Fraud Visa : ફ્રોડ વિઝાના કેસમાં વધારાને કારણે ઓસ્ટ્રેલિયાની પાંચ યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ સમાચાર એવા વિદ્યાર્થીઓના સપના તોડી શકે છે જેઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ અભ્યાસ કરવા માગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના લોકો ઓસ્ટ્રેલિયામાં કામ કરવા માટે વિદ્યાર્થી વિઝાનો દુરુપયોગ કરી રહ્યા છે. તેથી જ યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન આપવાથી ઇન્કાર કરી દીધો છે. એટલે કે ભારતીય વિદ્યાર્થીઓ હવે ઓસ્ટ્રેલિયાની આ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી શકશે નહી. રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિઝામાં છેતરપિંડી ચરમ પર છે તેથી સત્તાધીશોએ આ નિર્ણય લીધો છે.
આ વર્ષે ઓસ્ટ્રેલિયા મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે. જે 2019 કરતા 75,000થી વધારે છે. જોકે આ સાથે વિઝામાં છેતરપિંડી વધવાની શક્યતાઓ પણ છે. તેથી ઘણી યુનિવર્સિટીઓ પ્રતિબંધ લગાવી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા સરકારે પણ એક વ્યાપક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પર બંને દેશોના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને નરેન્દ્ર મોદીએ હસ્તાક્ષર કર્યા હતા. જે યુનિવર્સિટીના અભ્યાસ માટે બંને દેશો વચ્ચેની યાત્રાને સરળ બનાવશે.
આ પણ વાંચો – સંશોધન : જેમ જેમ વિશ્વભરમાં ગરમી વધી રહી છે દુકાળ જલ્દી પડવાની સંભાવના
ગ્લોબલ એજ્યુકેશન ફર્મ નવિતાસના જોન ચ્યુએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં શિક્ષા માટે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પહેલાથી જ ઘણી મોટી છે. અમે જાણતા હતા કે વધારે માંગ હશે પરંતુ એવા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે જેઓ
ખરેખર વિદ્યાર્થીઓ નથી. સિડની મોર્નિંગ હેરાલ્ડ અખબારના અહેવાલ મુજબ વિઝામાં આ અનિયમિતતાએ ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય શિક્ષણ બજારની ચિંતા વધારી છે.
રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે કોવિડ-19 પ્રતિબંધો હળવા કર્યા પછી વિઝા છેતરપિંડીના કેસમાં વધારો થયો છે. કેટલાક કિસ્સાઓમાં નકલી દસ્તાવેજો પણ મળ્યા છે.
હકીકતમાં ફેબ્રુઆરીમાં પહેલા જ પર્થની એડિથ કોવાન યુનિવર્સિટીએ પંજાબ અને હરિયાણાના અરજદારો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પછી માર્ચમાં વિક્ટોરિયા યુનિવર્સિટીએ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત ભારતના આઠ રાજ્યોના વિદ્યાર્થીઓની અરજીઓ પર પ્રતિબંધ વધારી દીધા. આ સમાચારની અસર તે વિદ્યાર્થીઓ પર પડશે જે ઓસ્ટ્રેલિયામાં જઈને અભ્યાસ કરવા માંગે છે.