પૂર્વ આફ્રિકન દેશ યુગાંડાની રાજધાની કમ્પાલામાં એક ભારતીય વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 21 લાખ શિલિંગ (46 હજાર રૂપિયા)ની લોન માટે પોલીસ કોન્સ્ટેબલે એક ભારતીય બેંકરની હત્યા કરી નાખી હતી. પોલીસ કોન્સ્ટેબલે ઓફ ડ્યૂટી આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે એકે 47 રાઇફલથી અનેક વખત ફાયરિંગ કર્યું હતું. બતાવવામાં આવી રહ્યું છે કે આરોપી માનસિક બીમારીને કારણે અગાઉ બે વાર હોસ્પિટલમાં પણ રહી ચુક્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘટના સમયે આરોપી પોલીસ કોન્સ્ટેબલ ડ્યૂટી પર ન હતો. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. કમ્પાલા મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે 12 મેના રોજ ભારતીય બેંકર ઉત્તમ ભંડારી પર કથિત રીતે ફાયરિંગ કરવાના આરોપમાં પોલીસ કોન્સ્ટેબલ ઇવાન વાબવાયરની ધરપકડ કરવામાં આવી છે. કમ્પાલાના અખબાર ડેઇલી મોનિટરના સમાચાર અનુસાર ઘટનાસ્થળના વીડિયો ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે વાબવાયરે ઉત્તમ ભંડારી પર ઘણી વખત ખૂબ નજીકથી ફાયરિંગ કર્યું હતું.
પોલીસે એમ પણ કહ્યું હતું કે ઉત્તમ ભંડારી ટીએફએસ ફાઇનાન્સિયલ સર્વિસિસના ડિરેક્ટર હતા અને વાબવાયર તેમના ગ્રાહક હતા. રિપોર્ટ પ્રમાણે કોન્સ્ટેબલે કંપની પાસેથી ઉધાર લીધેલી રકમ અંગે બંને વચ્ચે થોડી ગેરસમજ થઈ હતી. 12 મેના રોજ જ્યારે ઇવાન વાબવાયરને તેના દેવા વિશે વાત કરી તો તેણે ઉત્તમ સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું. તેણે દાવો કર્યો હતો કે લોનની રકમ વધારીને બતાવવામાં આવી હતી.
આ પણ વાંચો – પાકિસ્તાન : જે ચીફ જસ્ટિસે ઇમરાન ખાનને છોડવાનો આદેશ આપ્યો , તેમને હટાવી દેશે શહબાઝ સરકાર!
કમ્પાલા મેટ્રોપોલિટન પોલીસના પ્રવક્તા પેટ્રિક ઓન્યાંગોએ ડેઇલી મોનિટરને જણાવ્યું હતું કે ભંડારીને ગોળી માર્યા બાદ વાબવાયર તેની એકે-47 રાઇફલ ત્યાં જ છોડીને ભાગી ગયો હતો. વાબવાયરે રૂમમાં રહેતા સાથી પોલીસ કર્મી પાસેથી રાઇફલ ચોરી લીધી હતી. પોલીસને ઘટના સ્થળેથી 13 ગોળીઓ મળી આવી છે. પોલીસે જણાવ્યું હતું કે વાબવાયર અગાઉ માનસિક બીમારીથી પીડિત હતો અને માનસિક સ્વાસ્થ્યને કારણે બે વાર હોસ્પિટલમાં રહ્યો હતો. આ પછી તેના પર શસ્ત્રો રાખવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વાબવાયરને હાલમાં પૂર્વ યુગાંડાના બુસિયા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે.
ન્યૂઝ પોર્ટલ નીલ પોસ્ટના અહેવાલ મુજબ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ જ્યોફ્રી તુમુસીમ કાત્સિગાઝી યુગાંડામાં ભારતીય સમુદાયના સભ્યોને મળ્યા હતા અને તેમને તેમની સલામતીની ખાતરી આપી હતી. યુગાંડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ સુરક્ષા દળો પાસેથી જવાબ માંગ્યો છે કે એક ઓફ ડ્યુટી પોલીસકર્મીને હથિયાર કેવી રીતે મળી ગયું.