Israel Hamas War : ઇઝરાયલ-હમાસ યુદ્ધથી ગાઝામાં 15 લાખ લોકો બેઘર, નથી ભોજન કે પાણી: 20 પોઈન્ટમાં લેટેસ્ટ અપડેટ્સ જાણો

Israel Hamas War In Gaza : ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ ચાલુ છે. શનિવારે મોડી રાત્રે મધ્ય ગાઝામાં શરણાર્થી શિબિર પર ઇઝરાયલના હુમલામાં 30 થી વધુ લોકો માર્યા ગયા હતા. આરબ રાષ્ટ્રો અને અમેરિકા વચ્ચે મતભેદો પણ વધી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે તાત્કાલિક યુદ્ધવિરામ અને રાહતની અપીલ કરી છે.

Written by Ajay Saroya
November 05, 2023 12:43 IST
Israel Hamas War : ઇઝરાયલ-હમાસ યુદ્ધથી ગાઝામાં 15 લાખ લોકો બેઘર, નથી ભોજન કે પાણી: 20 પોઈન્ટમાં લેટેસ્ટ અપડેટ્સ જાણો
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. (Photo- Social Media)

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વની ચિંતા વધી રહી છે. બંને તરફથી થયેલા હુમલાઓને કારણે ગાઝામાં સામાન્ય લોકોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ઈઝરાયેલની ઘેરાબંધીના કારણે ગાઝામાં માનવીય સંકટ દિવસેને દિવસે વિકટ બની રહ્યું છે. હોસ્પિટલોમાં વપરાતા જનરેટર માટે ઈંધણ, ભોજન, પીવાનું પાણીની તીવ્ર અછત વર્તાઈ રહી છે. આને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે તાત્કાલિક યુદ્ધવિરામ અને રાહતની અપીલ કરી છે. શનિવારે મોડી રાત્રે મધ્ય ગાઝામાં શરણાર્થી શિબિર પર ઇઝરાયલી હુમલામાં 30 થી વધુ લોકો માર્યા ગયા હતા. આરબ રાષ્ટ્રો અને અમેરિકા વચ્ચેના મતભેદો પણ વધી રહ્યા છે. તાજેતરના હુમલાથી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, ગાઝાની 70 ટકા વસ્તી એટલે કે 15 લાખ લોકોને આ યુદ્ધને કારણે ઘર છોડવું પડ્યું છે. ઈઝરાયલ હમાસ યુદ્ધ વિશે 20 મુદ્દામાં સમજો.

  1. ઇઝરાયેલી સેનાએ શનિવારે ગાઝા પટ્ટીના મુખ્ય યુદ્ધ ક્ષેત્રમાં યુએન આશ્રયસ્થાન અને હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો, જેમાં ઘણા નાગરિકો માર્યા ગયા. હમાસ શાસિત ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલા અને નાગરિકોના મોતની વધતી સંખ્યાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે આક્રોશ વધી રહ્યો છે.
  2. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે તેણે હમાસને ખતમ કરવા માટે ગાઝા શહેરને ઘેરી લીધું છે પરંતુ શનિવારે દક્ષિણમાં યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા નાગરિકો માટે ત્રણ કલાકનો સલામત માર્ગ રાહત આપી છે. ઈઝરાયેલ દ્વારા તાજા હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન આ ક્ષેત્રમાં છે અને લડાઈમાં ફસાયેલા નાગરિકોની પીડાને હળવી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
  3. એન્ટોની બ્લિંકન ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની વાતચીતના બીજા દિવસે શનિવારે જોર્ડનમાં આરબ દેશોના વિદેશ પ્રધાનોને મળ્યા હતા. તેમજ નેતન્યાહૂએ ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યાં સુધી હમાસ દ્વારા બંધક કરાયેલા તમામ બંધકોને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ અસ્થાયી યુદ્ધવિરામ થઈ શકે નહીં. ઇજિપ્તના અધિકારીઓ, જેમણે ઓળખ કરવાનો ઇનકાર કર્યો હતો, જણાવ્યું હતું કે તેમના દેશ અને કતારએ દિવસના છ થી 12 કલાક સુધી લડાઈના માનવતાવાદી વિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો જેથી રાહત પહોંચાડી શકાય અને ઘાયલોને બહાર કાઢી શકાય.
  4. તેઓ ઇઝરાયલને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને મુક્ત કરવાના બદલામાં મહિલાઓ અને વૃદ્ધ કેદીઓને મુક્ત કરવા માટે કહી રહ્યા છે, પરંતુ તેલ અવીવ આ સાથે સંમત હોય તેવું લાગતું નથી. ઇઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝાના 1.1 મિલિયન લોકોને દક્ષિણ તરફ જવા માટે વારંવાર હાકલ કરી છે કારણ કે તેણે ઉત્તર તરફ બોમ્બમારો વધાર્યો હતો અને શહેરની ઘેરાબંધી કરી હતી.
  5. તાજેતરના દિવસોમાં દક્ષિણ તરફ જતા ઘણા લોકો માર્યા ગયા છે અને ઇઝરાયેલ દક્ષિણમાં બોમ્બમારો ચાલુ રાખે છે. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે કામ કરતી યુએન એજન્સીના જણાવ્યા અનુસાર, શનિવારે ઉત્તરી ગાઝામાં યુએન દ્વારા સંચાલિત શાળા-કમ-આશ્રય ગૃહ પર બે બોમ્બે ફેંક્યા, જેમાં ઘણા લોકો માર્યા ગયા. હુમલા દરમિયાન લોકો તંબુમાં હાજર હતા અને મહિલાઓ ભોજન બનાવી રહી હતી.
  6. એજન્સીના પ્રવક્તા જુલિયટ તૌમાએ કહ્યું કે પ્રારંભિક અહેવાલો અનુસાર, 20 લોકો માર્યા ગયા છે પરંતુ એજન્સીએ હજુ સુધી આની પુષ્ટિ કરી નથી. ગાઝામાં હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શાળામાં 15 લોકો માર્યા ગયા હતા અને 70 અન્ય ઘાયલ થયા હતા. આ શાળામાં હજારો લોકોએ આશ્રય લીધો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા મેધાત અબ્બાસના જણાવ્યા અનુસાર, ગાઝા સિટીમાં નસ્ર હોસ્પિટલના ગેટ પર શનિવારે થયેલા હુમલામાં બે લોકો માર્યા ગયા હતા.
  7. આરબ નેતાઓ, ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં હજારો પેલેસ્ટિનિયનોના મૃત્યુની નિંદા કરતા, શનિવારે તાત્કાલિક યુદ્ધવિરામ માટે દબાણ કર્યું, જ્યારે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટોની બ્લિંકને ચેતવણી આપી કે આ પ્રકારનું પગલું પ્રતિકૂળ હશે અને આતંકવાદી જૂથને વધુ હિંસા કરવા માટે પ્રોત્સાહન આપશે. .
  8. ઇજિપ્ત, જોર્ડન, સાઉદી અરેબિયા, કતાર અને અમીરાતના રાજદ્વારીઓ સાથે બપોરે વાટાઘાટો પછી, બ્લિંકને ચર્ચાને ગાઝામાં નાગરિકોની સુરક્ષા અને સહાય પહોંચાડવાની સહિયારી રજૂઆત કરી હતી. આરબ દેશો અને બ્લિન્કનના સંદેશાઓ વચ્ચેની વિસંગતતા સ્પષ્ટ છે. બ્લિંકને આ બેઠકના એક દિવસ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે બંધ બારણે વાતચીત કરી હતી.
  9. આરબ પ્રધાનો વારંવાર યુદ્ધ અટકાવવા અને ઇઝરાયેલની યુદ્ધ રણનીતિની નિંદા કરી રહ્યા છે. “અમે ગાઝામાં પેલેસ્ટિનિયનોની ‘સામૂહિક સજા’ને સ્વ-બચાવના અધિકાર તરીકે સ્વીકારી શકતા નથી,” ઇજિપ્તના રાજદ્વારી સમેહ શૌકરીએ કહ્યું. “આ કાયદેસર સ્વ-બચાવ બિલકુલ ન હોઈ શકે.”
  10. બ્લિંકન અમેરિકાના એ વલણ પણ અડગ છે કે, સંઘર્ષ વિરામથી ઈઝરાયલના 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા ઓચિંતા હુમલા બાદ પોતાના નાગરિકોને સુરક્ષિત રાખવાની જવાબદારી અને પોતાના અધિકારોને નુકસાન પહોંચાડશે. તેમણે કહ્યું કે ઇઝરાયેલના સ્વ-બચાવના અધિકારને સમર્થન આપવા માટે બિડેન વહીવટીતંત્ર મક્કમપણે પ્રતિબદ્ધ છે.
  11. બ્લિંકને કહ્યું, “અમે માનીએ છીએ કે યુદ્ધવિરામ હમાસને ફરીથી ઉભી થવાની તક આપશે અને તેમણે જે કર્યું તેનું પુનરાવર્તન કરી શકશે.” તેમણે કહ્યુ કે, અમેરિકા ગાઝાના નાગરિકો સુધી સહાયતા પહોંચાડવા માટે ઈઝરાયલના અભિયાનમાં માનવીય અલ્પ વિરામનું સમર્થન કરે છે.
  12. બ્લિંકનની અપીલને એક દિવસ પહેલા નેતન્યાહુએ ફગાવી દીધી હતી. આરબ અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે ગાઝાના યુદ્ધ પછીના ભવિષ્ય વિશે ચર્ચા કરવી ખૂબ જ વહેલું હતું, જે બ્લિન્કેનની મુખ્ય એજન્ડાની બાબતો પૈકીની એક છે. તેમણે કહ્યું હતું કે હત્યાઓ અટકાવવી અને માનવતાવાદી સહાય પુનઃસ્થાપિત કરવી એ તાત્કાલિક પગલાં છે જે સૌથી પહેલા લેવાની જરૂર છે.
  13. બેરુતથી હમાસના એક વરિષ્ઠ અધિકારી ઓસામા હમદાને પત્રકારોને જણાવ્યું હતું કે બિડેને “આક્રમકતા બંધ કરવી જોઈએ અને અમલમાં ન આવી શકે તેવા વિચારોને આગળ ન મૂકવા જોઈએ.” હમદાને કહ્યું કે ગાઝાનું ભાવિ પેલેસ્ટિનિયન દ્વારા નક્કી કરવામાં આવશે અને અરબના વિદેશ મંત્રીઓએ અમેરિકન રાજદ્વારીને જણાવવું જોઇએ કે, “તે પેલેસ્ટિનિયન લોકો વિરુદ્ધ અરબ ગઠબંધન બનાવી શકતા નથી”.
  14. બ્લિંકન પ્રથમ વખત જોર્ડનમાં લેબનોનના કાર્યવાહક વડાપ્રધાન નજીબ મિકાતીને મળ્યા હતા. આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ લેબનોનમાં સ્થિત છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બ્લિંકને “લેબનોનને યુદ્ધમાં ખેંચી જવાથી રોકવામાં” તેમના નેતૃત્વ માટે મિકાતીનો આભાર વ્યક્ત કર્યો હતો.
  15. અમેરિકી વિદેશ મંત્રીએ કતારના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી. કતાર હમાસ સાથે સૌથી પ્રભાવશાળી વાટાઘાટકાર તરીકે ઉભરી આવ્યું છે. બ્લિંકને પેલેસ્ટિનિયન શરણાર્થીઓને મદદ કરતી યુએન એજન્સીના વડા ફિલિપ લાઝારિની સાથે પણ વાત કરી હતી.
  16. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ કહ્યું કે નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ ન થવો જોઈએ. તેણે હમાસને બંધક બનાવવામાં આવેલા લગભગ 240 લોકોને મુક્ત કરવાની માંગ કરી હતી.
  17. ગાઝા સિટીની ઉત્તરે આવેલા શાતી શરણાર્થી શિબિરમાં સંગઠનના નિર્વાસિત નેતા ઈસ્માઈલ હનીયેહનું ઘર શનિવારે એક હવાઈ હુમલામાં નાશ પામ્યું હતું, એમ ગાઝામાં હમાસ સંચાલિત મીડિયા ઓફિસે જણાવ્યું હતું. જો કે, કોઈ નુકસાન અથવા જાનહાનિ વિશે તાત્કાલિક કોઈ માહિતી નથી.
  18. હમાસના વરિષ્ઠ અધિકારી ગાઝી હમાદે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે આ ઘરનો ઉપયોગ હનીયેહના બે પુત્રો દ્વારા કરવામાં આવતો હતો. ઇઝરાયેલ દ્વારા ગત રાત્રિના હવાઈ હુમલા દરમિયાન શહેરના પશ્ચિમી ભાગ અને અલ-કુદ્સ હોસ્પિટલ નજીકના વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યા હતા. પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટના જણાવ્યા અનુસાર, શનિવારે બપોરે હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડના પ્રવેશદ્વાર પર શેલ વાગતા ઓછામાં ઓછા 21 લોકો ઘાયલ થયા હતા.
  19. ખાન યુનિસના મધ્ય ભાગમાં ઈઝરાયેલે શનિવારે એક ઘર પર બોમ્બમારો કર્યો હતો અને બચાવકર્મીઓએ બાદમાં કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા, જ્યારે છ અન્ય લોકો ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે હાજર એસોસિએટેડ પ્રેસના કેમેરામેનના જણાવ્યા અનુસાર મૃતકોમાં એક બાળક પણ સામેલ છે.
  20. ઇઝરાયલની સેનાએ કહ્યું કે, હવે સેના દક્ષિણ ગાઝામાં સશસ્ત્ર વાહનો સાથે પણ કાર્યવાહી કરી રહી છે અને એન્જિનિયરિંગ સૈન્ય ઇમારતોમાં લગાવવામાં આવેલા અવરોધોને દૂર કરવા માટે કામ કરી રહી છે. સેનાએ કહ્યું કે ઓપરેશન દરમિયાન લડવૈયાઓ સુરંગમાંથી બહાર આવતા જોવા મળ્યા હતા, જેમને ઇઝરાયલી સૈનિકોએ ઠાર કર્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ