Iran Blasts : 2020માં અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઇરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સના જનરલ કાસિમ સુલેમાનીની ચોથી વરસી પર થઇ રહેલા એક સમારોહમાં થયેલા બે વિસ્ફોટોમાં 100 થી વધુ લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઈરાની અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી.
ઇરાનની ઇમરજન્સી સેવાઓના પ્રવક્તા બાબાક યેકતાપારસ્તે જણાવ્યું હતું કે 73 લોકો માર્યા ગયા છે અને 170 લોકો ઘાયલ થયા છે. સરકારી ટેલિવિઝને પાછળથી કહ્યું હતું કે ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા છે. આ હુમલાઓની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી.
રિપોર્ટ પ્રમાણે આ બ્લાસ્ટ ઈરાનના કેરમાન શહેરમાં ઈરાની સેનાના પૂર્વ જનરલ સુલેમાનીની કબર પાસે થયો હતો. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ રસ્તાની બાજુમાં કબ્રસ્તાન નજીક થયો હતો. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ બ્લાસ્ટ કયા કારણોસર થયો કે પછી આતંકી હુમલો છે.
એક અનામી અધિકારીએ સરકારી સમાચાર એજન્સી આઈઆરએનએને જણાવ્યું હતું કે કેરમાનના કબ્રસ્તાન તરફ જતા રસ્તા પર લગાવવામાં આવેલા બે વિસ્ફોટક ઉપકરણોને આતંકવાદીઓ દ્વારા દૂરથી વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – ‘મને લાગ્યું કે હું મરી જઈશ’, જાપાન પ્લેન ક્રેશમાંથી બચી ગયેલા પેસેન્જરે કહ્યું અંદરનું દ્રશ્ય કેવું હતું
રિપોર્ટ મુજબ જે કબ્રસ્તાન પાસે આ બ્લાસ્ટ થયા છે તે પૂર્વ જનરલ સુલેમાનીની કબર છે. જે સમયે બ્લાસ્ટ થયા હતા તે સમયે તેમના મોતની ચોથી વરસી મનાવવામાં આવી રહી હતી. વિસ્ફોટો બાદ ઘટના સ્થળે નાસભાગ મચી ગઈ હતી. હાલ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે જ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભાગદોડના કારણે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
ઘણા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે કબ્રસ્તાન તરફ જતા રસ્તા પર અનેક ગેસ કન્ટેનરમાં વિસ્ફોટ થયો છે. પરંતુ સ્થાનિક અધિકારીએ હાલ કોઈ વાતની પુષ્ટિ કરી નથી. આ ઘટનાને આતંકવાદી હુમલો પણ માનવામાં આવી રહ્યો છે.
પૂર્વ જનરલ સુલેમાની 3 જાન્યુઆરી 2020ના રોજ બગદાદ એરપોર્ટ પર યુએસના ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. સુલેમાની ઇરાનમાં ઘણા પાવરફૂલ વ્યક્તિ હતા. સુપ્રીમ લીડર અયાતોલ્લાહ ખોમેની પછી તેમને ઈરાનમાં બીજા નંબરના સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવતા હતા.





