Israel Hamas War : લેબનોન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ઉતરવા માટે તૈયાર છે. સંગઠનનું કહેવું છે કે તે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે અમારી કાર્યવાહી ક્યારે શરૂ કરીશું તે અંગે નિર્ણય લેવામાં આવશે. હિઝબુલ્લાહને ઈરાન અને લેબનોનનું સમર્થન છે. ઈઝરાયેલ સાથે તે પહેલા પણ લડાઇ લડી ચુક્યું છે. હાલમાં પણ તેણે ઈઝરાયેલમાં કેટલીક જગ્યાએ ફાયરિંગ કર્યું છે.
હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ નઈમ કાસિમે મીડિયાને જણાવ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જ્યારે તેમને લાગશે કે સમય યોગ્ય છે, ત્યારે તેઓ ઈઝરાયેલની સેનાને પાઠ ભણાવવા માટે પેલેસ્ટાઈન સમર્થિત સંગઠન હમાસ સાથે હાથ મિલાવશે. નઈમ કાસિમનું નિવેદન એવા સમયે આવી રહ્યું છે. જ્યારે હમાસ સામે ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરીને ગાઝા પટ્ટી પર હુમલો કર્યો છે અને 1900થી વધુ લોકો માર્યા ગયા છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ઈઝરાયલી સેનાના ગોળીબારમાં નાગરિકોના મોત થયા છે.
આ પણ વાંચો – ઈઝરાયેલે સીરિયાના બે એરપોર્ટ પર બોમ્બ ફેંક્યા, જાણો યુદ્ધ સાથે જોડાયેલી મહત્વની બાબતો
બીજી તરફ અમેરિકન સાંસદોએ કહ્યું છે કે હમાસ દ્વારા કરવામાં આવેલો હુમલો યુરોપમાં યહૂદીઓ પર નરસંહાર પછી સૌથી ઘાતક હુમલો છે. સાંસદોએ આ વાત ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લઈને કહી હતી. તેણે કહ્યું કે લડાઈ ખતરનાક બની ગઈ છે.
સાંસદ જેમી રાસ્કીને ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (FIIDS) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હમાસ દ્વારા ઈઝરાયેલમાં નાગરિકો પર કરવામાં આવેલા આતંકવાદી હુમલાઓ યુરોપમાં યહૂદીઓના નરસંહાર પછી સૌથી વધુ વ્યાપક અને ઘાતક છે. ભારતીય-અમેરિકનોના સમૂહને સંબોધતા રાસ્કિને કહ્યું કે હમાસ અને પેલેસ્ટિનિયન લોકો વચ્ચે તફાવત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે હમાસ પેલેસ્ટાઈનના લોકો માટે બોલતું નથી. એ જ રીતે હમાસના ગુનાઓ માટે પેલેસ્ટાઈનના લોકો જવાબદાર નથી.





