Pakistan Election : પાડોશી દેશ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામોને ઘણા દિવસો વીતી ગયા છે, જેમાં કોઈ રાજકીય પક્ષને બહુમતી મળી નથી. જોડતોડ દ્વારા સરકાર રચવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સર્વસંમતિ સધાઈ નથી. સરકાર બનાવવાની વાત તો દૂર ચૂંટણી પ્રક્રિયામાં ગડબડીને લઇને મુખ્ય વિવાદ ઊભો થયો છે. એક ચૂંટણી અધિકારીએ પોતે દબાણમાં આવી ગોટાળો કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોતાનો ગુનો કબૂલતાં તેમણે શનિવારે આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ કારણે પાકિસ્તાનને દુનિયામાં ફજેતી થઇ રહી છે. આ દરમિયાન હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ચૂંટણીને પણ અમાન્ય જાહેર કરવામાં આવી શકે છે.
પાકિસ્તાનના રાવલપિંડી કમિશ્નર લિયાકત અલી ચટ્ટાએ પોતાના રાજીનામાની જાહેરાત સાથે ચૂંટણીમાં થયેલી ગડબડીને સ્વીકારી લીધી છે. જેના પગલે પરિણામની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. એવી પણ અટકળો છે કે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પરિણામોને રદ કરવાનો ચુકાદો આપી શકે છે કારણ કે તે પાકિસ્તાનની અત્યાર સુધીની સૌથી વિવાદાસ્પદ ચૂંટણી બની રહી છે.
ચટ્ટાએ સ્વીકાર્યું હતું કે રાવલપિંડીના 6 જિલ્લામાં 1 નેશનલ એસેમ્બલી મતવિસ્તારના પરિણામોમાં ફેરફાર કરીને ગરબડ કરવામાં આવી હતી. તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ પણ કરી દીધું છે. છેલ્લા દસ દિવસમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા હેરાફેરીના આક્ષેપો થઇ રહ્યા છે અને રિટર્નિંગ ઓફિસરના સ્વીકારવાથી આ આરોપો મજબૂત બન્યા છે.
આ પણ વાંચો – બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ રસ્તાઓ ઉપર ઉતર્યા હજારો લોકો
પાકિસ્તાનની ચૂંટણીમાં આ હેરાફેરીને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. જેમાં 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવેલા ચૂંટણી પરિણામોને અમાન્ય જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. વળી 30 દિવસની અંદર કોર્ટે ફરી એકવાર દેશમાં તેની દેખરેખ હેઠળ ચૂંટણી કરાવવી જોઈએ. આ ઉપરાંત આ અરજીના પરિણામ સુધી કોઈપણ પ્રકારની સરકાર રચવાના પ્રયાસો બંધ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ અરજી પર સોમવારે સુનાવણી થવાની છે, જેમાં મહત્વનો નિર્ણય પણ લઇ શકાય છે.
ચૂંટણી પંચે ઉચ્ચ સ્તરીય તપાસની રચના કરી
ચૂંટણી પંચે એક ઉચ્ચ પ્રશાસનિક અધિકારી દ્વારા ચૂંટણીમાં ગોટાળાને લઈને લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. એવું કહેવામાં આવે છે કે જેલમાં બંધ પૂર્વ પીએમ ઇમરાન ખાનની પાર્ટી સાથે રાવલપિંડીમાં ચૂંટણીમાં ન્યાયતંત્ર અને ચૂંટણી પંચના દેખરેખમ હેઠળ ગરબડ થઇ છે. ચૂંટણી પંચે પોતાના જ અધિકારીના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને આરોપોની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
ઈમરાન સમર્થકોની પ્રશાસન સાથે અથડામણ
બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ પીએમ અને જેલમાં બંધ ઈમરાન ખાનની પાર્ટીના સમર્થકો રાષ્ટ્રીય સ્તર પર ચૂંટણીમાં ગરબડીનો વિરોધ કરી રહ્યા છે. ધ ડોનના અહેવાલ મુજબ લાહોરમાં પીટીઆઈના સમર્થકો શનિવારે પ્રેસ ક્લબ અને પાર્ટીની જેલ રોડ ઓફિસની બહાર એકઠા થયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ હેરાફેરી અંગે ઘણા સૂત્રોચ્ચાર કર્યા હતા.
સૌથી મોટી ચૂંટણી છેતરપિંડી
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકો પર ગોટાળાના ઘણા આરોપ લાગ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ અત્યાર સુધીની સૌથી મોટી ચૂંટણી છેતરપિંડી છે. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ પહેલાથી જ ખરાબ છે. આવી સ્થિતિમાં પડદા પાછળ પણ રાજકારણીઓ વચ્ચે સરકાર રચવાની કોઈ વાત નથી અને હજી સુધી પાકિસ્તાનમાં કોઈ સર્વસંમતિ નથી. બીજી તરફ ઈમરાન ખાનના સમર્થકોથી લઈને તેમના નજીકના લોકો સુધી દબાણ કરવામાં આવી રહ્યું છે, જે પણ સંકેત આપી રહ્યું છે કે પાકિસ્તાનમાં ફરી એકવાર માર્શલ લૉ લાગુ થઈ શકે છે.





