા થવા દો.
એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી પાતળી લાંબી સમારેલી તળી લો. ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય એટલે બીરસ્તો તૈયાર છે.
તેને એક બાઉલમાં કાઢી લો. પછી તેમાં તેલ મૂકી આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળો. બે મિનીટ પછી બધા વેજીટેબલ નાખવા.
હવે એક બાઉલમાં દહીં લઈ તેમાં ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, કાશ્મીરી લાલ મરચું પાઉડર, હળદર અને મીઠું નાખી પેસ્ટ બનાવી કુક વેજીટેબલ માં ઉમેરી મિક્સ કરીને થોડી મિનિટ રહેવા દો.
હવે પેનમાં ઘી મૂકી તેમાં કાજુ તળી લો. એક પ્લેટમાં કાઢી લો. હવે એક કુકર લઈ પછી તેમાં બાફેલા રાઈસ નાખી તેના ઉપર કુક વેજીટેબલ મસાલા નાખી તેના ઉપર કેસરવાળું દૂધ રેડી દો.
હવે ફરીથી તેના ઉપર બાફેલા રાઈસ નાખી તેના ઉપર કુક વેજીટેબલ મસાલા નાખી કેસરવાળું દૂધ રેડી દો. હવે એક તવો ગરમ કરી તેના ઉપર કુકર મૂકી તેને બંધ કરી ત્રણ મિનિટ ધીમા તાપે ઢાંકીને થવા દો. ગેસ બંધ કરો. હવે બધું મિક્સ કરી હલાવી દો.
આ રીતે તમારી વેજ બિરયાની તૈયાર થઇ જશે. તેના ઉપર બીરસ્તો, મસાલા સીંગ અને કોથમીર નાખી સર્વ કરો.