BAPS હિંદુ મંદિર, અબુ ધાબી – પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : જાણો પૂરો કાર્યક્રમ, લાઈવ ક્યાં જોઈ શકશો?

બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 14 ફેબ્રુઆરીએ થશે, યુએઈમાં 14 થી 21 ફેબ્રુઆરીએ વિવિધ કાર્યક્રમો થશે, જે તમે અહીં લાઈવ જોઈ શકશો

Written by Kiran Mehta
Updated : February 12, 2024 15:53 IST
BAPS હિંદુ મંદિર, અબુ ધાબી – પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : જાણો પૂરો કાર્યક્રમ, લાઈવ ક્યાં જોઈ શકશો?
બીએપીએસ હિન્દુ મંદિર, અબુધાબી - પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ વિગત (ફોટો - બીએપીએસ)

બીએપીએસ હિન્દુ મંદિર, અબુધાબીમાં તૈયાર થઈ ગયું છે. 14 ફેબ્રુઆરીથી બીએપીએસ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત 11 ફેબ્રુઆરીના રોજ પ્રાતઃ કાળે સમગ્ર વિશ્વમાં સંવાદિતા અને શાંતિ સ્થપાય તેવા શુભ સંકલ્પો સાથે 980 કરતાં વધુ ભક્તો ભાવિકો વૈદિક ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’માં જોડાયા હતા. BAPS હિંદુ મંદિર, અબુ ધાબીના 14 ફેબ્રુઆરીના રોજ થનાર ઐતિહાસિક ઉદ્દઘાટન નિમિત્તે આયોજિત પ્રેરણાદાયી કાર્યક્રમોની વિશિષ્ટ શૃંખલા – ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ અંતર્ગત આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિન્દુ શાસ્ત્રો મુજબ, યજ્ઞવિધિને શક્તિશાળી ભક્તિ અર્ધ્ય ગણવામાં આવે છે

પ્રાચીન હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે યજ્ઞવિધિને શક્તિશાળી ભક્તિ અર્ધ્ય ગણવામાં આવે છે.  મધ્ય પૂર્વના દેશોમાં સૌપ્રથમ કહી શકાય તેવા આ યજ્ઞમાં અનેકવિધ મહાનુભાવો, આધ્યાત્મિક ગુરુઓ અને સ્થાનિક કોમ્યુનિટીના અગ્રણીઓએ જોડાઈને યુ. એ. ઇ અને સમગ્ર વિશ્વમાં સૌની શાંતિ, સંવાદિતા અને સફળતા માટે પ્રાર્થના વ્યકત કરી હતી.

ભક્તો-ભાવિકો આજના યજ્ઞ વિધિ પ્રસંગે યજમાન પદે માંગલિક વસ્ત્રોમાં સજ્જ થયા હતા. ભારતથી પધારેલા સાત નિષ્ણાત પુજારીઓએ આ યજ્ઞમાં પ્રાચીન વૈદિક વિધિ વિધાન દ્વારા સર્વે યજમાનોને આહુતિ અને વેદમંત્રો દ્વારા પવિત્ર વિચારો અને સદગુણી જીવન માટે પ્રતિબદ્ધ કર્યા હતા અને અનોખા ઐતિહાસિક વાતાવરણનું સર્જન થયું હતું. પૂજારીઓની સાથે સાથે 200 જેટલાં સ્વયંસેવકો યજ્ઞવિધિનું સંચાલન કરવામાં સહભાગી થયા હતા.

પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ મંદિરના નિર્માણકાર્યનું સંચાલન કરી રહેલાં સંત બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, “ભારતની બહાર આ પ્રકારનો વિશિષ્ટ મહત્વ ધરાવતો યજ્ઞ ભાગ્યે જ યોજાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેને વારંવાર દ્રઢ કરાવે છે, તેવા વૈશ્વિક એકતાના સંદેશને યજ્ઞ દ્વારા અપાયેલી આ વિશિષ્ટ અંજલિ છે.  આજે પ્રાતઃ કાળે યોજાયેલા યજ્ઞમાં થયેલી શાંતિ અને સહ અસ્તિત્વની અનુભૂતિને આ મંદિર આગામી અનેક પેઢીઓ સુધી દ્રઢ કરાવ્યા કરશે.”

યજ્ઞની પવિત્ર જ્વાળાઓ અંધકારને દૂર કરતા આધ્યાત્મિક પ્રકાશનું પ્રતીક છે. યજ્ઞ દરમિયાન વરસી રહેલાં વરસાદે કુદરતના પંચમહાભૂતની એકતાનું અનેરું વાતાવરણ સર્જી દીધું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી.

BAPS Hindu Mandir Abu Dhabi Pran Pratishtha Mohotsav
વૈદિક ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’માં ભક્તો જોડાયા (ફોટો – બીએપીએસ)

વરસાદમાં પણ યજ્ઞ વણથંભ્યો ચાલ્યો

ખાસ આ યજ્ઞમાં સંમિલિત થવા લંડનથી આવેલ હરિભક્ત જય ઇનામદારે જણાવ્યું હતુ કે, વરસાદે આ કાર્યક્રમને વધારે યાદગાર અને ઐતિહાસિક બનાવી દીધો છે. વરસાદમાં પણ યજ્ઞ વણથંભ્યો ચાલી રહ્યો હોય, તેવું મેં પહેલી વાર નિહાળ્યું. ઉલટું, વાતાવરણ જાણે વધુ માંગલિક બની ગયું હોય તેવું અનુભવાયું.”

BAPS હિંદુ મંદિર, અબુ ધાબી – પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો કાર્યક્રમ

તારીખ 14.02.2024

કાર્યક્રમ ૧: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવસમય: અબુ ધાબી સમય પ્રમાણે સવારે 7:15 થી 8:15(ભારતીય સમય પ્રમાણે સવારે 9:15 થી 10:15)

કાર્યક્રમ ૨ : જાહેર લોકાર્પણ સમારોહસંધ્યા કાર્યક્રમ સભા: સાંજે 4:30 થી 8:20(ભારતીય સમય પ્રમાણે સાંજે 6 થી 9:50)

તારીખ: 15.02.2024સંધ્યા કાર્યક્રમ સભા: સંવાદિતા દિનસમય: સાંજે 6 થી 8(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)

તારીખ: 16.02.2024સંધ્યા કાર્યક્રમ સભા: સભ્યતા દિનસમય: સાંજે 6 થી 8(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)

તારીખ: 17.02.2024સંધ્યા કાર્યક્રમ સભા: શાંતિ દિનસમય: સાંજે 6 થી 8(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)

તારીખ: 18.02.2024મંદિર નોંધાયેલા મુલાકાતીઓ માટે સવારે 9 થી 12 વાગ્યા સુધી ખુલશે.(ભારતીય સમય પ્રમાણે સવારે 10:30 થી 1:30)

સંધ્યા કાર્યક્રમ સભા: કૃતજ્ઞતા દિનસમય: સાંજે 6 થી 8(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)

તારીખ: 19.02.2024સંધ્યા કાર્યક્રમ સભા: મૂલ્યોનો દિનસમય: સાંજે 6 થી 8(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)

તારીખ 20.02.2024કાર્યક્રમ : કીર્તન આરાધના(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)

તારીખ 21.02 2024કાર્યક્રમ : પ્રેરણા દિન – મહિલા સભા(ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30 થી 9:30)

BAPS હિંદુ મંદિર, અબુ ધાબી – પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું LIVE પ્રસારણ ક્યાં જોઈ શકાશે?

બીએપીએસ હિન્દુ મંદિર, અબુધાબીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવનાર દિવસોમાં ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ અંતર્ગત ઉજવાનાર વિશિષ્ટ કાર્યક્રમોની રૂપરેખાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે, આ કાર્યક્રમો વિશિષ્ટ થીમ પર આધારિત હશે, જેમાં વિશ્વના વિવિધ ક્ષેત્રોના અનેક મહાનુભાવો સમ્મિલિત થશે. આ તમામ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ live.baps.org પર કરવામાં આવશે.

મહંત સ્વામીનું અબુ ધાબીમાં ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે સ્વાગત કરાયું

ઉલ્લેખનીય છે કે, BAPS હિંદુ મંદિરના ઐતિહાસિક ઉદ્દઘાટન પ્રસંગે વૈશ્વિક હિંદુ સંતવિભૂતિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું અબુ ધાબીમાં ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે 5 ફેબ્રુઆરીના રોજ સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર આગમન વખતે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું યુએઈના સહિષ્ણુતા મંત્રી, મહામહિમ શેખ નહયાન મુબારક અલ નહયાન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શેખ નહ્યાને પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરતાં જણાવ્યું હતુ કે, “યુએઈમાં આપનું સ્વાગત છે. આપની ઉપસ્થિતિથી આ દેશ પાવન થયો છે. તમારી શુભકામનાઓથી અમને સ્પર્શી ગઈ છે. અમને તમારા આશીર્વાદ અનુભવાય છે.

BAPS Hindu Mandir Abu Dhabi Pran Pratishtha Mohotsav
મહંત સ્વામીનું અબુ ધાબીમાં સ્ટેટ ગેસ્ટ સ્વાગત – (ફોટો – બીએપીએસ)

UAE માં બીએપીએસને મંદિર માટે કુલ 17 એકર જમીન ભેટ અપાઈ

UAE સરકાર અને તેના શાસકોની ઉદારતાના કારણે આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે. 2015માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને ‘UAE આર્મ્ડ ફોર્સ’ના સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નહ્યાને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી. ત્યાર બાદ જાન્યુઆરી 2019માં ‘ યર ઓફ ટોલરન્સ’ દરમિયાન, વધુ 13.5 એકર જમીન ફાળવી – કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટમાં આપી હતી.

મહંત સ્વામીએ શું કહ્યું?

પૂજ્ય મહંત સ્વામી મહારાજે તેઓને જણાવ્યું હતુ કે, “તમારો પ્રેમ અને આદર હૃદયસ્પર્શી છે. UAEના નેતાઓ મહાન અને વિશાળ હ્રદયના છે.” BAPS હિન્દુ મંદિર મધ્ય પૂર્વમાં પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલીમાં પત્થરમાંથી નિર્મિત સૌપ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે. અબુ મુરેખામાં સ્થિત આ ભવ્ય મંદિર ભારત અને UAE વચ્ચેની સુદ્રઢ મિત્રતા અને સાંસ્કૃતિક સંવાદિતા અને સહયોગની ભાવનાને ઉજાગર કરી રહ્યું છે.

આ પણ વાંચોBAPS Temple UAE : 70 હજાર ચોરસ ફૂટ મોટું, 700 કરોડનો ખર્ચ, 108 ફૂટ ઊંચું… UAE માં પહેલું હિન્દુ મંદિર તૈયાર, ફેબ્રુઆરીમાં PM મોદી કરી શકે છે ઉદ્ઘાટન

તમને જણાવી દઈએ કે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ સંસ્થા, જે સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઇટેડ નેશન્સ) સાથે સંલગ્ન આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક-સામાજિક સેવા સંસ્થા છે; તેના આધ્યાત્મિક ગુરુ છે. તેમની ભક્તિ, નમ્રતા અને સેવાના ગુણો દ્વારા વિશ્વના લાખો લોકોને તેઓ ઉચ્ચ જીવન માટે પ્રેરી રહ્યા છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ