Elon Musk On UN Security Council Member: દુનિયાના સૌથી મોટા અબજોપતિ અને ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવીત કંપની સીઇઓ એલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ – UNSCમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. એલોન મસ્કે ભારતને અત્યાર સુધી કાયમી બેઠક ન મળવાને ‘વાહિયાત’ ગણાવી હતી અને કહ્યું હતું કે જે દેશોની પાસે જરૂરિયાત કરતાં વધુ સત્તા છે તેઓ તેને છોડવા માંગતા નથી.
આ ચર્ચાને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ટુટેરેસે શરૂ કરી હતી. તેણે સુરક્ષા પરિક્ષષદના કાયમી સભ્યોના રૂપમાં કોઇ પણ આફ્રિકન રાષ્ટ્રની ગેરહાજરી વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
શું છે સમગ્ર ચર્ચા?
સંયુક્ત રાષ્ટ્રના યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે સોશિયલ મીડિયા પર લખ્યું કે, આફ્રિકા માટે સુરક્ષા પરિષદમાં એક પણ કાયમી સભ્યની ગેરહાજરી કેવી રીતે શક્ય છે. હવે એલોન મસ્કે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આટલી મોટી વસ્તી હોવા છતાં ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું કાયમી સભ્ય ન હોવું સંપૂર્ણ વાહિયાત છે. આ દરમિયાન એલોન મસ્કે આફ્રિકન દેશોને સામેલ કરવાની માંગને સમર્થન પણ વ્યક્ત કર્યું હતું.
એન્ટોનિયો ગુટેરેસની પોસ્ટનો જવાબ આપતાં, અમેરિકામાં જન્મેલા ઈઝરાયેલના ઉદ્યોગપતિ માઈકલ આઇઝેનબર્ગે ભારતના પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે પ્રશ્ન કર્યો હતો કે શા માટે સ્થાયી સભ્યપદ માટે ભારતના નામ પર વિચારણા કરવામાં આવી રહી નથી. આઇઝેનબર્ગે સંયુક્ત રાષ્ટ્રને તોડી પાડવા અને મજબૂત નેતૃત્વ સાથે નવી સંસ્થા બનાવવાનું પણ સૂચન કર્યું હતું.
ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક ન મળવી એ વાહિયાત છે – એલોન મસ્ક
આઇઝેનબર્ગના ટ્વીટને ટાંકીને એલોન મસ્કે લખ્યું છે કે, “પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક ન મળવી એ વાહિયાત છે.” એ પણ નોંધનીય છે કે યુએનએસસીના પાંચ સ્થાયી સભ્ય દેશોમાંથી ચારે સર્વોચ્ચ વિશ્વ સંસ્થામાં કાયમી બેઠક માટે ભારતની ઉમેદવારીને હંમેશા સમર્થન આપ્યું છે. પરંતુ હજુ સુધી ભારતને કાયમી સ્થાન મળ્યું નથી.





