અમેરિકાના રાજકારણ અને વહીવટીક્ષેત્રે ભારતીય મૂળના અમેરિકન નાગરિકોનુ વર્ચસ્વ ધીમે ધીમે વધી રહ્યું છે. અમેરિકાની સેનેટે મંગળવારે ન્યૂયોર્કના સાઉથ ડિસ્ટ્રીક્ટ કોર્ટ ન્યાયાધીશ તરીકે ભારતીય મૂળના અમેરિકન વકીલ અરુણ સુબ્રમણ્યમની નિમણૂકને મંજૂરી આપી છે. આ રીતે તેઓ ન્યુયોર્કની ડિસ્ટ્રીક્ટ કોર્ટના ન્યાયાધીશ બનનાર દક્ષિણ એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા છે. યુએસ સેનેટે મંગળવારે (7 માર્ચ) સાંજે 37 સામે 58 વોટથી અરુણ સુબ્રમણ્યમની નિમણુંકની પુષ્ટિ કરી.
સેનેટના નેતા ચક શૂમરે કહ્યું કે, “અમે અરુણ સુબ્રમણ્યનને SDNI જજ તરીકે સમર્થન આપ્યું છે. તે એક પ્રવાસી ભારતીયનો પુત્ર છે અને આ જિલ્લા કોર્ટના ન્યાયાધીશ બનનાર દક્ષિણ એશિયાના પ્રથમ વ્યક્તિ છે. તેમણે પોતાની કારકિર્દી લોકોની લડત માટે સમર્પિત કરી છે.
અરુણ સુબ્રમણ્યમ કોણ છે?
અરુણ સુબ્રમણ્યમનો જન્મ વર્ષ 1979માં પિટ્સબર્ગ, પેન્સિલવેનિયામાં થયો હતો. તેમના માતા-પિતા 1970ના દાયકાની શરૂઆતમાં ભારતમાંથી અમેરિકામાં સ્થાયી થયા હતા. તેમના પિતાએ ઘણી કંપનીઓમાં ‘કંટ્રોલ સિસ્ટમ એન્જિનિયર’ તરીકે કામ કર્યું હતું અને તેમની માતા પણ નોકરી કરતી હતી. તેમણે વર્ષ 2001માં કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ અને અંગ્રેજીમાં સ્નાતકની ડિગ્રી મેળવી.
અરુણ સુબ્રમણ્યમ હાલમાં ન્યુયોર્કમાં સુસમેન ગોડફ્રે એલએલપીમાં ભાગીદાર છે, જ્યાં તેઓ વર્ષ 2007થી લોયર પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઉપરાંત તેમણે વર્ષ 2006 થી 2007 સુધી યુએસ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રૂથ બેડર ગિન્સબર્ગમાં ક્લાર્ક તરીકે પણ કામ કર્યું હતું.