Israel Hamas War News Updates : ઇઝરાયલે ગાઝામાં હમાસના આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો વધુ તીવ્ર બનાવ્યો છે. હવે સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા માહિતી આપવામાં આવી છે કે, ઈઝરાયેલે ઉત્તરી ગાઝાના 11 લાખ લોકોને તેમની જગ્યા છોડી દેવાનો આદેશ આપ્યો છે. યુએનના પ્રવક્તાએ કહ્યું કે, ઈઝરાયેલની સેનાએ શુક્રવારે ઉત્તરી ગાઝાના 1.1 મિલિયન લોકોને 24 કલાકની અંદર જગ્યા છોડી દેવાની સૂચના આપી છે.
ઈઝરાયલ દ્વારા જમીની હુમલા તીવ્ર બની શકે છે
યુએનના પ્રવક્તા સ્ટેફન ડુજા રિકે કહ્યું કે, આ આદેશથી ‘વિનાશક માનવતાવાદી પરિણામો’નું જોખમ છે. આ આદેશ એવા સમયે આવ્યો છે, જ્યારે ઇઝરાયલે હમાસ સામે બદલો લેવાની કાર્યવાહી તેજ કરી છે. આ આદેશનો અર્થ એવો થઈ શકે છે કે, જમીની હુમલાઓ વધુ તીવ્ર બનાવવામાં આવી શકે છે, જોકે ઈઝરાયેલની સેનાએ આ સંબંધમાં કોઈ માહિતી આપી નથી. ગત ગુરુવારે સેનાએ કહ્યું હતું કે, તે જમીની હુમલાની તૈયારી કરી રહ્યું છે પરંતુ, હાલમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ઇઝરાયેલમાં સ્થિતિ ખરાબ અને અસ્થિર
પશ્ચિમ બંગાળની રહેવાસી દુતી બેનર્જીએ, જેઓ ઇઝરાયેલથી આવેલા ભારતીયોની પ્રથમ બેચમાં સામેલ હતા, તેમણે કહ્યું કે, ત્યાંની સ્થિતિ ખૂબ જ ખરાબ અને અસ્થિર છે. તેમણે કહ્યું, “એવું લાગે છે કે, સામાન્ય જીવન ઠપ્પ થઈ ગયું છે.” લોકો ભયભીત અને ગુસ્સે છે. હું આવતી હતી ત્યારે પણ મને સાયરનનો અવાજ સંભળાયો અને મારે કેમ્પમાં પણ જવું પડ્યું.
અસ્થાયી શિબિરોમાં ઘણા લોકો
સુપર્ણો ઘોષ, પશ્ચિમ બંગાળના રહેવાસી અને ઇઝરાયેલના બેરશેબામાં નેગેવની બેન-ગુરિયન યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષનો પીએચડી વિદ્યાર્થી છે, તે ભારતીય જૂથનો એક ભાગ છે જે વિશેષ ફ્લાઇટ દ્વારા દિલ્હી પહોંચ્યો હતો. તેણે કહ્યું, “અમે કામચલાઉ કેમ્પમાં હતા. ઇઝરાયેલ સરકારે દરેક જગ્યાએ કેમ્પ લગાવ્યા હતા, તેથી અમે સુરક્ષિત હતા.” વિદ્યાર્થી દીપકે કહ્યું, “અમે શનિવારે સાયરનનો અવાજ સાંભળ્યો હતો. જ્યારે હુમલા થયા ત્યારે અમે અવાજો સાંભળી શકતા હતા. ઇઝરાયેલના અધિકારીઓ અમને સાવચેતી રાખવાની સૂચનાઓ આપી રહ્યા હતા. સતત હુમલા થઈ રહ્યા હતા. હું ઘરે પાછો આવીને ખૂબ જ ખુશ છું, પણ ત્યાં (ઇઝરાયેલ) અટવાયેલા અમારા મિત્રો માટે પણ દુઃખી છું.”
હાલમાં 18 હજાર ભારતીયો ઈઝરાયેલમાં છે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું હતું કે, હાલમાં લગભગ 18 હજાર ભારતીયો ઇઝરાયેલમાં, લગભગ એક ડઝન પશ્ચિમ કાંઠે અને ત્રણથી ચાર ગાઝામાં રહે છે.
સાયરનનો અવાજ સાંભળીને લોકો ડરી જાય છે
2019થી ઈઝરાયેલમાં રહેતા સંશોધક શાશ્વત સિંહ પોતાની પત્ની સાથે દિલ્હી પહોંચ્યા હતા. તેમણે કહ્યું, “હવાઈ હુમલાની માહિતી આપતી સાયરનનો અવાજ સાંભળીને અમે જાગી ગયા. અમે મધ્ય ઇઝરાયેલમાં રહીએ છીએ, જેથી મને વધારે ખબર નથી.
તેમણે કહ્યું, “ભારતીયને સુરક્ષિત રીતે બહાર કાઢવું એ પ્રશંસનીય પગલું છે. અમને આશા છે કે, શાંતિ પુનઃસ્થાપિત થશે અને અમે કામ પર પાછા ફરીશું. ભારત સરકાર ઈમેલ દ્વારા અમારા સંપર્કમાં હતી. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસના આભારી છીએ.
ભારતીયોની પ્રથમ બેચ ઈઝરાયલથી પરત આવી
ઇઝરાયેલથી વિદ્યાર્થીઓ સહિત લગભગ 200 ભારતીયોની પ્રથમ બેચ શુક્રવારે વહેલી સવારે ચાર્ટર્ડ ફ્લાઇટમાં દિલ્હી પહોંચી હતી. ગયા શનિવારે હમાસના આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલ પરના હુમલા બાદ આ ક્ષેત્રમાં તણાવ ફેલાઇ ગયો હતો, જેના પરિણામે ભારતે સ્વદેશ પરત ફરવા ઇચ્છતા લોકોને પરત લાવવા ઓપરેશન અજય શરૂ કર્યું હતું. દિલ્હી એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મુસાફરોનું સ્વાગત કર્યું. તેમણે દરેકને હાથ જોડીને અભિવાદન કર્યું અને તેમાંથી કેટલાક સાથે હાથ મિલાવ્યા અને ‘ઘરે સ્વાગત ‘ કહ્યું.
ફ્રાન્સે પેલેસ્ટાઈનના સમર્થનમાં તમામ દેખાવો પર પ્રતિબંધ મૂક્યો છે
ફ્રાન્સના આંતરિક પ્રધાને સ્થાનિક સત્તાવાળાઓને તમામ પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો કારણ કે, હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કર્યા પછી સેમિટિક વિરોધી ઘટનાઓ વધી હતી. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ફ્રાન્સના લોકોને વિનંતી કરી છે કે, તેઓ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને તેમના દેશ પર અસર ન થવા દે.





