Israel Hamas War : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ચાર દિવસ રોકવામાં આવ્યું છે. જે ડીલ થઇ તેના પર હમાસે અમલ કરવાનો શરૂ કરી દીધું છે. યુદ્ધના 49માં દિવસે હમાસે 25 બંધકોને મુક્ત કર્યા છે. જેમાંથી 13 બંધકો ઈઝરાયેલના છે, જ્યારે 10 બંધકો થાઈલેન્ડના અને એક બંધક ફિલિપીન્સનો છે. થાઇલેન્ડના વડાપ્રધાન શ્રેયા થાવિસિને આ વાતની પુષ્ટિ કરી છે. હમાસે ગાઝામાંથી કુલ 24 બંધકોને મુક્ત કર્યા છે. દૂતાવાસના અધિકારીઓ ટૂંક સમયમાં બંધકો સુધી પહોંચવાના છે. મુક્ત કરાયેલા બંધકોના નામ અને અન્ય વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
થાઇલેન્ડની વડાપ્રધાન શ્રેયા થકસીને સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે સુરક્ષા વિભાગ અને આંતરિક મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તેમના 12 નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ તેમના નામ અને અન્ય માહિતી શેર કરવામાં આવશે.
કરાર મુજબ હમાસ ચાર દિવસમાં બાળકો અને મહિલાઓ સહિત 50 બંધકોને મુક્ત કરશે. આ સાથે જ ઇઝરાયેલના દરેક બંધકના બદલામાં ઇઝરાયેલ પોતાની જેલમાં બંધ 3 પેલેસ્ટીનીઓને મુક્ત કરશે. એટલે કે કુલ 150 પેલેસ્ટીનીઓને મુક્ત કરવામાં આવશે. હમાસ દ્વારા મુક્ત કરાયેલા બંધકોમાં ત્રણ અમેરિકનો પણ સામેલ હશે. બંને તરફથી વધુ બંધકોને પણ મુક્ત કરવામાં આવે તેવી સંભાવના છે.
આ પણ વાંચો – અફઘાનિસ્તાને દિલ્હીમાં પોતાની એમ્બેસી હંમેશ માટે બંધ કરી દીધી, જાણો શું છે કારણ
માત્ર ઇઝરાયેલના નાગરિકોને હમાસે બંધક બનાવ્યા છે એવું નથી. વિશ્વના ઘણા દેશોના નાગરિકો પણ છે. ઇઝરાયેલ ઉપરાંત જે દેશોના નાગરિકોને હમાસે બંધક બનાવ્યા છે તેમાં અમેરિકા, થાઇલેન્ડ, જર્મની, આર્જેન્ટિના, બ્રિટન, ફ્રાન્સ, નેધરલેન્ડ અને પોર્ટુગલના નાગરિકોનો સમાવેશ થાય છે. મોટાભાગના બંધકો તે છે જેમણે 7 ઓક્ટોબરે મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. હમાસે અહીંથી નાગરિકોને બંધક બનાવ્યા હતા.
શું સમજૂતી થઈ છે?
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અમેરિકા, ઈજિપ્ત અને કતારના હસ્તક્ષેપ બાદ ઈઝરાયેલ અને હમાસ બંને એક સમજૂતી પર પહોંચી શક્યા હતા અને ત્યારબાદ 7 ઓક્ટોબરે શરૂ થયેલું યુદ્ધમાં થોડા દિવસ માટે યુદ્ધવિરામ કરાયો છે. પહેલા આ યુદ્ધવિરામ ગુરુવારથી જ થવાનો હતો પરંતુ બાદમાં તેમાં એક દિવસનો વિલંબ થયો હતો. હાલ માટે કરવામાં આવેલ ડીલ હેઠળ ઇઝરાયેલ 150 પેલેસ્ટિનિયન બંધકોને મુક્ત કરશે જ્યારે હમાસ પણ 50 બંધકોને મુક્ત કરશે.
અત્યાર સુધીમાં કેટલા જીવ ગયા?
આ યુદ્ધમાં ગાઝામાં અત્યાર સુધીમાં 14,000થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઈઝરાયેલમાં પણ 1200 લોકોએ જીવ ગુમાવ્યા છે. હકીકતમાં, 7 ઓક્ટોબરે હમાસે અચાનક ઇઝરાયેલ પર હુમલો કર્યો અને તેના નાગરિકોને પણ મારી નાખ્યા. એ હુમલા પછી જ ઈઝરાયેલ સરકારે હમાસને ખતમ કરવાની જાહેરાત કરી અને આ યુદ્ધ શરૂ થઈ ગયું.





