Hamas Israel War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. 5 દિવસ સુધી ચાલેલા યુદ્ધવિરામના અંતની સાથે જ ગાઝા પટ્ટી પર ફરી એકવાર બોમ્બનો વરસાદ થવા લાગ્યો. શુક્રવારે (1 ડિસેમ્બર) સવારે યુદ્ધવિરામ સમાપ્ત થયો, ત્યારબાદ ઇઝરાયેલી સેનાએ ગાઝામાં હવાઈ હુમલો કર્યો. ગાઝા પર તાજેતરના ઇઝરાયલી બોમ્બમારામાં લગભગ 175 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.
શુક્રવારે ઇઝરાયેલે ફરી એકવાર હમાસના સ્થાનોને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા. યુદ્ધવિરામ સમાપ્ત થતાંની સાથે જ રોકેટ ફાયરિંગ, હવાઈ હુમલા અને જમીની લડાઈ પણ શરૂ થઈ ગઈ છે. ઇઝરાયેલી સૈન્યએ હમાસ પર દક્ષિણ ઇઝરાયેલ તરફ રોકેટ છોડવાનો આરોપ મૂક્યો હતો, ત્યારબાદ IDFએ ગાઝા પટ્ટીમાં હમાસના સ્થાનો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. આ સાથે ગાઝામાં લડાઈનો બીજો તબક્કો શરૂ થયો છે.
યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી ગાઝા પર ઇઝરાયેલ બોમ્બમારો
પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે હમાસ સાથેના યુદ્ધવિરામના અંત પછી ગાઝા પર ઇઝરાયેલી બોમ્બમારામાં લગભગ 180 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. આ બોમ્બ ધડાકામાં 589 લોકો ઘાયલ પણ થયા હતા. હમાસ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદનું કહેવું છે કે તેઓએ દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલના શહેરો તરફ રોકેટ છોડવાનું ફરી શરૂ કર્યું છે. તે જ સમયે, પેલેસ્ટિનિયન રેડ ક્રેસેન્ટનું કહેવું છે કે ઇઝરાયેલની સેના રફાહ બોર્ડર ક્રોસિંગ દ્વારા ગાઝામાં પ્રવેશતા સહાયક ટ્રકોને રોકી રહી છે.
બીજી તરફ, બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહેલા કતાર, ઇજિપ્ત અને અમેરિકાનું કહેવું છે કે તેઓ ગાઝામાં માનવતાવાદી યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે હમાસે તેના પ્રદેશ પર રોકેટ ફાયર કરીને સાત દિવસીય યુદ્ધવિરામનો અંત લાવી દીધો છે. ઈઝરાયેલે શુક્રવારથી જ બોમ્બમારો શરૂ કરી દીધો છે. ઈઝરાયેલની સેના હવે ધીમે ધીમે ગાઝા પટ્ટીના દક્ષિણી ભાગ તરફ આગળ વધી રહી છે.





