સાઉદી અરબે જાહેરાત કરી છે કે તે પોતાની રાજધાની રિયાદમાં ‘ન્યૂ મુરબ્બા’ નામથી એક ફ્યૂચર સિટી બનાવી રહ્યું છે, જે 2030 સુધી તૈયાર થઇ જશે. સાઉદી અરબના મહત્વાકાંક્ષી વિઝન 2030 પ્રોજેક્ટ અંતર્ગત આ શહેરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સાઉદી સરકારનું કહેવું છે કે મુરબ્બામાં એવી હાઇટેક સુવિધા હશે કે જે એક રીતથી અનોખી ક્રાંતિ જેવી હશે. તેનું સંચાલન ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન કરશે.
સાઉદી અરબના ન્યૂ મુરબ્બા સિટીમાં રહેણાંક બિલ્ડિંગ, હોસ્પિટલ, રિટેલ માર્કેટ, હોટલ, મ્યૂઝિયમ અને થિયેટર જેવી તમામ સુવિધા હશે. સત્તાવાર રિલીઝ પ્રમાણે આ હાઇટેક સિટીમાં એક લાખથી વધારે પરિવારોના રહેવા માટે ઘર બનશે. આ સિવાય 9000થી વધારે હોટલ, 80 એન્ટરટેઇનમેન્ટ અને કલ્ચરલ હબનું નિર્માણ પણ થશે. મુરબ્બાની બિલ્ડિંગ પુરી હાઇટેક અને ડિજિટલ હશે.
180 બિલિયન ડોલર કમાણીનો અંદાજ
19 સ્ક્વેયર કિલોમીટરમાં બની રહેલા મુરબ્બા શહેરથી સાઉદી અરબને સારી એવી કમાણીનો પણ અંદાજ છે. સાઉદી સરકારનો અંદાજ છે કે આ હાઇટેક સિટીથી તેમની જીડીપીમાં દર વર્ષે લગભગ 47 બિલિયન ડોલર જોડાશે અને એક રીતે તેલથી થનારી કમાણી પર નિર્ભરતા ઘટશે.
મુકાબ નામની એક ભવ્ય બિલ્ડિંગ બનશે
ન્યૂ મુરબ્બાની સિટીની વચ્ચે મુકાબ નામની એક ભવ્ય બિલ્ડિંગ બનશે, જે આ શહેરનું કેન્દ્ર રહેશે. અરબીમાં મુકાબનો મતલબ થાય છે ઘનાકાર (Cube). મુકાબ 400 મીટર ઉંચી અને એટલી જ પહોળી રહેશે. તેમાં 20થી વધારે એમ્પાયર બિલ્ડિંગ આસાનીથી સમાઇ શકે છે. સાઉદી સરકારના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ ( Public Investment Fund (PIF) તરફથી મુકાબની ડિઝાઇનનો એક વીડિયો પર શેર કર્યો છે અને તેની બધી ખાસિયતો બતાવવામાં આવી છે. જોકે તેની ડિઝાઇન પર વિવાદ થયો છે.
આ પણ વાંચો – ફેબ્રુઆરીમાં વધી અસાધારણ ગરમી, વૈશ્વિક હવામાન થયું અસામાન્ય
મુકાબ માટે કેમ પસંદ કરવામાં આવી ક્યૂબ શેપ ડિઝાઇન?
મુકાબ પર વિવાદ કેમ છે તેને સમજવા માટે સૌથી પહેલા એ જાણી લો કે આ બિલ્ડિંગ માટે ઘનાકાર ડિઝાઇન જ કેમ પસંદ કરવામાં આવી? સાઉદી સરકારે પોતાની પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે મુકાબની ક્યૂબ શેપ ડિઝાઇન એ સુનિશ્ચિત કરશે કે વધારેમાં વધારે જગ્યાનો ઉપયોગ થાય. બિલ્ડિંગની અંદર લેટેસ્ટ ટેકનોલોજી અને હોલોગ્રામનો ઉપયોગ કરવામાં આવશે, જેથી અનોખો અનુભવ થાય.
સરકારના મતે મુકાબ અત્યાધુનિક નાજ્દી આર્કિટેક્ચર સ્ટાઇલમાં તૈયાર કરાશે. રણના વિસ્તારોમાં આ ડિઝાઇનને સૌથી સારી માનવામાં આવે છે. રિલીઝમાં એ પણ કહેવામાં આવ્યું કે ઘનાકાર ડિઝાઇન એટલા માટે પસંદ કરવામાં આવી કારણ કે બિલ્ડિંગની અંદર ક્લાઇમેન્ટ કંટ્રોલ કરી શકાય.
મુકાબ પર વિવાદ કેમ?
સાઉદી સરકારે મુકાબની જે ડિઝાઇન શેર કરી છે તેને જોઇને બધા લોકો તેની સરખામણી ઇસ્લામના પવિત્ર કાબાથી કરી રહ્યા છે. મક્કામાં આવેલ કાબા મુસ્લિમો માટે સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે અને કાબાની ઇમારત પણ આ પ્રકારે છે. એક વર્ગનું કહેવું છે કે મુકાબની ડિઝાઇન પવિત્ર કાબા જેવી છે અને તે એક રીતે અપમાનજનક છે.