શિયાળાની ઠંડીમાં તીખું તમતમતું લસણીયા બટાટાનું શાક ખાવાની મજા આવે છે.
જે એકદમ ટેસ્ટી બને છે. અહીં લસણીયા બટાકા શાકની રેસીપી જણાવી રહ્યા છીએ.
નાના બટાટા, લસણની કળી, તેલ, સમારેલી ડુંગળી, આદું, સૂકા કાશ્મીરી લાલ મરચાં, સમારેલું ટામેટું, ધાણાજીરું, જીરું, લાલ મરચું પાઉડર, હળદર, ચાટ મસાલો, ગરમ મસાલો, મીઠું, સમારેલા લીલા ધાણા.
નાના બટાટા લો અને તેને બાફી લો. આ સમયે થોડું મીઠું નાખી શકો છો. આ પછી તેની છાલ કાઢી નાખો.
ટામેટાં અને લસણની પેસ્ટ માટે આદું, લસણ, પલાળેલા સૂકા લાલ મરચાં, ટામેટાં, ધાણાજીરું, જીરું, હળદર અને મીઠાને મિકસરમાં બારીક પીસી લો.
એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો. તેમાં બાફેલા બટાટાને 2 મિનિટ માટે મધ્યમ આંચ પર સાંતળો. તેમાં ચાટ મસાલો અને ગરમ મસાલો નાખો. ગેસને બંધ કરીને બટાટાને એક બાઉલમાં કાઢો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં બારીક સમારેલી ડુંગળી નાખીને હલ્કી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
તેમાં ટામેટાં અને લસણની પેસ્ટ નાખીને જ્યાં સુધી તેલ છૂટવા ન લાગે ત્યાં સુધી સાંતળો. તેમાં લાલ મરચું પાઉડર અને સાંતળેલા બટાટા નાખીને બરાબર મિક્સ કરો.
ગેસને બંધ કરીને બટાટાને સર્વિંગ બાઉલમાં કાઢો. આ રીત ટેસ્ટી લસણીયા બટાટા તૈયાર છે. તેને લીલા ધાણાથી સજાવીને ગરમાગરમ પીરસો.
લસણીયા બટાટા રોટલી અથવા પરોઠાની સાથે સર્વ કરી શકો છો.