Israel Hamas war, Latest updates : આજથી એટલે કે શુક્રવારથી ચાર દિવસ માટે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુદ્ધવિરામ થવા જઇ રહ્યો છે. અમેરિકાના હસ્તક્ષેપ બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે એક સમજૂતી થઈ છે જે અંતર્ગત ચાર દિવસનો યુદ્ધવિરામ લાગુ થવા જઈ રહ્યો છે અને બંધકોની મુક્તિ પણ શરૂ થશે. સવારે 7 વાગ્યાથી ઔપચારિક યુદ્ધવિરામ લાગુ કરવામાં આવશે, જ્યારે બંધકોને મુક્ત કરવાની પ્રક્રિયા પણ બપોરે 4 વાગ્યાથી શરૂ થશે.
શું સમજૂતી થઈ છે?
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અમેરિકા, ઈજિપ્ત અને કતારના હસ્તક્ષેપ બાદ ઈઝરાયેલ અને હમાસ બંને એક સમજૂતી પર પહોંચી શક્યા હતા અને ત્યારબાદ 7 ઓક્ટોબરે શરૂ થયેલું યુદ્ધ થોડા દિવસો માટે બંધ થઈ ગયું હતું. પહેલા આ યુદ્ધવિરામ ગુરુવારથી જ થવાનો હતો, પરંતુ બાદમાં તેમાં એક દિવસનો વિલંબ થયો હતો. હાલ માટે કરવામાં આવેલ ડીલ હેઠળ, ઇઝરાયેલ 150 પેલેસ્ટિનિયન બંધકોને મુક્ત કરશે જ્યારે હમાસ પણ 50 બંધકોને મુક્ત કરશે.
શું યુદ્ધવિરામ વધુ લંબાશે?
અહીં એ સમજવું જરૂરી છે કે હમાસ સૌથી પહેલા મહિલાઓ અને બાળકોને બચાવે છે. ઇઝરાયેલે એક નિવેદનમાં એમ પણ કહ્યું છે કે મુક્ત કરાયેલા દરેક 10 વધારાના બંધકો માટે યુદ્ધવિરામ લંબાવી શકાય છે. તેનો અર્થ એ છે કે જો હમાસ સમયાંતરે તેના બંધકોને મુક્ત કરવાનું ચાલુ રાખશે તો આ લોહિયાળ યુદ્ધનો પણ અંત આવશે. પરંતુ અત્યારે ચાર દિવસ પર ફોકસ છે અને કેટલા બંધકોને છોડવામાં આવે છે તેના પર સૌની નજર છે.
અત્યાર સુધીમાં કેટલા જીવ ગયા?
આ યુદ્ધમાં ગાઝામાં અત્યાર સુધીમાં 14,000થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઈઝરાયેલમાં પણ 1200 લોકોએ જીવ ગુમાવ્યા છે. હકીકતમાં, 7 ઓક્ટોબરે હમાસે અચાનક ઇઝરાયેલ પર હુમલો કર્યો અને તેના નાગરિકોને પણ મારી નાખ્યા. એ હુમલા પછી જ ઈઝરાયેલ સરકારે હમાસને ખતમ કરવાની જાહેરાત કરી અને આ યુદ્ધ શરૂ થઈ ગયું.





