ઇઝરાયેલ હમાસ યુદ્ધ: ઇઝરાયેલ પર હમાસના હુમલા પછી અત્યાર સુધી શું-શું થયું? 10 પોઈન્ટ્સમાં જાણો મોટી વાતો

Israel-Hamas War : એસોસિએટેડ પ્રેસે ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન આરોગ્ય એજન્સીઓને ટાંકીને જણાવ્યું હતું કે સંઘર્ષમાં ઓછામાં ઓછા 1,600 લોકો માર્યા ગયા છે. તેમાંથી 900થી વધુ ઇઝરાયેલી છે. 2,000થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમાંથી ઘણાની હાલત ગંભીર છે

Written by Ashish Goyal
Updated : October 10, 2023 21:36 IST
ઇઝરાયેલ હમાસ યુદ્ધ: ઇઝરાયેલ પર હમાસના હુમલા પછી અત્યાર સુધી શું-શું થયું? 10 પોઈન્ટ્સમાં જાણો મોટી વાતો
ઇઝરાયેલ હમાસ યુદ્ધ (સ્ક્રિનગ્રેબ)

Israel-Hamas war: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયાને આજે ચાર દિવસ વીતી ગયા છે ત્યારે ઇઝરાયેલની સેનાએ કહ્યું છે કે આખરે તેણે ગાઝા સરહદને સુરક્ષિત કરી લીધી છે. ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના મિસાઈલ હુમલા હાલમાં ચાલુ છે. આ વિસ્તારમાં ખોરાક, પાણી, ઈંધણ અને વીજળી બંધ થઈ ગઈ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઈઝરાયેલના પીએમ સાથેની વાતચીતની માહિતી આપી છે. આ દરમિયાન હમાસ શું કરી રહ્યું છે, શું કહી રહ્યા છે દુનિયાના મોટા દેશો, હમાસે આટલી મોટી કાર્યવાહી કેવી રીતે ગુપ્ત રાખી? યુરોપિયન યુનિયન (EU)નું વલણ શું છે, હાલમાં સ્થિતિ કેવી છે. 10 પોઈન્ટમાં જાણો

  1. પેલેસ્ટિનિયન નાગરિકોને ઇઝરાયેલની ચેતવણી: મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયેલની સેનાએ ગાઝાના 20 લાખથી વધુ રહેવાસીઓને રફાહ સરહદ પાર કરીને શક્ય તેટલી વહેલી તકે પડોશી ઇજિપ્ત જવાની ચેતવણી આપી છે. ઇઝરાયેલની યોજના અંગે આ ગંભીર સંકેત છે. જોકે, IDFએ આવી કોઈપણ ચેતવણીને નકારી કાઢી છે.
  2. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલના રિપોર્ટ પ્રમાણે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ રિચાર્ડ હેચટે વિદેશી પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જે કોઇપણ બહાર નીકળી શકે છે, હું તેમને બહાર નીકળવાની સલાહ આપીશ. પ્રવક્તાએ કહ્યું કે સેના વધુ વિકલ્પો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહી છે અને તે પહેલા કરતા વધુ ખતરનાક બની શકે છે.
  3. ઇઝરાયેલી વાયુસેનાએ કહ્યું કે તેણે સેંકડો આઇડીએફ સૈનિકોને મોકલ્યા છે જેઓ યુદ્ધ દરમિયાન વિદેશમાં હતા. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે 48 કલાકમાં 3 લાખથી વધુ ઇઝરાયેલી રિઝર્વ એકત્ર કરવામાં આવ્યા છે. વાયુસેનાએ લશ્કરી વિમાનમાં સવાર લોકોના ટ્વિટર પર ફોટા શેર કર્યા અને કહ્યું કે તે લડાઈ ચાલુ રાખવા માટે વધારાના દળોને એકત્ર કરવા માટે IDFના પ્રયત્નોમાં ફાળો આપી રહી છે.
  4. એસોસિએટેડ પ્રેસે ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન આરોગ્ય એજન્સીઓને ટાંકીને જણાવ્યું હતું કે સંઘર્ષમાં ઓછામાં ઓછા 1,600 લોકો માર્યા ગયા છે. તેમાંથી 900થી વધુ ઇઝરાયેલી છે. 2,000થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમાંથી ઘણાની હાલત ગંભીર છે.
  5. હમાસ દ્વારા માર્યા ગયેલા, ઇજાગ્રસ્ત થયેલા અથવા અપહરણ કરાયેલા લોકોમાં ઘણા વિદેશી નાગરિકો પણ હતા. જેમાં 18 થાઈ નાગરિકો, 11 અમેરિકનો, 10 નેપાળી, 7 આર્જેન્ટિનાના, 2 ફ્રેન્ચ નાગરિકો અને કેનેડા, યુકે અને કંબોડિયાના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે. મીડિયા અહેવાલો અનુસાર, ઘણા વિદેશીઓ ગુમ થયાની અથવા બંધક બનાવવામાં આવી હોવાની આશંકા છે.
  6. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે શનિવારના હુમલા બાદ હમાસે લગભગ 150 ઇઝરાયેલીઓને બંધક બનાવ્યા હોવાનું માનવામાં આવે છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) તેમના પરિવારોને સૂચિત કરવાની પ્રક્રિયામાં છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે જણાવ્યું હતું કે IDF 100થી વધુ ઈઝરાયેલી પરિવારોને જાણ કરવા અધિકારીઓને મોકલી રહ્યું છે કે તેમના સંબંધીઓને હમાસ દ્વારા ગાઝામાં રાખવામાં આવ્યા છે. તેણે કહ્યું કે બંધકોની સંખ્યા 100 થી 150ની વચ્ચે હોવાનો અંદાજ છે.
  7. ઇઝરાયેલના હવાઈ હુમલાના જવાબમાં, હમાસની સશસ્ત્ર પાંખના પ્રવક્તા અબુ ઓબેદાએ સોમવારે રાત્રે જણાવ્યું હતું કે જ્યારે પણ ઇઝરાયેલ ગાઝામાં તેમના ઘરોમાં નાગરિકોને પૂર્વ ચેતવણી વિના નિશાન બનાવશે, ત્યારે જૂથ ઇઝરાયેલી નાગરિકને મારી નાખશે. એલી કોહેને જૂથને ચેતવણી આપતા કહ્યું કે આ યુદ્ધ અપરાધ માફ કરવામાં આવશે નહીં.
  8. હમાસ નેતૃત્વના ટોચના સભ્યએ કહ્યું કે તેને “ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ” કહેવામાં આવ્યું હતું. આ યોજના અડધા ડઝન લોકો સિવાય બધાથી ગુપ્ત રાખવામાં આવી હતી. હમાસના નેતાએ કહ્યું કે ઓપરેશન તેમની અપેક્ષાઓ કરતાં વધુ સફળ રહ્યું છે.
  9. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસની તુલના ISIS સાથે કરી હતી અને કહ્યું હતું કે ઇઝરાયલે આ યુદ્ધ શરૂ કર્યું નથી, પરંતુ તે તેનો અંત કરશે. ઇઝરાયેલ યુદ્ધમાં છે. નેતન્યાહુએ મંગળવારે સવારે રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું. અમે આ યુદ્ધ ઇચ્છતા ન હતા, તે અમારા પર ખૂબ જ ક્રૂર અને બર્બર રીતે લાદવામાં આવ્યું હતું. ઇઝરાયેલે આ યુદ્ધ શરૂ કર્યું ન હતું પણ ઇઝરાયેલ તેને સમાપ્ત કરશે.
  10. ઇઝરાયેલના નજીકના સાથી અમેરિકાએ ઇઝરાયેલને અતૂટ સમર્થન આપવાનું વચન આપ્યું અને કહ્યું કે તે તેલ અવીવને સંપૂર્ણ મદદ કરશે. ભારતે પણ ઈઝરાયેલને સમર્થન આપવાની વાત કહી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ