Twitter New Logo: એલોન મસ્કે સોમવારે ટ્વિટરનો નવો લોગો લોન્ચ કર્યો હતો. માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરને ફરીથી બ્રાન્ડ કરવાની પહેલને કારણે મસ્કનો આ નવીનતમ નિર્ણય છે. મસ્કની સોશિયલ મીડિયા સાઇટનો નવો લોગો બ્લેક બેકગ્રાઉન્ડ સાથે સફેદ કલરનો એક્સ છે. નવો લોગો લોન્ચ કર્યાના થોડા કલાકો બાદ ટ્વિટરના વેબ વર્ઝન પર યુઝર્સને નવો લોગો દેખાવા લાગ્યો છે. જો તમે X.com જશો તો તમે ટ્વિટર પર રીડાયરેક્ટ થઇ જશો. કેટલાક મહિનાઓ પહેલા કંપનીનું લીગલ નામ બદલીને એક્સ કોર્પ કરવામાં આવ્યું હતું.
ટ્વિટરના સીઈઓ લિન્ડા યાક્કારિનોએ પણ નવા લોગોની ડિઝાઇન વિશે ટ્વિટ કર્યું હતું કે, “એક્સ અહીં છે! ચાલો આ કરીએ’. આ પછી લિન્ડાએ સાન ફ્રાન્સિસ્કોમાં કંપનીની ઓફિસમાં પ્રોજેક્ટને આપવામાં આવેલા લોગોની તસવીર પણ પોસ્ટ કરી હતી.
આ પહેલા રવિવારે ટ્વિટરના અબજોપતિ બિઝનેસમેન અલોન મસ્કે એક પછી એક ઘણા ટ્વિટ કર્યા હતા. જેમાં તેમણે ટ્વિટરના બ્લુ બર્ડ લોગોને ઓફિશિયલી નવા X લોગો સાથે જાહેરાત કરી હતી. આ ઉપરાંત મસ્કે સોશિયલ મીડિયા નેટવર્કને રિબ્રાન્ડ કરતાં એક્સ નામ પણ જાહેર કર્યું હતું. મસ્કે ટ્વિટ કર્યું હતું કે અમે ટૂંક સમયમાં ટ્વિટર બ્રાન્ડને અને ધીમે ધીમે તમામ પક્ષીઓને અલવિદા કહીશું.
આખરે મસ્ક ટ્વિટરનો લોગો કેમ બદલી રહ્યા છે?
X લોગો સાથે મસ્કનો પ્રયાસ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મને ચીનની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વીચેટના મોડેલને અપનાવવાનો છે. વીચેટ એપમાં યૂઝર્સ મેસેજિંગ, વીડિયો કોલિંગથી લઇને ફ્લાઇટ અને હોટલ બુકિંગ સુધી બધુ જ કરી શકે છે.
અહેવાલો અનુસાર ગયા વર્ષે મસ્કે ટ્વિટરના કર્મચારીઓને કહ્યું હતું કે તે ટ્વિટરને વીચેટમાં ફેરવવા માંગે છે. મસ્કે કહ્યું હતું કે ચીનની બહાર વીચેટ જેવી કોઈ એપ નથી. ચીનમાં તમે દરેક કામ વીચેટમાં કરી શકો છો. જો આપણે ટ્વિટર સાથે પણ આવું કરી શકીએ તો તે એક મોટી સફળતા હશે.
ટ્વિટરનું નામ બદલવા અને આઇકોનિક બ્લુ બર્ડ લોગો બદલવાની પાછળની કહાની કંઈક અન્ય જ છે. તેનો હેતુ માત્ર લોકોની ઓળખ બદલવાનો નથી. પ્લેટફોર્મરના સમાચાર અનુસાર મસ્કે ટ્વિટર કર્મચારીઓને એક મેઇલ મોકલીને જાણકારી આપી હતી કે કંપનીનું નામ એક્સ હોઇ શકે છે અને આ છેલ્લી વખત છે જ્યારે તેમને ટ્વિટર એડ્રેસથી મેઇલ મળી રહ્યો છે.
X લોગો શા માટે રાખ્યો?
એવું લાગે છે કે X અક્ષરનો મસ્ક પર નોંધપાત્ર પ્રભાવ છે. 1999માં મસ્ક X.com નામની ઓનલાઇન બેંકના સહ-સ્થાપક હતા. બાદમાં આ બેંકનું નામ બદલીને PayPal કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મસ્કની રોકેટ કંપની સ્પેસએક્સમાં પણ આ અક્ષરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મસ્કની કંપની ટેસ્લા હેઠળ લોન્ચ કરવામાં આવેલા પ્રથમ એસયુવી મોડલનું નામ પણ આ જ હતું.
આ પણ વાંચો – તમારી કાર કે બાઇક પૂર કે પાણીમાં ડુબે અથવા નુકશાન થાય તો, શું કરવું અને શું ના કરવું? વીમો પાસ થાય?
એક્સના ચીફ એક્ઝિક્યુટિવ લિન્ડા યાક્કારિનોએ રવિવારે એક્સનું વિઝન શેર કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે હવે આ બિઝનેસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સંચાલિત હશે અને તેનું ધ્યાન ઓડિયો, વીડિયો, મેસેજિંગ, પેમેન્ટ્સ/બેન્કિંગ પર રહેશે.
ટ્વિટરમાં મોટા ફેરફાર
ઓક્ટોબર 2022 માં એલોન મસ્ક દ્વારા 44 બિલિયન ડોલરની ડીલમાં ટ્વિટરને ખરીદવામાં આવ્યું હતું. ત્યાર બાદ કંપનીએ ઘણા મોટા નિર્ણયો લીધા છે, જેની મોટી અસર યૂઝર્સ અને કર્મચારીઓ બંને પર પડી છે. મસ્કે કાર્યભાર સંભાળતાની સાથે જ ટ્વિટરના ઘણા મોટા એક્ઝિક્યુટિવ્સને હાંકી કાઢ્યા હતા. જેમાં કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલનું નામ પણ હતું. ખર્ચમાં કાપ મૂકવાના નામે મસ્કે વિશ્વના ઘણા દેશોમાં ટ્વિટરની ઓફિસોને તાળા મારી દીધા હતા અને કંપનીની નીતિમાં ઘણા મોટા ફેરફારો કર્યા હતા. આ ઉપરાંત ટ્વિટર લેગસી એકાઉન્ટમાં વેરિફાઇડ ટેગ્સ માટે પણ પૈસા ચૂકવવા પડે છે. જો તમારે તમામ ટ્વિટર ફીચર્સ જોઈતા હોય તો તમારે ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શન લેવું પડશે.
હેટ સ્પીચમાં વધારો
તાજેતરમાં યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાની ઇન્ફર્મેશન સાયન્સિસ ઇન્સ્ટિટ્યૂટ, ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટી, યુસીએલએ અને યુસી મર્સિડના સંશોધકોએ એપ્રિલ 2023માં અહેવાલ આપ્યો હતો કે જ્યારથી મસ્કે ટ્વિટરની લગામ સંભાળી છે ત્યારથી પ્લેટફોર્મ પર બોટ્સની સંખ્યા અને હેડ સ્પીચના કેસોમાં વધારો થયો છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે 1 ઓક્ટોબરથી 29 નવેમ્બર 2022ની વચ્ચે જે વપરાશકર્તાઓએ દ્વેષપૂર્ણ ટ્વિટ્સ પોસ્ટ કર્યા હતા. તેઓએ મસ્કે કાર્યભાર સંભાળ્યો ત્યારથી દરરોજ જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. મસ્કને અપેક્ષા હતી કે તે ટ્વિટર પર બોટની સમસ્યાને દૂર કરશે. પરંતુ અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે મસ્કે ટ્વિટરની કમાન સંભાળ્યા બાદ બોટ્સની સંખ્યા પણ વધી ગઇ હતી.
ટ્વિટરની ટ્રાન્સપેરેન્સીમાં થયો ઘટાડો
એલોન મસ્કની માલિકી હેઠળ ટ્વિટર પર પારદર્શિતા ઓછી થઈ છે. ફેબ્રુઆરીમાં મસ્કે જાહેરાત કરી હતી કે કંપની ટ્વિટર એપીઆઇની મફત એક્સેસને સમાપ્ત કરી રહી છે અને ટૂંક સમયમાં પેઇડ વર્ઝન લોન્ચ કરશે. આ જાહેરાત બાદ હેટ સ્પીડ અને ઓનલાઇન એબ્યુઝનો અભ્યાસ કરનારા રિસર્ચર્સ પર ખાસ અસર જોવા મળી હતી. મોટાભાગના સંશોધનકારો અને યુનિવર્સિટીઓ ટ્વિટર પર માનવ વર્તણૂકનો અભ્યાસ કરવા માટે આ એપીઆઈ પર આધાર રાખે છે. અને તેમના માટે પેઇડ વર્ઝન લોંચ કરવાનો અર્થ એ છે કે આવા અભ્યાસમાં ઘટાડો.
આ ઉપરાંત એલન મસ્કે સત્તા સંભાળ્યા બાદ પ્રેસના સવાલોના જવાબ પણ ઘટી ગયા છે. કારણ કે ટ્રેડિશનલ મીડિયા આઉટલેટના કવરેજ અને કંપનીના કામકાજમાં ફરક જોવા મળ્યો છે. હવે તમને press@twitter.com આવતા ઇમેઇલના જવાબમાં ‘પૂપ’ ઇમોજી મળે છે.
જ્યારે ફ્રી સ્પીચના હિમાયતી મસ્કે પોતાનો સૂર બદલ્યો
44 અબજ ડોલરની જંગી રકમ ચૂકવીને ટ્વિટરના ટેકઓવરના થોડા જ મહિનાઓ બાદ, મસ્કે પોતાને “ફ્રી સ્પીચ એબ્સોલ્યુટિસ્ટ” તરીકે વર્ણવ્યો હતો. જોકે તેમના નેતૃત્વના થોડા મહિના પછી એલોન મસ્કના મુક્ત ભાષણ વિશેનો સૂર બદલાઈ ગયો છે. હવે તે પોતાની જાતને એક દેશના કાયદાનું પાલન કરનાર વ્યક્તિ તરીકે વર્ણવે છે. આ વર્ષની શરૂઆતમાં મસ્કે ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટેના નિયમોને ખૂબ જ કડક ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ટ્વિટરના કર્મચારીઓને જેલમાં મોકલવાના જોખમ કરતાં વધુ સારું તે સરકારના અવરોધિત આદેશોનું પાલન કરશે.
ટ્વિટર સાથે સ્પર્ધામાં મેટાએ થ્રેડો શરૂ કરે છે
હાલમાં જ મેટાએ ટ્વિટર સાથેની સ્પર્ધામાં એક નવું પ્લેટફોર્મ થ્રેડ્સ લોન્ચ કર્યું છે. ત્યાર બાદ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને એલોન મસ્ક વચ્ચે જંગ છેડાઇ છે. થ્રેડ્સની વાત કરીએ તો ટ્વિટર જેવા ઇન્ટરફેસવાળી આ એપ લોન્ચ થયાના થોડા કલાકોમાં જ 10 મિલિયન યુઝર્સ સાઇન અપ કરી ચૂકી છે. મેટાની વધતી સફળતા વચ્ચે મસ્કે મેતા પર કંપનીના ટ્રેડ સિક્રેટ્સ ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો અને ઝુકરબર્ગને કોર્ટમાં ઘસડી જવાની ધમકી પણ આપી હતી.





