Colombian Presidential Candidate: કોલંબિયાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ઉમેદવાર મિગુએલ ઉરીબેની બોગોટામાં એક કાર્યક્રમમાં ગોળી મારી હત્યા કરવાનો પ્રયાસ થયો છે. ચૂંટણી પ્રચારની રેલી દરમિયાન તેમને માથામાં ગોળી મારવામાં આવી છે. સીબીએસ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ઉરીબેની હાલત ગંભીર છે. ગોળીબારના મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેમની કન્ઝર્વેટિવ પાર્ટી સેન્ટ્રો ડેમોક્રેટિક કન્ઝર્વેટિવ પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક ચૂંટણી કાર્યક્રમમાં ભાગ લેતી વખતે તેમને માથામાં ગોળી વાગી હતી.
બોગોટાના મેયર કાર્લોસ ફર્નાન્ડો ગેલાને આ વાતની પુષ્ટિ કરી હતી કે શંકાસ્પદ બંદૂકધારીને ઘટના સ્થળેથી પકડી લેવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, સુરક્ષા દળોએ હુમલાખોરની અટકાયત કરવા માટે ઝડપથી કાર્યવાહી કરી હતી. રક્ષા મંત્રી પેડ્રો સાન્ચેઝે બાદમાં જાહેરાત કરી હતી કે આ પ્રયાસ પાછળના લોકોની જાણકારી આપવનારને 3 અબજ કોલમ્બિયન પેસોસનું ઇનામ આપવામાં આવશે.
આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે અને તેની તુલના કોલંબિયાના હિંસક રાજકીય ભૂતકાળ સાથે કરવામાં આવી રહી છે. 20મી સદીના અંતમાં દેશે અનેક હાઈ-પ્રોફાઇલ રાજકીય હત્યાઓનો સામનો કરવો પડ્યો છે. જેમાં લુઇસ કાર્લોસ ગેલાન અને કાર્લોસ પિઝારોની હત્યાનો સમાવેશ થાય છે. ઘણા રાજકીય નેતાઓએ તે યુગની વાપસી અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
રાષ્ટ્રપતિએ આ હુમલાની નિંદા કરી
રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો અને તેને લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો. તેમણે યુરીબે તુર્બે સાથે એકતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે રાજકીય હિંસા ફરી ક્યારેય કોલંબિયાની વાસ્તવિકતાનો ભાગ ન બનવો જોઈએ. પૂર્વ રાષ્ટ્રપતિ અલ્વારો ઉરીબેએ મિગુએલ ઉરીબેને રાષ્ટ્રીય આશા ગણાવી હતી અને સંપૂર્ણ તપાસની વિનંતી કરી હતી.
કોણ છે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિગુએલ ઉરીબે?
મિગુએલ ઉરીબે ટર્બે એક જમણેરી સેનેટર છે અને વિપક્ષી ડેમોક્રેટિક સેન્ટર પાર્ટીના અગ્રણી સભ્ય છે. તેઓ કોલંબિયાના પૂર્વ રાષ્ટ્રપતિ જુલિયો સેસર ટર્બેના પૌત્ર અને પત્રકાર ડાયના ટર્બેના પુત્ર છે. કોલંબિયામાં યુનિવર્સિટી ડી લોસ એન્ડીસ અને હાર્વર્ડની કેનેડી સ્કૂલમાં ભણેલા ઉરીબે પ્રમુખ ગુસ્તાવો પેટ્રોના ડાબેરી સુધારાઓના ઉગ્ર ટીકાકાર રહ્યા છે. તેમણે 2026ની ચૂંટણી પહેલા પોતાને અગ્રણી રૂઢિચુસ્ત અવાજ તરીકે સ્થાપિત કર્યા છે. આ પહેલા પણ રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર પર હુમલો થઇ ચૂક્યો છે.





