India and Canada : ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને ખરાબ થઇ રહેલા સંબંધો વચ્ચે કેનેડાની સરકારે ભારત પર નવા આરોપો લગાવ્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વધારે વણસ્યા છે. આ કેસમાં બંને દેશોએ પોતપોતાના દેશમાંથી એક-એક ડિપ્લોમેટને હાંકી કાઢ્યા છે. ફૂટનીતિક રીતથી બંને દેશો વચ્ચે પહેલાથી જ ઘણા મતભેદો છે. હાલમાં નવી દિલ્હીમાં યોજાયેલી જી-20 સમિટમાં પણ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અલગ-અલગ રહ્યા હતા. તેમની પીએમ મોદી સાથે મુલાકાત પણ તેમની યાત્રાના અંતિમ દિવસે થઇ હતી.
જી-20 દરમિયાન પીએમ મોદીએ ઉઠાવ્યો હતો ખાલિસ્તાનનો મુદ્દો
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સમક્ષ શીખ અલગતાવાદીઓને સંરક્ષણ આપવા અને ભારતીય રાજદ્વારીઓ પરના હુમલાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેના પર તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી. ટ્રુડો પરત ફર્યા બાદ કેનેડાએ આવતા મહિને (ઓક્ટોબરમાં) ભારત સાથેનું તેનું પ્રસ્તાવિત ટ્રેડ મિશન રદ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે આ એ જ નારાજગીનું પરિણામ છે. કેનેડાના વેપાર મંત્રી મૈરી એનજીએ સ્થગિત રાખવાનું કોઈ કારણ આપ્યું નથી.
રાજદ્વારી ખેંચતાણને કારણે મુક્ત વેપાર સમજુતી પર વાતચીત અટકી ગઈ
નિષ્ણાંતોના મતે ભારત અને કેનેડા વચ્ચેના તણાવપૂર્ણ રાજદ્વારી સંબંધોની અસર બંને દેશો વચ્ચેના વેપાર અને રોકાણ પર પડે તેવી શક્યતા ઓછી છે, કારણ કે આર્થિક સંબંધો વ્યાવસાયિક વિચારોથી પ્રેરિત હોય છે. ભારત અને કેનેડા બંને પૂરક ઉત્પાદનોનો વેપાર કરે છે અને સમાન ઉત્પાદનો પર સ્પર્ધા કરતા નથી. તેમનું કહેવું છે કે વેપારી સંબંધો વધતા રહેશે અને રોજબરોજની ઘટનાઓથી પ્રભાવિત નહીં થાય. કેટલાક રાજકીય ઘટનાક્રમોને કારણે બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટો અટકી પડી છે.
આ પણ વાંચો – નેહરુ-આંબેડકરથી લઈને ઈમરજન્સીનો ઉલ્લેખ, ઈતિહાસની યાદ અને ભવિષ્યનું સ્વપ્ન… પીએમ મોદીના સંબોધનની મોટી બાબતો
ભારત કેનેડામાં ઘણા પ્રકારના ઉત્પાદનોનું નિકાસ કરે છે. જેમાં ઓર્ગેનિક કેમિકલ્સ, દવાઓ, ફાર્મા પ્રોડક્ટ્સ, આયર્ન, સ્ટીલ, જ્વેલરી, ડેકોરેટિવ સ્ટોન્સ, રેડીમેડ ગાર્મેન્ટ્સ અને કેટલાક એન્જિનિયરિંગ સાધનોનો સમાવેશ થાય છે. બીજી તરફ ભારત મુખ્યત્વે કેનેડાથી લોખંડના ભંગાર, ખનીજ, ન્યૂઝ પ્રિન્ટ, વુડ પલ્પ, પોટાશ, ઔદ્યોગિક કેમિકલ્સ અને દાળ વગેરે આયાત કરે છે. ભારતમાં કેનેડાની 600 જેટલી કંપનીઓ કાર્યરત છે. બીજી તરફ ઘણી ભારતીય કંપનીઓ કેનેડામાં બિઝનેસ કરે છે.
શિક્ષણમાં બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારી
આ ઉપરાંત ભારત અને કેનેડા વચ્ચે શિક્ષણ ક્ષેત્રે મજબૂત ભાગીદારી છે. ભારતીય અને કેનેડિયન સંસ્થાઓ વચ્ચે 200થી વધુ શૈક્ષણિક ભાગીદારી છે. આ સિવાય જીટીઆરઆઈના જણાવ્યા મુજબ કેનેડાની સંસ્થાઓમાં 3,19,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. આ તેમને કેનેડાનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જૂથ બનાવે છે.
2021માં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં આ 20 ટકા હતું. કેનેડિયન બ્યુરો ફોર ઇન્ટરનેશનલ એજ્યુકેશન (સીબીઆઇઇ) પ્રમાણે ભારતીય વિદ્યાર્થીઓએ 2021માં કેનેડાના અર્થતંત્રમાં 4.9 બિલિયન અમેરિકન ડોલરનું યોગદાન આપ્યું હતું. શૈક્ષણિક ભાગીદારી પરસ્પર હોય છે અને તેથી વર્તમાન પરિસ્થિતિની સંબંધો પર કોઈ અસર ન થઈ શકે.





