Israel Hamas War: દક્ષિણ આફ્રિકાએ ગાઝા પટ્ટી પર થઇ રહેલા બોમ્બ ધડાકાને નરસંહાર ગણાવ્યો છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ પોતાના રાજદૂત અને ડિપ્લોમેટ્સને ઇઝરાયેલથી પાછા બોલાવી લીધા છે. આ સિવાય દક્ષિણ આફ્રિકાની સરકારે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે તાજેતરમાં કરેલી ટિપ્પણી બદલ પોતાના રાજદૂત સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. જોકે ઇઝરાયેલમાં દક્ષિણ આફ્રિકાના રાજદૂતની ટિપ્પણી અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી.
7 ઓક્ટોબરના રોજ હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યા હતો. જેમાં ઇઝરાયેલના 1,400 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ પછી ઇઝરાયેલ વળતો હુમલો કરી રહ્યું છે. ગાઝામાં ઇઝરાયેલી સૈન્ય કાર્યવાહીમાં 10,000થી વધુ પેલેસ્ટાઇનના લોકો માર્યા ગયા છે.
દક્ષિણ આફ્રિકાના મંત્રી ખુમ્બુદજો નત્શાવેનીએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાની સરકારે તેના તમામ ડિપોપ્લેન્ટ્સને ઇઝરાયેલમાંથી પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેબિનેટે ઇઝરાયેલ સરકારના અત્યાચારો અને નરસંહારનો વિરોધ કરનારાઓ વિશે દક્ષિણ આફ્રિકામાં ઇઝરાયેલી રાજદૂતની અપમાનજનક ટિપ્પણીની નોંધ લીધી હતી. સાથે જ તેમણે પોતાના આચરણને લઈને ડિપ્લોમેટિક ચેનલ્સ અને નિયમો હેઠળ જરૂરી કાર્યવાહી કરવા સંબંધ વિભાગને આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો – ઇઝરાયલ-હમાસ યુદ્ધથી ગાઝામાં 15 લાખ લોકો બેઘર, નથી ભોજન કે પાણી
નત્શાવેનીએ એમ પણ કહ્યું હતું કે ઇઝરાયેલમાં દેશના રાજદૂતના વલણને ટેકો આપી શકાય નહીં. જોહાનિસબર્ગમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસની બહાર અને પ્રિટોરિયા અને કેપટાઉનમાં ઇઝરાયેલના દૂતાવાસોની બહાર વિરોધ પ્રદર્શન કરી રહેલા પેલેસ્ટાઇન સમર્થક પ્રદર્શનકારીઓએ દક્ષિણ આફ્રિકાની સરકારને ઇઝરાયેલના રાજદૂતને હાંકી કાઢવાની અપીલ કરી છે.
દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય સંબંધોના મંત્રી નાલેદી પેંડોરે કહ્યું હતું કે સરકારને આ ક્ષેત્રની પરિસ્થિતિ વિશે વિસ્તૃત જાણકારી આપવા માટે દક્ષિણ આફ્રિકાના અધિકારીઓને ઇઝરાયેલથી પાછા બોલાવવામાં આવશે. પેંડોરે જણાવ્યું હતું કે અમારે અમારા અધિકારીઓ સાથે ચર્ચા કરવી કરવાની છે. પેલેસ્ટાઇનના વિસ્તારમાં બાળકો અને નિર્દોષ નાગરિકોની સતત હત્યાથી અમે ખૂબ જ ચિંતિત છીએ. અમારું માનવું છે કે ઇઝરાયેલની જવાબી કાર્યવાહી સામૂહિક સજા સમાન છે.
દક્ષિણ આફ્રિકામાં આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટીની આગેવાની હેઠળની સરકાર છે. આ પાર્ટીના પેલેસ્ટાઇન સાથે ગાઢ સંબંધો છે. દક્ષિણ આફ્રિકાએ ગાઝામાં યુદ્ધ રોકવાની વાત કરી છે. આ સાથે બોમ્બમારો કરનાર વિસ્તારમાં રાહત સામગ્રી પહોંચાડવાની મંજૂરીની પણ વાત કહી છે. દક્ષિણ આફ્રિકા ઉપરાંત ઘણા દેશોએ ઇઝરાયેલથી પોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા છે. જેમાં ચિલી, કોલંબિયા, બોલિવિયાનો સમાવેશ થાય છે. જેમણે ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો કાપી નાખ્યા છે.





